Dec 2, 2021

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૪૨

શ્રીરામની પરીક્ષા કરવા સતીએ,સીતાજીનું રૂપ લીધું.ને શ્રીરામના રસ્તામાં જઈને એ ઉભા.એમને એવી ખાતરી હતી કે શ્રીરામ મનુષ્ય છે એટલે મને સીતાજી જ સમજી લેશે એટલે એમણે બીજી કોઈ બાજુનો વિચાર કર્યો જ નહિ.રામ અને લક્ષ્મણની નજર તેમના પર પડી.લક્ષ્મણને ઘડીક ભ્રમ થયો કે સીતાજી જ છે.પણ રસ્તામાં સતીજીને ઉભેલા જોઈ ને રામ એ રસ્તો છોડી ને બીજે રસ્તે ચાલવા લાગ્યા.ત્યારે સતીજીને થયું કે-અતિશય દુઃખ ને લીધે તેઓ મારા સીતાજીના રૂપને ઓળખી શક્યા નહિ હોય.

એટલે તેઓ શ્રીરામની બિલકુલ નજીક આવીને ઉભાં.પરંતુ રામજી તેમની સામે જોતા નથી,પણ,
પ્રણામ કરીને પૂછે છે કે-માતાજી,શંકર ભગવાન ક્યાં છે? આપ કેમ એકલાં પધાર્યા છો?
પાર્વતીજી એકદમ શરમાઈ ગયાં.તેમને દુઃખ થયું કે –મે શિવજીનું કહ્યું માન્યું નહિ.હવે તેમને શો જવાબ દઈશ? સતીએ ત્યાંથી જેવાં પાછા ફરવા પૂંઠ ફેરવી, ત્યાં બીજું કૌતુક થયું.

રામ,સીતા ને લક્ષ્મણને તેમણે આગળ જતાં જોયાં,તેમણે નજર પાછળ ફેરવી તો ત્યાં પણ રામ,સીતા ને લક્ષ્મણ દેખાણા.ડાબે જમણે ચારે બાજુ અને આખી સૃષ્ટિ, તેમને રામ-મય દેખાઈ.બધા દેવોને,તેઓએ,
રામની સેવા કરતા જોયા, આ બધું જોતાં સતી એવા ભયભીત થયી ગયા કે તેમને શરીરની 
સુધ-બુધ રહી નહિ,અને ત્યાં જ આંખ મીંચીને નીચે બેસી પડ્યાં.

થોડીવારે આંખો ઉઘાડીને જુએ છે તો ત્યાં કંઈ ના મળે. હવે તેમને સમજાઈ ગયું કે-શ્રીરામ એ પરમાત્મા છે.
એમનું રડવું તે તો માત્ર એક લીલા છે.સતી ગભરાતાં શિવજી પાસે ગયાં.શિવજીથી કશું અજાણ્યું નહોતું.
સતીએ સીતાજીનો વેશ લીધેલો,એથી એમનો સીતાજી પ્રત્યેનો ભક્તિભાવ સતી પ્રત્યે ઉતર્યો.
ભક્તિ-ભાવના પૂરમાં તેમનો પત્ની-પ્રેમ ડૂબી ગયો.તેમણે મનથી નિશ્ચય કરી લીધો કે-
હવે જો હું સતી પર પત્ની તરીકે પ્રેમ કરું તો ભક્તિ-માર્ગ હીણો થાય!!
પરંતુ આ વિશે સતીને તે વખતે કંઈ કહ્યું નહિ.

શિવજીમાં જ્ઞાન છે,પણ અહંકાર નથી.શિવજીમાં સત્ય છે પણ પ્રદર્શન નથી.
તેથી તેઓ સતીને ઠપકાનું એક વેણ પણ કહેતા નથી.
તુલસીદાસજી કહે છે કે-પ્રીતની રીત તો જુઓ.જળ પણ દૂધમાં મળતાં દૂધના ભાવે વેચાય છે, પણ 
જો એમાં કપટ-રૂપી “ખટાઈ” પડી તો દૂધ ફાટી જય છે ને જળ અલગ થઇ જાય છે.

શિવજી કશું બોલ્યા નથી પણ એમના ભાવ પરથી સતી સમજી ગયાં કે-પતિએ મારો ત્યાગ કર્યો છે.
મેં શ્રીરામનું અપમાન કર્યું અને પતિનાં વચનમાં વિશ્વાસ ના રાખ્યો,તેનું મને જે ફળ મળવું જોઈએ એ મળી રહ્યું છે. એટલે તેમણે હાથ જોડી ને શ્રીરામને પ્રાર્થના કરી કે-પ્રભુ,આ દેહ જલ્દી છૂટી જાય તેમ કરો.

થોડા વખત પછી,સતીના પિતા દક્ષ-પ્રજાપતિએ યજ્ઞ આરંભ્યો.તેમાં તેને તમામ દેવોને નિમંત્ર્યા પણ 
શિવજીને આમંત્રણ આપ્યું નહિ.તેનું કારણ એવું હતું કે-એક સભામાં શિવજી બેઠા હતા,એટલામાં ત્યાં દક્ષ આવ્યા.દક્ષને જોઈ ને તેમણે માન આપવા આખી સભા ઉભી થઇ પણ એકલા શિવજી ઉભા ના થયા.
(શિવજી નું ધ્યાન એમની તરફ નહોતું ) એટલે ગુસ્સે થઇ દક્ષે શિવજીનું અપમાન કરવા,
આ યજ્ઞનું આયોજન કરેલું અને જાણી જોઈને શિવજીને આમંત્રણ આપવામાં આવેલું નહિ.

દેવોનાં ટોળેટોળા દક્ષના યજ્ઞમાં હાજરી આપવા આકાશ-માર્ગે જઈ રહ્યાં હતાં,
એટલે એ વખતે સતીને પણ પિતા-દક્ષને ત્યાં જવાની ઈચ્છા થઇ.તેમણે તે વખતે પતિની આજ્ઞા માગી.
ત્યારે શિવજી કહે છે કે-નિમંત્રણ હોય તો ખુશીથી જાઓ.

PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE