Apr 3, 2014

Sarv-Vedant-Sidhdhant-Saar-Sangrah-Gujarati--સર્વ-વેદાંત-સિદ્ધાંત-સાર-સંગ્રહ-૫૪

શંકરાચાર્ય રચિત વેદાંત-સિદ્ધાંત-સાર

અસત્ (શુન્ય) માંથી સત્ (પ્રત્યક્ષ દેખાતી વસ્તુ) ની ઉત્પત્તિ કદી સંભળાતી કે દેખાતી નથી.
મનુષ્ય ના શીંગડામાંથી શું ઉત્પન્ન થાય છે? કે આકાશના પુષ્પમાંથી શું થશે? (એટલે કે મનુષ્ય નું શીંગડું અને આકાશ નું પુષ્પ મૂળ માં છે જ નહિ-અસત્ છે,તો તેમાંથી શું થવાનું છે?)  (૫૯૦)

જો માટી ના હોય તો ઘડો ઉત્પન્ન થતો જ નથી. એકલી માટી કે એકલા પાણી થી –કે-એ બંનેના
ભેગાં મળવાથી પણ (માટી વિના) કોઈ રીતે ઘડો થતો જ નથી,
માટે જે વસ્તુ જેમાંથી ઉત્પન્ન થાય છે,તેમાં એ વસ્તુ નો જ સ્વભાવ હોય છે. (૫૯૧)

જો એમ ના હોય તો સર્વ શાસ્ત્રોમાં અને સર્વ લોકો માં
કાર્ય અને કરણ નું લક્ષણ ચોક્કસ વિપરીત જ થાય. (૫૯૨)

એટલે આમ,અસત માંથી સત્ કેવી રીતે ઉત્પન્ન થાય?(ન જ થાય)
આવા અભિપ્રાય થી જ શ્રુતિ (વેદ) પણ એ વસ્તુ નો નિષેધ કરે છે,કે અસત્ માંથી સત્ ની ઉત્પત્તિ ઘટતી જ નથી,કેમકે શૂન્ય (અસત્) શબ્દનો અર્થ મિથ્યા જ છે. (૫૯૩)

આ જગતમાં “અવ્યક્ત” (અસ્પષ્ટ)શબ્દ થી કહેવતો છતાં પ્રાજ્ઞ (પ્ર+આ+જ્ઞ=સારી રીતે ચોતરફ જાણનારો)
આત્મા હયાત છે,છતાં
હે, ભ્રમિત ના શિરોમણી,એ આત્મા નું શૂન્ય-પણું કેવી રીતે સિદ્ધ થાય છે?
વળી “સુષુપ્તિ માં શૂન્ય જ હોય છે” તેવું તને કયા પુરુષે કહ્યું? કયા હેતુ થી તેં એનું અનુમાન કર્યું છે?
અને તે શૂન્ય ને તેં જાણ્યું કેવી રીતે?
અને આમ જો પૂછવામ આવે તો એ “શૂન્ય-વાદી” શો ઉત્તર આપશે? (કોઈ જ નહિ)
“સુષુપ્તિમાં શૂન્ય જ હોય છે” એ વાતની સિદ્ધી ને અનુસરતો કોઈ હેતુ (કે પ્રમાણ) નથી,
અને એમ કહેનારો (અનુભવનારો) પણ (સુષુપ્તિમાં) કોઈ હોતો નથી.
તો પછી  એ “શૂન્ય” ને જાણનારો –આત્મા-સિવાય બીજો કોણ હોઈ શકે?  (૫૯૪-૫૯૬)

સુષુપ્તિ ના સમયે જે “શૂન્ય-પણું” રહેલું હોય છે,તેને તે પોતેજ અનુભવે છે,અને તે પોતે જ કહે છે,
તેમ છતાં એ મૂઢ (શૂન્ય-વાદી) તે સુષુપ્તિમાં પોતાની હયાતી ને ન જોઈ ને તેને
પોતાનું શૂન્ય-પણું કહે છે !!!! (૫૯૭)

પોતે (આત્મા) “બીજા લોકોથી નહિ જણાઈને” સુષુપ્તિ ના “ધર્મ” ને સાક્ષાત (પ્રત્યક્ષ) જાણે છે,
એમ એ સુષુપ્તિમાં –બુદ્ધિ-વગેરે ના “અભાવ” ને જે જાણે છે-તે-જ નિર્વિકાર આત્મા છે. (૫૯૮)

જેના પ્રકાશ થી આ બધું પ્રકાશે છે,તે સ્વયં-જ્યોતિ જેવા(જેમ કે-સૂર્ય-જેવા)
“આત્મા” ને પ્રકાશિત કરનાર શું છે? (કંઈ જ નથી-સૂર્ય ને પણ પરમાત્મા પ્રકાશ આપે છે!!)
આ શરીરમાં બુદ્ધિ વગેરે બધું જ જડ છે,
જેમ, સૂર્ય ને પ્રકાશિત કરનારું પૃથ્વી પર કંઈ દેખાતું નથી,
તેમ,આત્મા ને પ્રકાશિત કરનારું કોઈ પણ નથી.અને
આત્મા સિવાય બીજો કોઈ અનુભવ કરનાર કે જાણનાર પણ નથી.   (૫૯૯)

જાગ્રત-સ્વપ્ન-અને સુષુપ્તિમાં જેને લીધે બધું અનુભવાય છે,તે આ સંપૂર્ણ જાણનારા આત્મા ને કોણ કેવી રીતે જાણવાને યોગ્ય છે? (૬૦૦)



PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE