More Labels

Apr 14, 2019

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૬૦

રામજી પ્રવર્ષણ પર્વત પર ચાતુર્માસ કરે છે.ચોમાસાના દિવસો છે.
એક શિલા પર શ્રીરામ ને લક્ષ્મણ બેઠા છે. આવી રીતે ઘણીવાર તેઓ બેસે છે,અને ત્યારે,લક્ષ્મણ મોટાભાઈને ધર્મનીતિના પ્રશ્નો પૂછે છે.શ્રીરામ તેના જવાબો આપે છે.અને જ્ઞાન,વૈરાગ્ય-ભક્તિની અનેક કથાઓ કહી,લક્ષ્મણને આનંદ આપે છે.

ઘણીવાર જયારે,આકાશમાં વાદળ ચડી આવે ને મોરલા આનંદમાં આવી થનગન-થનગન નાચે,એ લક્ષ્મણને બતાવી ને રામજી કહે છે કે-લક્ષ્મણ જો ભક્તને જોઈ વૈરાગી ખુશ થાય તેમ આ મોરલા મેઘને જોઈ ખુશ થઈને નાચે છે.આકાશમાં વાદળાં ગાજે અને વીજળીના ચમકારા થાય ત્યારે શ્રીરામ કહે છે કે-દુષ્ટ માણસની પ્રીતિ જેવા આ વીજળીના ચમકારા છે,એ સ્થિર રહેતી નથી.
વાદળાં જો એકદમ વરસવા મંડી પડે તો, શ્રીરામ કહે છે કે-
જેમ આ પહાડ,વરસાદનો માર ખાય છે,તેમ,સંતો દુષ્ટોનાં વચનો સહી લે છે.

અને પર્વતો પરથી,પાણીના નાના-મોટા પ્રવાહો વહેવા માંડે અને નદી-નાળાં ઉભરાય તે બતાવીને
રામજી લક્ષ્મણને કહે છે કે-જેમ સદગુણો,સજ્જાનો પાસે આવે છે,તેમ ચારે બાજુના જળના પ્રવાહો,નદી-તળાવોમાં આવી ઠલવાય છે.જેમ,થોડા ધનથી દુષ્ટ છકી જાય છે,તેમ નદીઓ નાના-નાના જળ-પ્રવાહો,મળતાં કાંઠા તોડી ઉભરાઈ જાય છે,જેમ,જીવ,માયામાં લપટાઈને મલિન થાય છે,તેમ વરસાદનું પાણી જમીન પર પડતાં ડહોળું થાય છે.પરંતુ,છેવટે જેમ હરિનું શરણ લેતાં,જીવ પ્રભુમાં સ્થિર થાય છે,
તેમ,નદીનું પાણી સમુદ્રમાં જઈ સ્થિર થાય છે.

શ્રીરામ ચોમાસાનું વર્ણન કરે છે,પણ તેમની દૃષ્ટિ આંતર દૃષ્ટિ છે.જીવના ઉદ્ધારની દૃષ્ટિ છે,
અને માટે જ તેઓ જે કંઈ જુએ છે,અને વર્ણવે છે. તેને એક અલૌકિક રંગ આપે છે.
શ્રીરામ કહે છે-હે,લક્ષ્મણ તું જો તો,ખરો,જેમ પાખંડ મતના ફેલાવાથી,સન્માર્ગ નષ્ટ થાય છે,
તેમ પૃથ્વી પર ઘાસ છવાઈ જવાથી રસ્તાની સૂઝ પડતી નથી.

ચારે બાજુ દેડકાંનો અવાજ થાય છે-તે જાણે વિદ્યાર્થીઓ વેદ-પાઠ કરતા હોય તેવું લાગે છે.
વિવેક સ્ફૂરવાથી સાધકનું મન જેમ પ્રફુલ્લ થાય છે,તેમ કેટલાંય વૃક્ષો નવા અંકુરો ફૂટવાથી પ્રફુલ્લ થયા છે. હું ચારે બાજુ જોઉં છું તો ધૂળ ક્યાંય દેખાતી નથી,ક્રોધમાં જેમ ધર્મ ઢંકાઈ જાય છે,તેમ ધૂળ ઢંકાઈ ગઈ છે.ચારે બાજુ,ધાન્યથી લચકતાં ખેતરો કેવાં શોભી રહ્યા છે!! જાણે પરોપકારી પુરુષની સંપત્તિ.
મને એ જોયા કરવાનું જ મન થયે જાય છે.

થોડે દૂર પેલા ખેડૂતો,નકામું ઘાસ નીંદી રહ્યા છે,તે જાણે ભક્તો,મદ,મોહને અભિમાનને,
મન-રૂપી જમીન પરથી ઉખાડતા હોય તેમ લાગે છે.
બીજી બાજુ, જેમ,પેલી જમીન જે નકામી પડી રહી છે,કે જેમાં આ વરસાદ પડવા છતાં ઘાસ ઉગતું નથી,
તેમ,હરિભક્ત ના હૃદયમાં વાસના-રૂપી ઘાસ કદી ઉગતું નથી,સારા રાજાના રાજ્યમાં જેમ વસ્તી વધે ,તેમ,પૃથ્વી અત્યારે અનેક પ્રકારના જીવો (જીવ-જંતુઓ)થી શોભી રહી છે,જેમ જ્ઞાન ઉપજતાં,ઇન્દ્રિયો વિષય તરફ જતી અટકે છે,તેમ પણે વટેમાર્ગુઓ અટકાઈ પડ્યા છે.

હે લક્ષ્મણ,ત્યાં,આકાશમાં જો,જેમ કુલાંગાર (ખરાબ) પુત્રથી કુળના ધર્મો નષ્ટ-ભ્રષ્ટ થઇ જાય છે,
તેમ,જોરદાર વાયુ વાતાં,વાદળાં આકાશમાં જ્યાં-ત્યાં વિખરાઈ જાય છે,
વળી,જે રીતે, કુસંગથી જ્ઞાનનો નાશ થાય છે,
તેમ,કોઈ વાર દિવસમાં,ઘનઘોર વાદળથી સૂર્ય ઢંકાઈ જાય છે,ને અંધારું થાય છે.
પણ જેમ,સત્સંગ થતાં જ્ઞાન પ્રગટે છે,વાદળાં વિખરાઈ જતાં સૂર્ય ફરી પ્રકાશે છે.


PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE