More Labels

May 29, 2014

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૪૮

પ્રભુના ભક્તો,પ્રભુ ને મળવાની આશામાં જ જીવતા હોય છે.
મહાત્માઓ કહે છે કે-કદી જીવ પર આશા બાંધશો નહિ,આશા રાખો તો કેવળ ઈશ્વરની જ રાખજો.આશા પૂરી કરવાનું સામર્થ્ય કેવળ એક પ્રભુમાં જ છે.જપ,તપ,દાન બધું કરો,પણ એટલું સમજી રાખજો કે-
સંતના અનુગ્રહ વગર-સત્સંગ વગર સતત-તીવ્ર ભક્તિ થતી નથી.તીવ્ર ભક્તિ વગર પ્રભુ મળતા નથી.

શબરી વર્ષો થી મતંગઋષિના આશ્રમ માં રહી શ્રીરામની પ્રતીક્ષા કરે છે,રોજ તાજાં પાકાં ફળ વનમાંથી વીણી લાવે છે,ફૂલની માળાઓ તૈયાર કરે છે,અને જે કોઈ આશ્રમમાં આવે તેમાં સમભાવ રાખીને,એ ફળફૂલ આપે છે.પશુ-પંખી,ઝાડ-પાન,પથ્થરને જળ-સર્વમાં એ શ્રીરામનાં જ દર્શન કરે છે.
ગુરુવચન માં એને અપાર શ્રદ્ધા છે,શ્રીરામ અહીં પધારશે જ એ વાતમાં તેને શંકા નથી.

ગમે તે ઘડીએ શ્રીરામનાં પગલાં થાય,એટલે પળેપળે એ રામજીના સ્વાગત કરવા માટે તૈયાર રહે છે.
રામજીના આગમન ની પ્રતીક્ષા કરતાં કરતાં શબરી હવે ઘરડી થઇ છે,પણ તેની શ્રદ્ધા ઘરડી નથી થઇ.
દિવસ-રાત તે રામ-મંત્ર નો જપ કરે છે.તેના જીવનમાં સંયમ છે,સેવા છે,શ્રદ્ધા અને નિષ્ઠા છે.
અને આવાને ઘેર શ્રીરામ ના પધારે તો બીજા કોના ઘેર પધારે?

આખરે એક દિવસ શ્રીરામ પંપા-સરોવરને કિનારે આવે છે,બધા ઋષિઓ તેમના દર્શને જાય છે અને પોતાના આશ્રમમાં પધારવા વિનંતી કરે છે,પણ શ્રીરામ કહે છે કે-મારે શબરીના આશ્રમે જવું છે.
પ્રભુ તો કહે છે કે-જે મને સર્વમાં શોધે છે,તેને હું શોધતો આવું છું.

શબરીને ખબર પડી કે શ્રીરામ પધાર્યા છે,ત્યારે તેને થાય છે કે-હું તો અધમ ભીલ-કન્યા છું,મારે ત્યાં ભગવાન ક્યાંથી પધારે?મારામાં હજી એવી ક્યાં ભક્તિ છે? શબરીને ભક્તિનું અભિમાન નથી.
પણ ત્યાંજ શ્રીરામ શબરીના આશ્રમ નું સ્થળ પૂછતા પૂછતા શબરીના દ્વાર આગળ આવી ને ઉભા.
શ્રીરામ ને જોતાજ શબરી દોડીને તેમના ચરણમાં ઢળી પડી.એની આંખમાંથી હર્ષનાં આંસુ વહી ચાલ્યાં.
કેટલીક વાર સુધી તો તે અવાક થઈને બોલી શકી નહિ.

શબરીએ પ્રભુ ને બેસવા સુંદર આસન આપ્યું,ને બે હાથ જોડી સામે ઉભી રહી બોલી કે-
હું તો નીચ છું,જડ છું,હું કઈ રીતે આપની સ્તુતિ કરું?
હું તો એટલું જ જાણું છું કે-આજે મારો જન્મ સફળ થયો,મારી ગુરુસેવા આજે ફળી.

ત્યારે શ્રીરામ કહે છે કે-હુ બીજા સંબંધમાં માનતો નથી,હુ તો એક-માત્ર ભક્તિ નો જ સંબંધ જાણું છું.
માનઉ એક ભગતિ કર નાતા.
મનુષ્યમાં નાત-જાત,કુળ,ધર્મ,ધન,બળ,બુદ્ધિ –વગેરે ભલે બધું હોય
પણ જો ભક્તિ ના હોય તો તે મારે મન જળ વિનાના વાદળ જેવો છે.
જાતિ પાંતિ કુળ ધર્મ બડાઈ,ધન,બળ,પરિજન,ગુન ચતુરાઈ,
ભગતિ હીન નર સોહઈ કૈસા,બિનું જલ બારિન્દ દેખિઈ જૈસા.

આમ કહી શ્રીરામે શબરી આગળ ભક્તિ નો મહિમા ગાયો,ને પછી શબરીને નવધા ભક્તિ નો આદેશ કર્યો-
હે,શબરી,સાંભળ,હુ કહુ છું તે બરાબર મનમાં રાખજે.
સાવધાન,સુનુ ઘરુ મનમાંહી.




PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE