Dec 17, 2021

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૫૬

હવે લક્ષ્મણે શ્રીરામનો પરિચય આપી,સીતાહરણની વાત કરી કહ્યું કે-સીતાને હરી જનાર રાક્ષસનો પત્તો લાગતો નથી અને તેથી અમે બંને ભાઈઓ સુગ્રીવને શરણે આવ્યા છીએ.
વાલ્મિકીજી કહે છે કે-અહો,કાળનું કેવું બળ છે!! પ્રતાપી રાજા દશરથના મહાસમર્થ પુત્ર વનચર જાતિના રાજા સુગ્રીવની કૃપા-પ્રસાદી ઈચ્છે છે !! હનુમાનજી કહે છે કે-લક્ષ્મણજી તમે ખેદ ના કરો,સૌ સારાં વાનાં થશે,સુગ્રીવ આપને અવશ્ય મદદ કરશે,તેને પણ વાલીની સામે લડવામાં આપની મદદની જરૂર છે,એમ કહીને એમણે વાલીના ત્રાસની બધી વાત કરી.

લક્ષ્મણજીએ શ્રીરામને કહ્યું કે-હનુમાનના બોલ પર મને વિશ્વાસ બેસે છે,તેની વાણી અસત્ય લાગતી નથી.
હવે હનુમાને ભિક્ષુક વેશ ને ત્યજીને પોતાનું અસલી રૂપ ધારણ કર્યું,અને બંને ભાઈઓને પોતાના ખભા પર બેસાડી ઋષ્યમૂક પર્વત પ્રતિ પ્રયાણ કર્યું.
ઋષ્યમૂક પર્વત પર બેસેલા સુગ્રીવે હનુમાનજીને આવતા જોયા એટલે તરત જ તે ઉભો થઈને સામે ગયો.
હનુમાને રામ-લક્ષ્મણની ટૂંકમાં ઓળખાણ આપીને કહ્યું કે-તેઓ શત્રુ નથી પણ મિત્રો છે.
આ સાંભળી સુગ્રીવને આનંદ થયો,તેણે રામ-લક્ષ્મણને પ્રણામ કરી,મિત્રતા માટે હાથ લાંબો કર્યો,
શ્રીરામે તેનો હાથ પોતાના હાથમાં લીધો ને સુગ્રીવ ને પોતાના હૃદય સાથે લગાવ્યો.

અગ્નિની સાક્ષીએ મૈત્રીના કોલ થયા.પછી શ્રીરામે કહ્યું કે-હે,સુગ્રીવ સાંભળો,હું મૈત્રીને પરમ-પવિત્ર સમજુ છું,
જે મનુષ્ય મિત્રના દુઃખે દુઃખી થતો નથી,તેનું મોં જોવામાં પણ પાપ છે.પોતાના પહાડ જેવા દુઃખને રજ જેવડું જાણે ને મિત્રના રજ જેવડા દુઃખ ને પહાડ જેવું જાણે અને તેને મદદ કરે તે સાચો મિત્ર. 
હે,મિત્ર હું પ્રતિજ્ઞા કરું છું કે હું દુષ્ટ,વાલીને મારીશ.

સુગ્રીવે પણ સામી પ્રતિજ્ઞા કરી કે-જે ઉપાય વડે સીતાજી મળે તે સર્વ ઉપાય વડે,હું આપની સેવા કરીશ.
વાલ્મીકિજી કહે છે કે-જે સમયે રામ-સુગ્રીવની મૈત્રી થઇ એ જ સમયે,રાવણ વાલી,અને સીતાનાં ડાબા
નેત્રો એક જ સાથે ફરકવા લાગ્યાં,સીતાજીનું ડાબું નેત્ર ફરક્યું એટલે એમને શુકન થયા છે,અને 
વાલી અને રાવણનું ડાબું નેત્ર ફરક્યા એટલે એમણે અપશુકન થયા કે તેમનો કાળ નજીક આવી રહ્યો છે.
(સ્ત્રી હું ડાબું અંગ ફરકે તે શુકન અને પુરુષનું ડાબું અંગ ફરકે તો અપશુકન કહેવાય છે!!)

પછી સુગ્રીવે કહ્યું કે-થોડા દિવસ પર અમે અહીં બેઠા હતા ત્યારે એક સ્ત્રીને લઈને,રાવણને આકાશમાર્ગે જતો જોયો હતો,સ્ત્રી,”હે રામ-હે,રામ”એવો આર્તનાદ કરતી હતી અને તે વખતે તેણે કેટલાંક આભૂષણો,નીચે ફેંક્યાં હતાં તે હજુ અમારી પાસે છે,તમે તે જુઓ,તે સીતાજીનાં જ તો નથી ને?
આમ કહી સુગ્રીવે તે આભૂષણો શ્રીરામની સામે ધર્યા.તે આભૂષણો સીતાજીનાં જ હતાં.

શ્રીરામ તેને જોઈને ફરી શોકમાં ડૂબી ગયા,તેમની આંખોમાંથી અશ્રુધાર ચાલ્યો.
તેમણે લક્ષ્મણને કહ્યું કે-લક્ષ્મણ,તારી ભાભીનાં આ આભૂષણો જો,તું પણ તેને ઓળખી શકશે.
આપણને આશ્વાસન આપવા માટે જ તેણે તે અહીં ફેંક્યાં લાગે છે.લક્ષ્મણે આભૂષણો જોઈને કહ્યું કે-મોટાભાઈ,હું,ભાભીનાં કંકણ,કુંડળ કે હારને તો ઓળખી શકતો નથી,કારણ કે તે તરફ મેં કદી નજર કરી નથી,પણ હું તેમનાં ચરણોને રોજ વંદન કરતો એટલે,તેમનાં નુપુરને હું ઓળખું છું.

લક્ષ્મણજીની ભાવના કેટલી દિવ્ય છે!!કહે છે કે-માતાજી સમાન ભાભીનાં ચરણનાં વંદન કરવામાં જ 
મારા જીવનની કૃતકૃત્યતા છે.એમની સામે મેં કદી ઉંચી આંખ કરીને જોયું નથી,એટલે તેઓ કયાં 
આભૂષણો પહેરે છે તેની મને ખબર નથી.
આ છે આપણી અસલ ભારતીય સંસ્કૃતિ.લક્ષ્મણજી એ સંયમનું પ્રતિક છે અને સંયમી મનુષ્ય,
કદી કોઈ પરસ્ત્રીનાં અંગોને નીરખતો નથી.

PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE