More Labels

Apr 19, 2019

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૬૫

ટોળીના નાયક અંગદ સાથે બધા વાનરોનું ટોળું પણ પ્રાણત્યાગ કરવાનો નિશ્ચય કરીને બેસી ગયા,એકલા,હનુમાનજી મનમાં વિચારે છે કે-આ ઠીક લાગતું નથી,આમ નિરાશ થઇ ને મરવાથી કંઈ સીતાજી જડે નહિ.એટલામાં જ એક મહા ભયંકર ગીધ,પર્વતની ગુફામાંથી ચાલીને બહાર આવ્યો,અને આટલા બધા વાનરો જોઈને તે રાજી થઇ કહેવા લાગ્યો કે-આજે તો ખાતાં ખૂટે નહિ એટલું ખાવાનું મારા હાથમાં આવ્યું છે.આ સાંભળી વાનરો ફફડી ઉઠયા-ને કહેવા લાગ્યા કે ઉપવાસ કરી મરવાનું પુણ્ય પણ શું આ નહિ લેવા દે?

અંગદના શોકનો પાર નહોતો,તે શ્રીરામને યાદ કરી બોલી ઉઠયો કે-શ્રીરામના કામ માટે નીકળ્યા છીએ તો,એમ ને એમ ગીધના ખોરાક ના થવાય, હતાશા છોડીને,આ ગીધની સામે લડીને ,અને લડતાં લડતાં,જટાયુ ની જેમ મરવું સારું, કમસે કમ શ્રીરામના કામ માટે તો મરીશું. શ્રીરામનું કામ કરીને ,તેમના ચરણમાં માથું મૂકીને મરવું સારું,ધન્ય છે તે જટાયુ ને....જીવ્યો અને મર્યો તો રામજીની માટે.....

જટાયુનું નામ સાંભળી પેલો ગીધ ચમક્યો,તેણે વિનયથી કહ્યું કે-જટાયુનું નામ દેનાર જે પણ હોય,તે મને જટાયુની વાત કરે તો સારું.હું જટાયુનો મોટો ભાઈ સંપાતિ છું,ઘણા વખતથી મને મારા ભાઈ વિષેના કોઈ જ સમાચાર નથી.તમે જટાયુના વખાણ કર્યા તેથી હું પ્રસન્ન થયો છું,હવે હું તમને નહિ ખાઉં.
વાનરો એ પછી તો સંપાતિને વચ્ચે બેસાડ્યો.અને સંપાતિએ પોતાની બધી વાત કરી,અને પોતે પોતાના વહાલા ભાઈથી કેવી રીતે છુટો પાડ્યો તેનું વૃતાંત કહ્યું. સંપાતિની પાંખો બળી ગઈ હતી.

અંગદે પણ જટાયુની વાત કહી સંભળાવી અને કહ્યું કે-સીતાજીની તપાસ કરતા અમે અહીં સુધી આવ્યા છીએ.પણ રાવણ સીતાજીને હરી ને ક્યાં લઇ ગયો તેની કોઈ ભાળ મળતી નથી.
સીતાજીની અને રામની વાત સાંભળી,સંપાતિની આંખો નવા તેજે ચમકી,તેણે કહ્યું કે-
હું ઘરડો થયો અને આંખે ઓછું દેખાય છે,પણ રામજીની સેવામાં હું પણ પાછો નહિ પડું.
પછી એ કેટલીયે વાર સમુદ્ર તરફ તાકી રહ્યો (ગીધ-દૃષ્ટિ?) અને પછી બોલ્યો કે-
ઓ,હો,જુઓ હું જોઈ શકું છું કે-સો જોજન દૂર,સમુદ્રની વચ્ચે,ત્રિકૂટ-પર્વત પર રાવણની લંકા નગરી છે,
ત્યાં અશોક નામના ઉપવનમાં સીતાજી બેઠાં બેઠાં વિલાપ કરે છે.

“સો જોજન,બાપ રે,” વાનરો ના મુખમાંથી નિઃશ્વાસ નીકળી ગયો.
ત્યારે સંપાતિએ કહ્યું કે-નિરાશ ના થાઓ,પાપી પણ રામનું નામ દેતાં સંસાર સાગર તરી જાય છે,
જયારે તમે તો રામના દૂત છો ને તમારા હૃદયમાં રામનો વાસ છે,પછી ફિકર શી છે?
તમે નાના છો,એવો વિચાર કરશો જ નહિ,કારણ કે જે નાનો કરી શકે છે તે મોટો નહિ કરી શકે.
કુવો જ તરસ છીપાવી શકે છે-સમુદ્ર નહિ.

સંપાતિ આટલું બોલી રહે ત્યાં તો એક અજબ વાત બની,તેને નવી પાંખો ફૂટી નીકળી.
તે અતિ આનંદમાં આવી કહેવા લાગ્યો કે-જોઈ લો આ રામ સેવાનો ચમત્કાર,સીતાજીની ભાળ 
કાઢવા માટે મને નવી આંખો અને નવી પાંખો મળી.મારું જીવન સફળ થયું,ને તમારું પણ થશે.
સીતાજી ની શોધમાં તમે જરૂર સફળ થશો.

સો જોજન દૂર,અને અફાટ મહાસાગરની વચ્ચે,આવેલી લંકા નગરીમાં જવું કેવી રીતે?
બધા અંદરોઅંદર ચર્ચા કરવા લાગ્યા.કોઈ કહે કે- હું પાંચ જોજન કુદી શકું,
તો બીજો કોઈ કહે કે-હું પચીસ જોજન કુદી શકું.તો કોઈએ વળી પચાસ જોજનની હિંમત દેખાડી.
પણ,નલ,નીલ,અંગદ,જાંબવાન,હનુમાન વગેરે આગેવાનો ચુપ બેઠા હતા.
છેવટે જાંબવાને કહ્યું કે-હું ઘરડો થયો છું,મારામાં પહેલાં નું જોર નથી,પણ અંગદ તમે કુદી શકશો.
અંગદે હિંમત એકઠી કરી કહ્યું કે-કુદી તો શકું,પણ પાછા આવવાની મારામાં શક્તિ રહેશે કે નહિ તે હું કહી શકતો નથી. ત્યારે જાંબવાને કહ્યું કે-તમે ટુકડીના નાયક છે,એટલે તમને સાહસ કરવા પણ ના દેવાય.PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE