More Labels

May 24, 2014

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૪૩

સતીએ કહ્યું કે-પિતા ને ત્યાં પુત્રી નિમંત્રણ વગર પણ જઈ શકે છે.
શિવજી કહે છે કે-જઈ શકે છે,પણ પરસ્પર સ્નેહ ભાવ હોય તો. પરંતુ જ્યાં વેરભાવ છે,જ્યાં સામાનું અપમાન કરવાની વૃત્તિ છે,ત્યાં આગળ વગર તેડે જવામાં હિત નથી.તેમ છતાં સતીએ હઠ કરી-એટલે શિવજીએ તેમને રજા આપી.અને પોતાના અનુચરો ને સાથે જવાની આજ્ઞા કરી.સતી પિતાને ઘેર ગયા,પણ પિતાએ તેમની તરફ નજર સુધ્ધાં ના કરી.સતીએ યજ્ઞ-મંડપમાં જોયું તો,ત્યાં ક્યાંય શિવજી નું આસન દેખાયું નહી.

પિતાએ માંડેલો આ યજ્ઞ,પોતાના પતિ શિવજીને આમંત્રણ નહિ આપીને,અપમાન કરવાનો પ્રસંગ છે,
એવું જાણીને સતી ને ભયંકર ક્રોધ થયો,અને યજ્ઞ-મંડપ માં તેમણે ગર્જના કરી-કે-
દુષ્કર્મ કરનારો ભલે પોતાનો પિતા હોય પણ તેના દુષ્કર્મને સહન કરવું જોઈએ નહિ,સૌનું શુભ કરનારા
શિવજીનું જ્યાં સ્થાન નથી એ સ્થાન ભ્રષ્ટ છે,ને નષ્ટ છે.
પતિના ગૌરવ માં સતીનું ગૌરવ છે અને પતિના જીવનમાં સતીનું જીવન છે.

એટલું બોલતાં બોલતાં યોગ-અગ્નિ થી સતી ત્યાં ને ત્યાં બળી ને ભસ્મ થઇ ગયા.
યજ્ઞ મંડપમાં હાહાકાર થઇ રહ્યો.સતીની સાથે આવેલા શિવજી ના અનુચરોએ બધે ભાંગફોડ કરી અને
દક્ષના યજ્ઞમાં ભંગ થયો.

ત્યાર પછી સતી એ હિમાલયમાં બીજો દેહ (જન્મ) લીધો.પર્વત ની એ કન્યા પાર્વતી નામે વિશ્વ-વંદ્ય બની.
એકવાર નારદે આવી પાર્વતી નો હાથ જોઈ કહ્યું કે-છોકરી બહુ ગુણિયલ છે,સુશીલ છે,શાણી છે,એનું
સૌભાગ્ય અખંડ રહેશે,પણ એણે પતિ બહુ વિચિત્ર મળશે.
પાર્વતી ના માતાજી એ પૂછ્યું કે-વિચિત્ર એટલે કેવો?
નારદે કહ્યું કે-મા-બાપ વગરનો,ઉત્સાહ વગરનો,ધન વગરનો,નાગો અને અમંગળ વેશવાળો,
શરીરે ભસ્મ ચોળી ને ફરનારો,ભોળો છતાં મૂર્ખ નહિ,જ્ઞાની છતાં શઠ નહિ,મસ્ત છતાં ઉદાસીન,
યોગી છતાં સંસારી,ઘર વગરનો છતાં ગૃહસ્થ.  જોગી, જટિલ,અકામ મન,નગન,અમંગલ બેષ.

નારદની વાણી સાંભળી માતા-પિતા દુઃખી થયાં,પણ પાર્વતીજી રાજી થયાં,તેઓ સમજી ગયા કે આવો
વિચિત્ર પતિ શિવજી સિવાય બીજો કોણ હોઈ શકે? તેથી તેમણે શંકર ને પ્રસન્ન કરવા તપસ્યા આદરી.

માતાએ તેમને બહુ સમજાવી પણ પાર્વતીનો નિશ્ચય ડગ્યો નહિ.
સપ્તર્ષિઓએ આવી પછ્યું-કે હે બાળા,તું આ શું કરે છે.
પાર્વતી કહે-નારદે કહેલા પતિ મેળવવા તપશ્ચર્યા કરું છું.
ઋષિઓ એ હસી ને કહ્યું કે-નારદના બોલવામાં વળી ઢંગ ક્યારે જોયો?આ ઉમરે તારે વળી તપસ્યા શી?
પાર્વતી કહે છે-મને સ્વપ્ન માં એક બ્રાહ્મણે કહ્યું છે કે-તપ જ સૃષ્ટિ ની,ઉત્પત્તિ-સ્થિતિ અને લય નું કારણ છે.
સપ્તર્ષિઓ કહે છે કે-અરે,પણ એવું તપ કરવાનું ,શું આવા અમંગલ-વેશ-ધારી માટે?
જે ભભૂત લગાવી ને મસાણ માં પડી રહે છે તેના માટે?

ત્યારે પાર્વતી કહે છે કે-ગમે તેમ કહો,પણ મને તો શિવજી ની જ રટ લાગી છે,લાખ વાર તપાવો પણ સોનું તેનું રૂપ નહિ તજે.એમ આ પાર્વતી તેનો નિશ્ચય નહિ તજે.તમે જેને અમંગલ કહો છો તે જ મારા મન મંગળ છે.સૂર્ય-અગ્નિ અને ગંગાજી ની પેઠે સમર્થ ને કોઈ દોષ લાગતો જ નથી.
સમરથ કો નહિ દોષ ગોસાઈ,રબિ પાવક સુરસરિ કી નાઈ!!!
સપ્તર્ષિઓ શરમાઈને ત્યાંથી પાછા ફરી ગયા.

બીજી તરફ શિવજી સમાધિ લગાવી ને બેઠા હતા.તેમને સમાધિમાંથી જગાડવા માટે ને પાર્વતી તરફ તેમનું ધ્યાન ખેંચવા માટે દેવોએ કામદેવ ને મોકલ્યો.ને કામદેવે પોતાની કળા કરી,વસંત ઋતુ પ્રગટ કરી,
ચારે તરફ ફૂલો,અને સુગંધી પવન,પક્ષીઓ ના ટહુકાર અને અપ્સરાઓ ના નાચગાન.
મડદાઓનું પણ મન ખીલી ઉઠે તેવું વાતાવરણ છે, છતાં શિવજી સમાધિમાંથી જાગતા નથી PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE