Apr 3, 2014

Sarv-Vedant-Sidhdhant-Saar-Sangrah-Gujarati-સર્વ-વેદાંત-સિદ્ધાંત-સાર-સંગ્રહ-૪૦

શંકરાચાર્ય રચિત વેદાંત-સિદ્ધાંત-સાર

આમ આત્મા માત્ર સાક્ષી જ છે,તે કર્તા નથી કે ભોક્તા નથી.
જેમ,આ લોકમાં દિવસ થાય એટલે સૂર્ય ના અજવાળા માં - પ્રાણીઓ કર્મો કરે છે,
તેમાં સૂર્ય કેવળ સાક્ષી જ છે,તે કંઈ કરતો નથી અને ભોગવતો પણ નથી,
પોતપોતાના સ્વભાવ ને અનુસરીને પ્રાણીઓ પોતપોતાના કર્મો માં લાગ્યા કરે છે,
તેમાં,સૂર્ય કંઈ કરતો નથી કે કરાવતો પણ નથી. (૪૨૫-૪૨૬)

એ જ રીતે,પ્રત્યગાત્મા (આત્મા) પણ દેહ આદિ ની પ્રવૃત્તિમાં,
સૂર્ય ની પેઠે નિષ્ક્રિય-સ્વરૂપે અને ઉદાસીન ભાવે જ રહે છે.  (૪૨૭)

આમ પરમ-તત્વ ને ન સમજીને માયા થી મોહિત મનવાળા લોકો,પોતાના આત્મામાં જ –
આ કર્તા-પણું-વગેરે માની બેસે છે,ખરી રીતે એ કર્તા-પણું દેહ-આદિ માં જ રહેલું છે. (૪૨૮)

જેમ,ચંદ્રથી દૂર રહેલાં વાદળો પવન ને લીધે દોડે છે,(જેને લીધે ચંદ્ર દોડતો દેખાય છે-પણ સત્યમાં
ચંદ્ર દોડતો નથી) છતાં મૂઢ બુદ્ધિ મનુષ્ય,ભ્રાંતિ ને લીધે,ચંદ્ર જ દોડે છે એમ માની બેસે છે.
તેમ,પોતાનો આત્મા સંગ-રહિત,ચેતન-રૂપ,અને ક્રિયા-રહિત જ છે,તેમ છતાં,એ આત્મામાં,
દેહ (અનાત્મા) –વગેરેના બધાં કાર્યો,માની બેસે છે. (આત્મા જ બધું કરે છે તેમ માની બેસે છે) (૪૨૯)

હે,વિદ્વાન,આત્મા-અનાત્મા નો વિવેક આગળ જતાં અતિ-સ્પષ્ટ-પણે જણાવવામાં આવશે,
પણ હાલ,તુ આ જગત ની ઉત્પત્તિ નો પ્રકાર તું ફરી સાંભળ. (૪૩૦)

ઈશ્વરના જોવા થી (દૃષ્ટિ થી-કે-હું સૃષ્ટિ રચું એવા વિચારથી)
આકાશ-આદિ સૂક્ષ્મ ભૂતો ઉત્પન્ન થઇ,પૂર્વોક્ત રીતિએ,અન્યોન્ય સાથે મળીને,(પંચીકૃત થઈને)
તેઓમાંથી,સ્થાવર-જંગમ સહિત આ “સ્થૂળ-બ્રહ્માંડ” ઉત્પન્ન થયું છે. (૪૩૧)

ડાંગર -વગેરે સર્વ અન્ન અને સર્વ ઔષધિઓ, વાયુ-તેજ-પાણી-પૃથ્વી-રૂપ જ છે,
આ ચાર પ્રકારનાં અન્ન એ સર્વ પ્રાણીઓના અન્ન છે. (૪૩૨)

કેટલાંક પ્રાણીઓ વાયુ નો આહાર કરી જીવે છે,કેટલાંક ચંદ્ર ને સૂર્ય ના તેજ નો આહાર કરીને જીવે છે,
કેટલાંક પાણી નાં કણો ખાઈ ને જીવે છે,તો કેટલાંક તો માટી ખાઈ ને જ જીવે છે.
કેટલાંક પાંદડાં-ઘાસ ખાઈને તો કેટલાંક માંસ ખાઈને જીવે છે,ત્યારે,
કેટલાંક ડાંગર-જવ-આદિ અન્ન ખાવામાં તત્પર થઇ ને જીવી રહ્યાં છે. (૪૩૩)

જરાયુજ,અંડજ,સ્વેદજ,અને ઉદ્ભિજ્જ-એમ ચાર પ્રકારનાં પ્રાણીઓ છે,
તેઓ પોતપોતાનાં કર્મો ને અનુસરી ને જન્મી રહ્યાં છે, (૪૩૪)

જેઓ જરાયુ (ઓળ) થી જન્મે છે –તે જરાયુજ (મનુષ્ય –વગેરે)
જેઓ ઈંડામાંથી જન્મ્યાં છે તે –અંડજ (પક્ષીઓ વગેરે)
જેઓ પરસેવામાંથી જન્મે છે-તે સ્વેદજ (જૂ,લીખ-વગેરે)અને
જેઓ જમીન ફાડીને જન્મે છે-તે ઉદ્ભિજ્જ  (વૃક્ષો –વગેરે)  (૪૩૫-૪૩૬)

PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE