More Labels

Mar 26, 2019

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૪૧

શ્રીરામને લક્ષ્મણજી કહે છે કે-હે,મોટાભાઈ,ચંદ્રમાં એક ગુણ છે-શોભા,સૂર્યમાં એક ગુણ છે-તેજ,વાયુમાં એક ગુણ છે ગતિ,અને પૃથ્વીમાં એક ગુણ છે –ક્ષમા.પણ તમારામાં તો ચારે ગુણ છે,ઉપરાંત તમારામાં એક ગુણ વધારે છે તે યશ. તમે જો દુઃખ સહન નહિ કરો તો,પછી દુનિયામાં દુઃખ સહન કરવાનું કોઈને કહેવા જેવું રહેશે નહિ, જગત તો આપત્તિઓથી ભરેલું છે,આપત્તિઓ કોના પર નથી આવતી? 

દુનિયામાં સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ પ્રાણીમાત્રના ભાગ્યમાં લખાયેલું જ છે.દેવોને પણ સુખ-દુઃખ ભોગવવું પડે છે.તમે તો જ્ઞાની છો,અને જ્ઞાની થઈને આમ સાધારણ માનવીને જેમ શોક કરો તે યોગ્ય નથી.આપે જ મને કહેલું કે-પૂર્વ-જન્મનાં કર્મો નું ફળ,આ જન્મમાં સુખ-દુઃખ રૂપે પ્રાપ્ત થાય છે.તો તેને 
ભોગવવામાં ખેદ કરવાની જરૂર નથી.અને હવે તમે જ શોક કરો તો તમને બોધ આપવા કોણ સમર્થ થાય ? માટે ધીરજ ધરો,ને સ્વસ્થ બનો.આમ વિવિધ પ્રકારે લક્ષ્મણ શ્રીરામને આશ્વાસન આપવા પ્રયત્ન કરે છે.

એવામાં અગસ્ત્ય-મુનિને દર્શન આપી, આકાશમાર્ગે શંકર ભગવાન,સતીજી સાથે જતા હતા,
તેમણે શ્રીરામને સાધારણ માનવીની જેમ વિલાપ કરતા જોયા.શિવજી તો રામજીની આ લીલા જોઈ મનમાં રાજી થયા અને મનમાં જ બોલે છે કે-વાહ,પ્રભુ શી લીલા કરી છે!! જોયા કરવાનું મન થાય છે.
આમ કહી “સચ્ચિદાનંદ પરમાત્મા” કહીને શ્રીરામને પ્રણામ કર્યા.
ત્યારે સતીને નવાઈ લાગી,તેમણે પૂછ્યું-કોને પ્રણામ કરો છે?

શિવજી કહે છે કે-દેવી,આ તો મારા શ્રીરામ છે,જે સચ્ચિદાનંદ પરમાત્માનો નામનો હું નિરંતર જાપ કરું છું.સતીજીના મનમાં સંદેહ થયો-આ તો દશરથના દીકરા રામ છે.એક સાધારણ માનવીની જેમ એ પત્નીના વિયોગમાં મૂઢ બનીને રડે છે,એ આનંદ-સ્વરૂપ પરમાત્મા કેમ હોઈ શકે? સચ્ચિદાનંદ રડે ખરા?
વળી પોતાની ખોવાયેલી પત્નીને શોધી શકતા નથી,એ કેવી રીતે સર્વજ્ઞ હોય? 

શિવજી કહે છે કે-આ તો રામજીની લીલા છે.અને લીલા-સ્વરૂપે જ રડે છે.
સતી કહે છે કે-તમારી આ વાત મારે ગળે ઉતરતી નથી,સ્ત્રીના વિયોગમાં રડતાં એક સાધારણ રાજકુમારને તમે આમ પરમાત્મા કહી પગે લાગો છો તે મને રુચતું નથી.તમે એમને જો ભગવાન માનતા હો તો તમે પણ ભગવાન છો, પણ મેં તો તમને કદી રડતા જોયા નથી.રડે એ ભગવાન કેવી રીતે હોઈ શકે?

શિવજી એ વૈરાગ્યનું પ્રતિક છે.મંદિરમાં શ્રીકૃષ્ણ-રાધાજી ,શ્રીરામ-સીતાજી સાથે વિરાજે છે પણ,
શિવજી પ્રકૃતિથી સદા દૂર વિરાજે છે.પાર્વતીજી ની પડખે વિરાજતા નથી.પ્રકૃતિથી દૂર રહે છે.
પ્રકૃતિથી દૂર રહો અને પરમાત્માનું સતત ધ્યાન કરો –એવો શિવજી બોધ આપે છે.(નિવૃત્તિ)
પ્રકૃતિની સાથે રહો પણ પ્રકૃતિને આધીન ના થાઓ-એવો શ્રીકૃષ્ણ બોધ આપે છે.(પ્રવૃત્તિ)
પ્રકૃતિના દાસ બને તે દુઃખી થાય છે-એવો શ્રીરામ બોધ આપે છે.પ્રકૃતિને દાસી બનાવે તે સુખી થાય છે.

સર્વ-વ્યાપક પરમાત્માને મનથી વંદન થાય છે,ને સાકાર પરમાત્માનાં સાક્ષાત દર્શન થાય છે.
દુધમાં માખણ દેખાતું નથી,પણ બુદ્ધિથી માખણ જાણી શકાય છે,
એમ,સાકાર પરમાત્મામાં પણ બુદ્ધિથી નિરાકારનાં દર્શન થઇ શકે છે.

સતીને શિવજીની વાત પર વિશ્વાસ આવતો નથી અને તેમને શ્રીરામની પરીક્ષા કરી જોવાનું મન થયું.
શિવજીને મનમાં થયું કે-આ ઠીક નથી,હું આટલું સમજાવું છું છતાં સતી માનતાં નથી,એટલે નક્કી આમાંદૈવ જ અવળું છે,છેવટે તો રામે જે રચી રાખ્યું હશે તેમ જ થશે-'હોઈ હિ સોઈ રામ રચિ રાખા'
એટલે તેમણે સતીને કહ્યું-તમારી ઈચ્છામાં આવે તેમ કરો.

મોહ કેવી ચીજ છે!! સતી જેવાં પણ ખ્યાલ ચૂકી ગયાં કે ઈશ્વરની પરીક્ષા ના લેવાય.
ઈશ્વર એ જીજ્ઞાસાનો વિષય છે પરીક્ષાનો નહિ.
વિદ્યાર્થી ગુરુને પૂછે તે જીજ્ઞાસા અને ગુરૂ વિદ્યાર્થીને પૂછે તે પરીક્ષા.જીજ્ઞાસામાં નમ્રતા છે.


PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE