Dec 16, 2021

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૫૫

મનુષ્ય પ્રેમ કર્યા વગર રહી શકતો નથી,પણ તે પ્રેમ કરે છે,ધન સાથે,યશ સાથે,સ્ત્રી સાથે,
બાળકો સાથે કે બાળકોના બાળકો સાથે.તેને પરમાત્મા સાથે પ્રેમ કરવાની ફુરસદ નથી,
પરમાત્મા સિવાય બીજા કોઈ પણ સાથે કરેલો પ્રેમ માણસને છેવટે રડાવે છે.
પરમાત્મા સાથેનો પ્રેમ જ મનુષ્યને સુખ,શાંતિ અને આનંદ આપનારો નીવડે છે.
જગત અપૂર્ણ છે,જીવ પણ અપૂર્ણ છે.જીવ પરિપૂર્ણ ત્યારે બને જયારે તે ઈશ્વર સાથે મૈત્રી કરે,
પ્રેમ કરે.ઈશ્વર તેને જ મળે છે જે ઈશ્વરને પરિપૂર્ણ પ્રેમ આપે છે.ઈશ્વર પૂર્ણ છે જીવ અપૂર્ણ છે,ઈશ્વર સાથે પ્રેમ કરવા બીજા જીવો સાથેનો પ્રેમ છોડવો પડે છે.

સુગ્રીવ હનુમાનજીને કહે છે કે-પેલા દુરથી આવતા વીર પુરુષોને જોઈ મને ડર લાગે છે,
આપણે અહીં રહેવું કે અહીંથી બીજે જતા રહેવું?
ત્યારે હનુમાનજી સુગ્રીવને સલાહ આપે છે કે-તમારા મનમાં ભયે ઘર કર્યું છે,એટલે તમને બધે ભય જ દેખાય છે,
બાકી આ ઋષ્યમૂક પર્વત જેવી સલામત જગા બીજે ક્યાંય નથી.તમારા ચિત્તની ચંચળતાને લીધે તમે બુદ્ધિ સ્થિર રાખી શકતા નથી.રાજાએ તો સ્થિર બુદ્ધિ રાખવી જોઈએ.નહિ તો તે પ્રજાનું પાલન કરી શકે નહિ.
માટે શાંત થાઓ,ને એ બે જણા કોણ છે ? એમના મનમાં શું છે? તેની માહિતી લેવા કોઈને મોકલો.

ત્યારે સુગ્રીવે કહ્યું કે-તારા સિવાય એ કામ બીજો કોઈ કરી શકશે નહિ,તું વિદ્વાન છે,વેદશાસ્ત્ર ને નીતિશાસ્ત્રનો 
તેં સંપૂર્ણ અભ્યાસ કરેલો છે,તું મનુષ્યના મુખ પરથી જ તેના મનની વાત જાણી શકે છે,
તું જ ગુપ્ત વેશે જા,અને એ લોકો કોણ છે ને કેમ આવ્યા છે તે જાણી લાવ.પછી હનુમાનજી ભિક્ષુકનો વેશ ધારણ કરી રામ-લક્ષ્મણ પાસે ગયા.અને તેમને વિનય-પૂર્વક પ્રણામ કરી,મધુર ભાષામાં પ્રશંસા કરતાં પૂછ્યું-કે- 
હે સત્પુરુષો,તમે વૃક્ષોનું અવલોકન કરતા ચાલ્યા આવો છો તેથી વૃક્ષોની ને વનની શોભા વધે છે,તમે વીર છો છતાં તપસ્વીની જેમ વલ્કલ કેમ ધારણ કર્યા છે? અને વારંવાર તમારા મુખમાંથી નિશ્વાસ કેમ નીકળે છે?

હનુમાને આટલું કહ્યું છતાં રામ-લક્ષ્મણ કશું બોલ્યા નહિ,ત્યારે હનુમાને કહ્યું કે-
હું નિષ્કપટ-પણે પુછું છું,છતાં તમે કેમ બોલતા નથી? તો પણ રામ-લક્ષ્મણ કશું બોલ્યા નહિ.
દરમિયાનમાં ચતુર હનુમાનજીએ રામ-લક્ષ્મણનાં શરીરનાં કેટલાંક ચિહ્નો જોઈને ખાતરી કરી લીધી કે-
આ સુગ્રીવના શત્રુ નથી.એટલે તેમણે તરત જ પોતાની સાચી ઓળખ આપતાં કહ્યું કે-મારું નામ હનુમાન છે 
અને હું વાનરરાજ સુગ્રીવનો સેવક છું,સુગ્રીવની ઇચ્છાથી હું તમારી પાસે આવ્યો છું,તેઓ આપની મૈત્રી ઈચ્છે છે.

અત્યાર સુધી શ્રીરામ,હનુમાનજીની વાત ધ્યાનપૂર્વક સાંભળી રહ્યા હતા,તેમણે લક્ષ્મણને કહ્યું કે-
આ હનુમાને વેદ શાસ્ત્રોનો સંપૂર્ણ અભ્યાસ કરેલો લાગે છે,વળી વ્યાકરણ શાસ્ત્રનો પણ અભ્યાસ કરેલો લાગે છે,
કારણકે તેની ભાષા બિલકુલ શુદ્ધ છે,એક પણ અશુદ્ધ ઉચ્ચાર તેના મુખે નથી.એની વાણી એવી મધુર છે કે,
તલવાર ઉગામીને ઊભેલો દુશ્મન પણ તે સાંભળી ને પ્રસન્ન થઇ જાય.
જેની પાસે હનુમાનજી જેવો દૂત છે તે રાજાને ધન્ય છે.

શ્રીરામજીની આજ્ઞા થતાં,લક્ષ્મણે હનુમાજીને કહ્યું કે-વાનરરાજ સુગ્રીવ વિષે અમે સાંભળ્યું છે,અમે પણ તેમની મૈત્રી ઇચ્છીએ છીએ.આ સાંભળી હનુમાનને આનંદ થયો,પણ તે વિચારમાં પડી ગયા,કે –સુગ્રીવ તો વાલીની સામે દુશ્મનાવટને લીધે મૈત્રી ઈચ્છે છે પણ આ લોકો શા માટે સુગ્રીવની મૈત્રી ઇચ્છતા હશે? એટલે તેમણે પૂછ્યું કે-આ ગહન વનમાં આપનું આગમન શાથી થયું છે?એ આપને હરકત ના હોય તો સેવકને કહો.

PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE