Dec 5, 2021

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૪૫

વિલાપ કરતાં કરતાં ને બહાવરા થઈને શ્રીરામ વનમાં સીતાજીને શોધતા ફરે છે.
રસ્તામાં તેમણે જટાયુને મરણતોલ હાલતમાં તરફડતો જોયો,જટાયુને જોઈ શ્રીરામનું હૃદય દ્રવી ગયું.જટાયુને શ્રીરામ પોતાના વડીલ સમજી માન આપતા હતા.જટાયુ દશરથનો મિત્ર હતો અને શનિશ્વર સામેના યુદ્ધમાં દશરથને મદદ કરવા પણ ગયો હતો.

શ્રીરામને જોતાં જ જટાયુએ કહ્યું કે-દુષ્ટ રાવણ આકાશ-માર્ગે સીતાજીને હરી ગયો છે,હું તેની સામે લડ્યો,
અને તેના ધનુષ્ય-બાણ તોડી નાખ્યા,પણ તેણે મારી જોડે કપટ કરીને મારી પાંખો કાપી નાંખી,અને આ દશા કરી છે,માત્ર તમારાં દર્શનની આશાએ મેં પ્રાણને ટકાવી રાખ્યા હતા,હવે મને પ્રાણ તજવાની આજ્ઞા આપો.
જટાયુના મુખેથી શ્રીરામને પહેલ-વહેલા સીતા-હરણના સમાચાર મળ્યા.

જટાયુએ જયારે પ્રાણ છોડવાની વાત કરી ત્યારે શ્રીરામ ગળગળા થઇ ગયા અને તેમણે જટાયુને ખોળામાં લઇ તેના શરીર પર હાથ ફેરવતાં કહ્યું કે-કહો તો તમારા શરીરને સારું બનાવી દઉં, તમે શરીર ધારણ કરી રાખો. 
'રામ કહા તનુ રાખહુ તાતા' 
પણ જટાયુને રામ-દર્શનથી એવો આનંદ થયો હતો કે-મલકાતા મુખે તેણે કહ્યું કે-
મરતી વખતે જેનું નામ મુખમાંથી નીકળે તો અધમ પણ મુક્તિ પામે છે,તેવા આપ,
મારા નેત્રોના વિષય બનીને મારી સામે ઉભા છો,તો હે, નાથ પછી,હુ શા માટે દેહને રાખું?
'જાકર નામ મસ્ત મુખ આવા,અધમઉ મુકુત હોઈ શ્રુતિ ગાવા,
સો મમ લોચન ગોબર આગે,રાખોઉં દેહ નાથ કેહી ર્ખાન્ગે.'

શ્રીરામની આંખોમાંથી આંસુ આવી ગયા,જટાયુના શિર પર હાથ ફેરવતાં તેમણે કહ્યું-
જેના મનમાં બીજાનું હિત વસેલું છે,તેને જગતમાં કશું દુર્લભ નથી,સદગતિ તેને મળેલી જ છે.
'પરહિત બસ જીન્હ કે માંહી,તિન્હ કહુ જગ દુર્લભ કછુ નાહિ'
વ્યાસ ભગવાને પણ કહ્યું છે કે-પરોપકાર જેવું પુણ્ય નથી,અને પરપીડન જેવું પાપ નથી.
જે પરોપકાર માટે જીવન સમર્પે છે,તેના હાથમાં પુણ્યનું ફળ આવીને પડે છે.

પછી શ્રીરામે જટાયુને કહ્યું કે-મારી તમને એક વિનંતી છે કે-પરલોકમાં તમે મારા પિતાજીને મળો,
ત્યારે આ સીતાહરણની વાત તેમને કહેતા નહિ!! રાવણ પોતે જ ત્યાં આવીને કહેશે.
હવે ત્વરિત,રાવણને જો હવે હું પરલોક ના પહોંચાડું તો મારું નામ રામ નહિ.
રામના ખોળામાં જ જટાયુએ પોતાના પ્રાણ છોડ્યા,શ્રીરામની કૃપાથી એણે દિવ્ય-રૂપ ધારણ કર્યું.
પછી બે હાથ જોડી,તેણે શ્રીરામની પ્રાર્થના અને સ્તુતિ કરી.

રઘુનાથજી તો અત્યંત દયાળુ છે,વગર કારણે પણ કૃપા કરવાવાળા છે.
યોગીઓને પણ દુર્લભ એવી ઉત્તમ ગતિ રામજીએ જટાયુને આપી છે.
એટલે તો શિવજી પાર્વતીને કહે છે કે-
આવા હરિને છોડીને સંસારના વિષયોને પ્રેમ કરવાવાળા કેવાં અભાગિયા છે?
'કોમલ ચિત્ત અતિ દીન દયાલા,કારણ બિન રઘુનાથ કૃપાલા,
સુનહું ઉમા તે લોભી અભાગી,હરિ તજિ હોહિ બિષય અનુરાગી'

શ્રીરામ એવા ભક્ત-વત્સલ છે કે-ભક્તનું દુઃખ જોઈને પોતાનું દુઃખ પણ ભૂલી જાય છે.
જટાયુના મરણથી શ્રીરામને એવો શોક થાય છે કે-તેઓ કહે છે કે-
જટાયુના મરણથી મને જેટલો શોક થાય છે,તેટલો શોક સીતા-હરણથી પણ નથી થતો!!!
ખરે વખતે હું આ વડીલનું છત્ર ખોઈ બેઠો!! ખરેખર જગતમાં મારા જેવો કોઈ દુર્ભાગી નથી.
પછી શ્રીરામે પોતે જટાયુનો અગ્નિ-સંસ્કાર કર્યો અને તેનો શ્રાદ્ધ-વિધિ પણ કર્યો.

પ્રભુની દયા કેવી છે કે-તે ભક્તની આગલી અને પાછલી બેય જિંદગી ને સાચવે છે.જીવન અને મરણ બંનેને 
સુધારે છે.પણ આ સંસારમાં જુઓ તો જે બાપ પોતાના દીકરા માટે અઢળક ધન અને વાડીઓ મૂકી જાય છે,
તે બાપના મોતને સુધારવાની દીકરાને પડી નથી હોતી.
માટે જ પરમાત્મા સાથેનો બાંધેલો સંબંધ અંત-કાળે માનવીને કામ આવે છે,ઉપયોગી બની જાય છે.

PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE