Dec 29, 2021

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૬૨

તુકારામ મહારાજ ઈશ્વરના અનન્ય ભક્ત હોવા છતાં,તેમના જીવનમાં ઘણું દુઃખ આવ્યું હતું,
એક વખત ગામના લોકોએ તેમને ગધેડા પર બેસાડીને ફેરવ્યા,છતાં તુકારામ મહારાજ સ્વસ્થ રહ્યા.લોકો તાળીઓ પાડે ને ખુશ થાય ,તુકારામ તેમને તાળીઓ પાડતાં જોઈને ખુશ થાય.સંતનું આ લક્ષણ છે,એમને પોતાનો કદી વિચાર આવતો જ નથી.સાધુની સાધુતાને કોઈ સીમા નથી,જયારે દુષ્ટોની દુષ્ટતા કોઈ વાર હદ વટાવી જાય છે.

દુષ્ટ લોકોએ તેમની પત્નીને જઈ કહ્યું કે- તમારા પતિનો વરઘોડો નીકળ્યો છે,જોવા જેવો છે.
એમ કહી તેમની પત્નીને બહાર લઇ આવ્યા.પતિને ગધેડા પર બેઠેલા જોઈ પત્નીને બહુ દુઃખ થયું.
તે રડવા લાગ્યા.ત્યારે હસતાં-હસતાં તુકારામ મહારાજ કહે છે કે-આ કંઈ ગધેડું નથી,આ તો ગરુડ છે,
મારા ભગવાનનું વાહન.મારા ભગવાને આજે પ્રસન્ન થઈને અને મને તેના પર બેસવા માટે મોકલ્યું છે.
સંતો અને ભગવાનનો એવો નાતો છે કે-સંતોનો બોલ ભગવાને રાખવો પડે છે.
તુકારામની પત્ની જુએ છે તો,તેમના પતિ ગધેડા પર નહિ પણ ગરુડ પર સવાર છે,
પ્રસન્ન થઇ તેમની પત્નીએ ગરુડને પુષ્પ-માળા પહેરાવી.

આમ,પરમાત્માને યાદ રાખીને જે જીવે તે કદી અહંકારને વશ થતો નથી,કે તે દુઃખી થતો નથી.
કષ્ટો સહન કરવાની તેનામાં શક્તિ આવે છે,અને દુઃખને તે સુખથી,સ્વીકારી સુખેથી જીવે છે.
મનુષ્ય,હંમેશાં પુણ્યનો હિસાબ રાખે છે,કોઈ ગરીબને એકાદ ફદિયુ આપ્યું હોય તો યાદ રાખે છે,પણ કદી 
પાપનો હિસાબ રાખતો નથી.મોજ-શોખ અને ભોગ-વિલાસમાં કેટલું ખર્ચ કરે છે તેનો હિસાબ રાખતો નથી.

સુગ્રીવ રામની કૃપાથી,કિષ્કિંધાનો રાજા બન્યો,પછી રામનો ઉપકાર ભૂલી ગયો,એને યાદ નથી આવતું કે-
રામે મારું કામ કર્યું પણ મારે રામનું કામ કરવાનું બાકી છે,સીતાજીની ભાળ કાઢવાની બાકી છે.
રામજીને દુઃખ થયું છે,એ જાણીને લક્ષ્મણે ધનુષ્ય-બાણ ઉપડ્યા ને કિષ્કિંધા તરફ જવા તૈયાર થયા.
શ્રીરામ,લક્ષ્મણના મુખ પરનો ક્રોધ જોઈ સમજી ગયા કે-લક્ષ્મણ જરૂર કંઈક આડું-અવળું કરી બેસશે,
એટલે તેમણે લક્ષ્મણને કહ્યું કે-સુગ્રીવને આપણે મિત્ર માન્યો છે,એટલે તેને મારતો નહિ.

બધા ભૂલે,પણ હનુમાનજી રામજીનો ઉપકાર ભૂલ્યા નહોતા.તેમણે ચારે તરફ દૂતોને રવાના કરી દીધા હતા,
અને તમામ વાનરોને કિષ્કિંધામાં હાજર થવાનો હુકમ કરી દીધો હતો,એટલે તમામ વાનરો ભેગા થયા હતા,
લક્ષ્મણજીને આ વાતની ખબર નહોતી,તેમણે ધનુષ્યનો ટંકાર કર્યો,એટલે બધા વાનરો ભાગાભાગ કરવા લાગ્યા.અંગદ આ જોઈને દોડતો આવ્યો,ને લક્ષ્મણના પગમાં પાડ્યો,સુગ્રીવની તો તેમની પાસે જવાની 
હિંમત જ નહોતી.એણે હનુમાનજીને કહ્યું કે-ગમે તે કરી લક્ષ્મણને ટાઢા પાડો.

હનુમાનજીએ તેમની મધુર વાણીથી,લક્ષ્મણજીને શાંત કર્યા.ને એમને મહેલમાં લઇ આવ્યા.
સુગ્રીવ તેમના પગમાં પડ્યો.શ્રીરામના શબ્દોને યાદ કરીને લક્ષ્મણે તેનો અપરાધ માફ કર્યો.અને 
બધા રામજીની પાસે આવ્યા.સુગ્રીવે રામજીના ચરણમાં માથું નમાવી,પોતાનો અપરાધ કબૂલ કરતાં કહ્યું કે-અતિસુખ અને ભોગ-વિલાસ જોઈને દેવો ને ઋષિ-મુનિઓનાં મન પણ ચંચળ થાય છે,તો હું તો 
ચંચળ મનનો વાનર છું.આપની માયા અતિ-પ્રબળ છે,ને માનવીને ભૂલ-ભૂલામણીમાં નાંખી દે છે.

આ સાંભળી ને રામજીએ તેનો અપરાધ માફ કરતાં કહ્યું કે-ભાઈ,તમે તો મને ભરત-સમાન પ્રિય છો.
પ્રભુ જેને અપનાવે છે તેને પોતાનો જ કરી નાખે છે,પોતાનું સર્વસ્વ તેને દઈ દે છે.
ગીતાજીમાં ભગવાન એટલે કહે છે કે-પાંડવોમાં હું ધનંજય છું.(એટલે હું અર્જુન સ્વરૂપ છું)
ભક્તો સાથે ભગવાનની આટલી એકતા છે.
સુગ્રીવ સાથે વાત-ચીત ચાલતી હતી ત્યારે જ ચારે બાજુથી વાનરોનાં ટોળેટોળાં ત્યાં આવતાં દેખાયાં.
વાનરો હજારોની સંખ્યામાં છે,ગણ્યા ગણાય નહિ તેટલા વાનરો જોતજોતામાં ભેગા થઇ ગયા.


PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE