Dec 28, 2021

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૬૧

શ્રીરામ,વર્ષા-ઋતુમાં આમ આકાશને જુએ છે,પૃથ્વીને,વાદળાંને પહાડને જુએ છે,ને સીતાજીની યાદ અને વિરહને સમાવવાનો પ્રયત્ન કરે છે,પણ તેમની યાદ વધુને વધુ ગાઢ થતી જાય છે.શ્રીરામ લક્ષ્મણને કહે છે કે-હે,લક્ષ્મણ વર્ષા-ઋતુ વીતી ગઈ પણ હજુ સુધી,સીતાની કંઈ ભાળ લાગી નહિ,રાજા થયો ને સાહ્યબી મળી,એટલે સુગ્રીવ, પણ મને ભૂલી ગયો.અને આમ વિચારતાં એમને એટલો બધો ખેદ થઇ ગયો કે-એમનાથી બોલાઈ ગયું કે-શું એ પણ મોત માગે છે કે શું?

શિવજી પાર્વતીને કહે છે કે-શ્રીરામે ક્રોધમાં કહ્યું કે-સુગ્રીવ મરવાનો થયો લાગે છે.પણ જેમની કૃપાથી 
મદ,મોહ,કામ છૂટે છે,એ શું સ્વપ્નમાં પણ ક્રોધ કરે ખરો? એટલે આ તો રામજીની લીલા છે.
પ્રભુએ માનવીનો અવતાર લીધો એટલે માનવીના રંગ-ઢંગ દેખાડે છે.
ભગવાન શ્રીરામ તો જીવ-માત્રના નિસ્વાર્થી અને સાચા મિત્ર છે,એ જીવને એ કહે છે કે-
તું પણ,જરાયે સ્વાર્થ રાખીને,પ્રેમ કરીશ નહી.પણ આ જીવ એવો છે કે-તે સ્વાર્થ રાખીને જ પ્રેમ કરે છે.

ઈશ્વરને કોઈ વસ્તુની અપેક્ષા નથી,જમીનને ખેડવાનું કામ મનુષ્ય કરે તો વરસાદ વરસાવવાનું કામ ઈશ્વર કરે છે,તે જમીનમાં બી વાવવાનું કામ મનુષ્ય કરે તો બી ને ઉગાડવાનું કામ પરમાત્મા કરે છે,
અનાજ પાક્યા પછી ખાવાનું કામ મનુષ્ય કરે તો તેને પચાવવાનું કામ ઈશ્વર કરે છે.

ઈશ્વરની કૃપા,સુર્યના કિરણો અને વરસાદની જેમ સદાકાળ વરસતી રહે છે.
મનુષ્ય સૂઈ જાય પણ ઈશ્વર સૂતો નથી,તે સૂઈ જાય તો બધાનું અચ્યુતમ-કેશવમ થઇ જાય.
આપણે રાતની ગાડીમાં બેઠા હોઈએ ને ચાલતી ગાડીએ સૂઈ જઈએ તો ગાડી ચાલે જ છે,કારણ કે ગાડીને ચલાવનાર ડ્રાઈવર સૂતો નથી,તે ચાલતી ગાડીએ સૂઈ શકતો નથી.

પણ ઈશ્વરના આવા ઉપકારો,જીવ ભૂલી જાય છે,જીવ શઠ બની ગયો છે.
ઈશ્વર તરફથી નિસ્વાર્થ-પણે વગર માગ્યે બધું મળે છે તેની કોઈ કિંમત નથી.
ઈશ્વર પોતાના આવા અનંત ઉપકારો સામે,ફક્ત પ્રેમ સિવાય બીજા કશાની અપેક્ષા રાખતો નથી,
પણ મનુષ્ય એવો છે કે-ઈશ્વરને પ્રેમ કરવાને બદલે બીજી જ વસ્તુઓ પર પ્રેમ કરે છે.

જીવ દુખમાં પડે ત્યારે તેને ઈશ્વર યાદ આવે છે,સુખમાં હોય ત્યારે તેને ઈશ્વર યાદ આવતો નથી.
સુખમાં તો તે છાતી ફુલાવી ફરે છે,ને એમ જ સમજે છે કે-આ સુખને બનાવનાર અને ભોગવનાર હું છું.
સુખને એ પોતાની કૃતિ સમજે છે,એટલે બહુ સહેલાઈથી અહમમાં આવી ઈશ્વરને ભૂલી જાય છે.
પણ દુઃખ આવે ત્યારે જીવ એમ નથી કહેતો કે આ દુઃખ એ મારી કૃતિ છે,કે મેં આ દુઃખ બનાવ્યું છે,
એ તો દુઃખના દોષનો અને દુઃખનો ટોપલો ભગવાન પર નાખીને ભગવાનને કરગરવા માંડશે.

અને પ્રભુ કૃપાથી જેવું દુઃખ ગયું કે તરત પાછો એ સુખના મદ પર સવાર થઈને ઈશ્વરને ભૂલી જાય છે.
આમ દુઃખમાં મનુષ્ય ભગવાનને યાદ કરે છે,પણ તે સાચી ભક્તિ નથી,સુખમાં થાય તે ભક્તિ સાચી.
સુખમાં ય કેટલાક,જાણે,ભગવાનને ફોસલાવવા-પટાવવા ભક્તિ કરે તો તે પણ સાચી ભક્તિ નથી.
ભાવ વગર,માત્ર ચાંદીની મૂર્તિ કે ચાંદીની થાળી કે ઘંટડીથી કશું વળે નહિ.
મોટે ભાગે તો વધુ સુખ અને પૈસો થાય એટલે મનુષ્ય પરમાત્માને ભૂલી જાય છે,અને એશ-આરામ,
ભોગવિલાસમાં પડી જાય છે.કે જે ભોગ-વિલાસ સુખના દ્વારેથી દુઃખ ને દ્વારે ધકેલવાનો રસ્તો છે.
જે પરમાત્માને સદા સાથે રાખે,તેમની ભક્તિ કરે તે કદી દુઃખી થતો નથી,અને,
કદાચ,કોઈ ભાગ્યને વશ દુઃખી થાય તો પરમાત્મા તેને દુઃખ સહન કરવાની શક્તિ આપે છે.

જેમ ડોક્ટર ઓપરેશન કરતાં પહેલાં દવા લગાડીને ચામડીને બહેરી કરી નાખે છે,અને 
પછી તે બહેરી ચામડી પર કાપ મૂકે તો દર્દીને તેની પીડા થતી નથી,
એમ,પરમાત્માનું શરણ જે લે છે,તેને દુઃખની વેદના કે પીડા થતી નથી.
એ સુખને જેમ ઈશ્વરની બક્ષિસ ગણીને સત્કારે છે,તેમ દુઃખ ને પણ ઈશ્વરની ભેટ સમજી વધાવી લે છે.
સમત્વ-ધારણ કરીને સુખમાં ને દુઃખમાં તે મનુષ્ય સ્થિર રહે છે,સ્વસ્થ રહે છે.
ઘણા સંતો ના જીવનમાં પણ ઘણા દુઃખો,આવ્યાના દાખલા છે,પણ તે સંતો હંમેશાં સ્થિર-સ્વસ્થ રહે છે


PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE