Oct 12, 2021

Gujarati-Ramayan-Rahasya-99-ગુજરાતી-રામાયણ-રહસ્ય-99

વૃદ્ધાવસ્થામાં ખાધેલું પચતું નથી,છતાં ડોસાને વારંવાર સારું-સારું ખાવાની ઈચ્છા 
થાય છે.વૃદ્ધાવસ્થામાં આ લૂલી (જીભ) બહુ પજવે છે.માટે હજી શરીર સારું છે 
ત્યાં સુધી બાજી આપણા હાથમાં છે,ત્યાં સુધી માં પ્રભુ ને રાજી કરવામાં આવે તો 
બેડો પાર છે.મરણ પથારીમાં પડ્યા પછી જેની પાછળ પૈસાનું પાણી કર્યું હશે 
તે જ લોકો,ડોસો ક્યારે મરે તેવી ઈચ્છા રાખે છે.ભાગવતમાં સગાંઓને 
શિયાળ-કૂતરાં જેવાં કહ્યા છે.છેવટે ડોસો એકલો જ રડતો,રડતો જાય છે.
તે જાણે છે કે કોઈ સાથે નહિ આવે,એકલાએ જ જવું પડશે,છતાં વિવેક રહેતો નથી.

યમદૂતોની ગતિ પગથી આંખ સુધી હોય છે,પણ બ્રહ્મ-રંઘ્રમાં જે પ્રાણ સ્થિર કરે છે તેને યમદૂતો કંઈ 
કરી શકતા નથી. પ્રભુએ,મનુષ્યને જિંદગી પુણ્ય કરવા આપી છે પણ તે પુણ્યને બદલે પાપ કરે છે.
વૃંદાવન ના એક મહાત્માની વાત છે.
તેમણે એક ઉંદરને બિલાડાથી બીતો જોયો,ઉંદરની વિનંતી સ્વીકારી તેમણે ઉંદરને બિલાડો બનાવી દીધો.
હવે બિલાડો કૂતરાથી બીતો હતો એટલે તેની વિનંતીથી તેને કૂતરો બનાવી દીધો.
કૂતરો હવે જંગલના વાઘથી બીતો હતો,એટલે તેણે ફરી મહાત્માને વિનંતી કરી,
મહાત્માએ તેને વાઘ બનાવી દીધો.પણ આ ઉંદરમાંથી બનેલો વાઘ, મહાત્માને જ ખાવા કૂદ્યો,
એટલે,તે મહાત્માએ તેને ફરીથી ઉંદર બનાવી દીધો.

આ જીવ પણ એક વખત ઉંદર હતો,પણ હવે-અત્યારે તે માનવ થયો છે,અને માનવ થયા પછી 
એ માનવને બનાવનાર ઈશ્વરને ભૂલી જાય,અને ઈશ્વરનો જ છેદ ઉડાડવા જાય તો-ઈશ્વર કહેશે કે-
બચ્ચા,ચૂપ, હું ફરીથી  તને ઉંદર બનાવી દઈશ.
અનેક જન્મોથી જીવ ભટકે છે,વારંવાર જન્મ-મરણના ચક્કરમાં ફરે છે,
પણ જીવનને સુધારતો નથી,જીવનની પળ-પળ સુધારવામાં આવે તો અંત-કાળ સુધરે,મૃત્યુ સુધરે. 
સર્વ કથાઓનો સાર આ જ છે.

રાજા દશરથે રામ-રામ કરતાં દેહ ત્યાગ કર્યો,અયોધ્યામાં હાહાકાર થઇ ગયો,ચાર દીકરામાંથી એક પણ 
દીકરો હાજર નહોતો,તો અગ્નિ સંસ્કાર કોણ કરે? રાજાના મૃતદેહને તેલની ભરેલી કોઠીમાં સાચવવામાં 
આવ્યો અને મારતે ઘોડે દૂતો ભરત-શત્રુઘ્નને તેડી લાવવા કૈકેય દેશની રાજધાની તરફ રવાના થયા.

આ બાજુ ભરતને કેટલાક વખતથી પોતાના પિતા વિષેનાં અમંગળ સ્વપ્ન આવતાં હતાં.
અને સવારમાં તે શત્રુઘ્નને પોતાના સ્વપ્નની વાત કરતો હતો,એટલામાંજ અયોધ્યાથી આવેલો દૂત 
ત્યાં આવ્યો.અને તેણે કહ્યું કે-ગુરૂ વશિષ્ઠજીએ આપને તરત જ અયોધ્યા તેડાવ્યા છે,આપની જરૂર પડી છે.
ભરતને ફાળ પડી અને તેણે પૂછ્યું કે- અયોધ્યામાં સર્વ કુશળ તો છે ને? દૂતે કહ્યું કે –હા.
તરત જ મામાની વિદાઈ અને આજ્ઞા લઇ,બંને અયોધ્યા તરફ જવા નીકળ્યા.

અયોધ્યા પહોચતાં જ અયોધ્યાનું નિસ્તેજ રૂપ જોઈ ભરત આભો બની ગયો,તેને અમંગળ વિચારો આવવા લાગ્યા.
સીધો તે માતા કૈકેયીના ભવનમાં ગયો.કૈકેયી પુત્રને મળવા દોડી.ભરતે માતાને વંદન કરી પૂછ્યું કે-
મારા પિતાજી ક્યાં છે? તરત જ કૈકેયી એ જવાબ આપ્યો કે-તેઓ સદગતિ ને પામ્યા છે.
ભરતના મનનો ભય સાચો પડ્યો,તેને આવેલાં અમંગળ સ્વપ્ન સાચાં પડ્યાં.

કૈકેયી જેટલી સહેલાઈથી આ કઠોર સમાચાર કહી શકી તેટલી સહેલાઈથી ભરત તે સહી શક્યો નહિ.
કપાયેલી લતાની જેમ એ એકદમ જમીન પર પડી ગયો,ને વ્યાકુળ બની શોક કરવા માંડ્યો.
“હાય,રે હું કેવો કમનસીબ! અંતકાળે પિતાનું મોં પણ હું જોવા પામી શક્યો નહિ,
ધન્ય છે રામ-લક્ષ્મણ ને કે સ્વ-હસ્તે તેઓ પિતાનો અગ્નિ-સંસ્કાર કરી શક્યા.”

ત્યારે કૈકેયી એ કહ્યું કે-ધન્ય,છે તને કે તારા હાથે,તારા પિતાનો અગ્નિ સંસ્કાર થશે.
નવાઈ પામી ભરતે પૂછ્યું કે-તુ આ શું કહે છે,મા?તો મારા રામ-લક્ષ્મણ ક્યાં છે?
હસવાનો પ્રયત્ન કરી,કૈકેયીએ કહ્યું કે-તારા પિતાએ અયોધ્યાનું રાજપાટ તને આપ્યું છે,
અને રામને ચૌદ વર્ષ નો વનવાસ દીધો છે,લક્ષ્મણ અને સીતા તેમની સાથે ગયાં છે.

ઝેરી નાગ કરડ્યો હોય એવી વેદના ભરતને થઇ.એનો અવાજ ફાટી ગયો,ને તે બોલ્યો કે-
શાના કારણે મારા પિતાએ તેમને આવી સજા કરી? મારા રામે તો જિંદગીમાં કદી કોઈનું યે બુરું કર્યું નથી,
તો તેમને આવી સજા કેમ? તેનું કારણ તો મને કહે...
ત્યારે કૈકેયી એ હસી ને કહ્યું કે-તારા હિત માટે જ મારી પાસે રાજાનાં બે વચનો કે જે મારે માગવાનાં
બાકી હતાં તે,મેં માગી લીધાં કે-તને રાજપાટ અને રામને વનવાસ.વચમાં બાજી બગડી હતી 
પણ મંથરાની મદદથી મેં એને સુધારી લીધી.

PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE