Oct 8, 2021

Gujarati-Ramayan-Rahasya-96-ગુજરાતી-રામાયણ-રહસ્ય-96

વાત એ વખતની છે જયારે દશરથરાજા યુવાનીને ઉંબરે પહોંચ્યા હતા.હજી તેમનાં લગ્ન થયા નહોતાં.ધનુર્વિદ્યામાં તે અતિ પારંગત હતા,આંખ મીંચી,માત્ર અવાજ પરથી તે ધાર્યું નિશાન વીંધતા હતા.આ શબ્દ-વેધી બાણ- વિદ્યાનો તેમને બહુ ગર્વ પણ હતો.ઘણીવાર કુમાર દશરથ એકલો,નદીના કિનારે કે ઉપવનમાં ફરવા નીકળી પડતો અને ક્યાંક સંતાઈને માત્ર અવાજ પરથી વન્ય-પશુના શિકાર કરતો.

એવી એક ચોમાસાની સાંજે કુમાર દશરથ હાથમાં ધનુષ્ય-બાણ લઇને મૃગયા રમવા,સરયુ નદીના કિનારે,
એકલો નીકળી પડ્યો હતો.ફરતાં ફરતાં રાત પડી ગઈ,એટલે કુમાર દશરથ એક વૃક્ષની ઓથે છુપાઈને,
નદીમાં પાણી પીવા આવતા કોઈ પશુનો અવાજ સાંભળવા કાન માંડીને બેઠો.
ચારે તરફ અંધારું હતું,અને કશું દેખાતું નહોતું.દશરથ કેટલોક વખત આમ સંતાઈને બેસી રહ્યો હતો,
એવામાં પાણીમાં તેણે બડબડ-બડબડ અવાજ સાંભળ્યો.તેણે ધાર્યું કે કોઈ જંગલી પશુ પાણી પીવા આવ્યું 
લાગે છે,તેથી તેનો વધ કરવા તેણે તરત જ ભાથામાંથી ઝેરી સર્પ જેવું બાણ કાઢ્યું,ને ધનુષ્ય પર ચડાવ્યું.

પોતાની શબ્દ-વેધી બાણ-વિદ્યા પર તે એટલો મુસ્તાક હતો કે,તે લાંબો વિચાર કરવા રોકાયો નહીં,
સનનન કરતુ બાણ છૂટ્યું ને બરોબર નિશાનમાં જઈ ને ચોંટ્યું.
ત્યાં જ કોઈ મનુષ્યના ગળાની ચીસ સંભળાણી.એ સાંભળીને દશરથને ફાળ પડી.
શું બન્યું છે? તેની તપાસ કરવા તે અવાજની દિશાએ આગળ વધ્યો,ત્યાં એણે મનુષ્યનો વિલાપ સંભળાયો.
“અરેરે,મને કોને આ બાણ માર્યું?ઓચિંતાનું કોણ મારું વેરી જાગી પડ્યું?
મેં તો જીવનમાં કોઈનું કંઈ પણ બગાડ્યું નથી તો અહીં ક્યાંથી મારું મોત ટપકી પડ્યું?
મારું તો ઠીક પણ મારા વૃદ્ધ માતા-પિતાનું શું થશે? મારા વગર તેઓ કેવી રીતે જીવશે?
અરેરે,મને હણનારે એક સાથે ત્રણ જીવની હત્યા કરી છે.

આ સાંભળી દશરથનાં ગાત્ર ગળી ગયાં.તેનું શરીર થર થર ધ્રુજવા લાગ્યું.હાથમાંથી ધનુષ્ય-બાણ પડી ગયાં.
તેને બીક લાગી કે પોતાને હાથે નિર્દોષનો વધ થઇ ગયો લાગે છે. તે દોડતો નદી કિનારે પહોંચ્યો અને જઈને 
જુએ છે તો એક જટા-વલ્કલ-ધારી કુમાર,જમીન પર પડ્યો છે ને બાણ તેની છાતીમાં ખૂંપી ગયું હતું.
દશરથે તેની પાસે જઈ અને પોતાના અપરાધની ક્ષમા માગી.

કિશોરે કહ્યું કે-મારું નામ શ્રવણ છે,મને મારું દુઃખ નથી,પણ મારાં માત-પિતાનું શું થશે તેનું મને દુઃખ છે.
તેઓ વૃદ્ધ અને અંધ છે,અને તરસથી પીડાય છે,તુ જલ્દી એમની પાસે પહોંચી જઈ,તેમણે પાણી પાઈને 
પ્રસન્ન કર.મોડું થશે અને મારા મરણની તેમને શંકા થશે તો તે તને શાપ દેશે.અને વૃદ્ધ,અંધ,
માત-પિતાની કકળતી આંતરડીનો શાપ તને જંપીને રહેવા નહીં દે.માટે વહેલો,જા, અને એમને શાંત કર.

દશરથ મૂઢ બની ગયો હતો,શ્રવણના બાણની વેદના,શાંત કરવા તેણે બાણ ખેંચી કાઢ્યું,
પણ શ્રવણના પ્રાણ બહુ ટકી શક્યા નહિ,અને તે મોતને શરણ થયો.
પછી દશરથ નદીમાંથી કમંડળમાં પાણી ભરીને શ્રવણના વૃદ્ધ માત-પિતા પાસે ગયો.
પગરવનો અવાજ સાંભળી,શ્રવણની માતા એ કહ્યું-કે બેટા પાણી લાવ્યો?
દશરથ કંઈ પણ જવાબ આપતો નથી ને,કમંડળ ભરેલ પાણી તેમના હાથમાં આપ્યું.

શ્રવણ ના પિતા કહે છે કે-બેટા,તું કેમ કંઈ બોલતો નથી? તું નહિ બોલે તો અમે પાણી પીવાનાં નથી.
તું અમ અંધની લાકડી છે,અમે તારો શો અપરાધ કર્યો છે કે તું અમારી સાથે બોલતો નથી? 
તું રોજ અમને વેદ-પાઠ સાંભળવનારો આજે કંઈ બોલતો કેમ નથી?
દશરથની આંખોમાંથી હવે ટપ-ટપ આંસુ માંડ્યા.મા એ હાથ લાંબો કર્યો અને દશરથને અડકતાં જ,
તેમને ખબર પડી કે –આ એમનો દીકરો શ્રવણ નથી.એના શરીરે મૃગ-ચર્મ નથી,માથે જટા નથી.

ભયભીત થઇ દશરથે કહ્યું કે હું આપનો પુત્ર નથી,પણ હું દશરથ નામનો ક્ષત્રિય છું,રાતે મૃગયા રમવા 
નીકળ્યો હતો,ત્યાં વનચર પ્રાણી સમજીને અજાણથી શબ્દ-વેધી બાણ છોડ્યું,તે આપના પુત્રને વાગતાં તેનું 
મરણ થયું છે,મારાથી અજાણ્યે અપરાધ થઇ ગયો છે,મને ક્ષમા કરો,હું આપનો પુત્ર બનીને જિંદગીભર 
આપની સેવા કરીશ.પણ પુત્રના મરણના સમાચાર સાંભળતાં જ શ્રવણના માતા-પિતા બેભાન થઇ ગયાં.
થોડીવારે જયારે તે ભાનમાં આવ્યા ત્યારે,તેમણે કહ્યું કે –અમને અમારા લાલ પાસે લઇ જા.

દશરથ બંનેને નદી-કિનારે દોરી લઇ ગયો.શ્રવણના મૃત શરીરને હાથ લગાવી ને વૃદ્ધ-વૃદ્ધા કલ્પાંત કરે છે.
ને શ્રવણના ગુણોને અને તેની સેવાને સંભાળી –સંભાળીને તેમની આંખો અનરાધાર વહે છે.
દશરથે કરગરીને કહ્યું કે –અજાણતાં થયેલો મારો અપરાધ ક્ષમા કરો.મારા પર દયા કરો.
ત્યારે વૃદ્ધે કહ્યું કે-તેં તારો અપરાધ કબૂલ કર્યો છે ને અમારી સેવા કરવા તત્પર થયો છે,તેથી તું બચી ગયો છે.
પણ અજાણ્યે પણ ઝેર ખવાઈ જવાય તો તે ઝેર તો તેનું કામ કરે જ છે અને મૃત્યુ તો આવે જ છે.
તેથી હું તને કહું છું કે-પુત્ર વિયોગમાં આજે જેમ અમારું મરણ થાય છે તેમ તારું મરણ પણ પુત્ર વિયોગમાં 
જ થશે.દશરથે માથું નમાવીને શાપ માથે ચડાવ્યો.પછી વૃદ્ધે,દશરથને ચિતા સળગાવવાનું કહ્યું 
અને ચિતા તૈયાર થતા,વૃદ્ધ-વૃદ્ધાએ પણ પુત્રની પાછળ ચિતામાં પ્રવેશીને પ્રાણ ત્યાગ કર્યો.

PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE