સુનત બિભીષનુ પ્રભુ કૈ બાની, નહિં અઘાત શ્રવનામૃત જાની.
પદ અંબુજ ગહિ બારહિં બારા, હૃદયસમાત ન પ્રેમુ અપારા.
પ્રભુની વાણી સાંભળતાં વિભીષણ તેને શ્રવણામૃત
જાણી તૃપ્ત થતા નહોતા.તે વારંવાર શ્રી રામનાં ચરણકમળો પકડી લેતા હતા.(તેમનો ) અપાર
પ્રેમ હૃદયમાં સમાતો નહોતો.
સુનહુ દેવ સચરાચર સ્વામી, પ્રનતપાલ ઉર અંતરજામી.
ઉર કછુ પ્રથમ બાસના રહી, પ્રભુ પદ પ્રીતિ સરિત સો બહી.
(વિભીષણે કહ્યું : ) હે દેવ ! હે
ચરાચર જગતના સ્વામી ! હે શરણાગત ના રક્ષક ! હે સર્વ ના હૃદયના અંતર્યામી ! સાંભળો.
મારા હૃદયમાં પ્રથમ કંઈક વાસના રહી હતી,તે પ્રભુના ચરણોની પ્રીતિ રૂપી નદીમાં
તણાઈ ગઈ છે.
અબ કૃપાલ નિજ ભગતિ પાવની, દેહુ સદા સિવ મન ભાવની.
એવમસ્તુ કહિ પ્રભુ રનધીરા, માગા તુરત સિંધુ કર નીરા.
હવે હે કૃપાળુ ! શંકરના મનને હંમેશ પ્રિય લાગતી
આપની પવિત્ર ભક્તિ મને આપો. એવ મસ્તુ ( ભલે એમ થાઓ.) કહી રણધીર પ્રભુ શ્રી રામચંદ્રજી
એ તરત સમુદ્રમાંથી જળ મંગાવ્યું.
જદપિ સખા તવ ઇચ્છા નાહીં, મોર દરસુ અમોઘ જગ માહીં.
અસ કહિ રામ તિલક તેહિ સારા, સુમન બૃષ્ટિ નભ ભઈ અપારા.
(અને કહ્યું : ) હે મિત્ર ! જોકે
તમારી ઈચ્છા નથી , છતાં જગતમાં મારું દર્શન સફળ છે.એમ કહી શ્રી રામે
તેને રાજતિલક કર્યું .(તે જ વખતે ) આકાશમાંથી પુષ્પોની અપાર વૃષ્ટિ થઇ.
(દોહા)
રાવન ક્રોધ અનલ નિજ સ્વાસ સમીર પ્રચંડ.
જરત બિભીષનુ રાખેઉ દીન્હેહુ રાજુ અખંડ(૪૯-ક)
શ્રી રામચંદ્રજીએ પોતાના શ્વાસરૂપી પવનથી ઉગ્ર
બનેલા રાવણ ના ક્રોધરૂપી અગ્નિમાં બળતા વિભીષણ ને બચાવ્યો અને તેને અખંડ રાજ્ય
આપ્યું.(૪૯-ક )
જો સંપતિ સિવ રાવનહિ દીન્હિ દિએદસ માથ.
સોઇ સંપદા બિભીષનહિ સકુચિ દીન્હ રઘુનાથ(૪૯-ખ)
શંકરે જે
સંપત્તિ રાવણ ને દશ મસ્તકો ( નું બલિદાન
) દીધા પછી આપી હતી , તે જ સંપત્તિ રઘુનાથે વિભીષણ ને( આતો ઘણું જ ઓછું
આપું છું, એમ ) સંકોચાઈ ને આપી.
ચોપાઈ
અસ પ્રભુ છાડ઼િ ભજહિં જે આના, તે નર પસુ બિનુ પૂ બિષાના.
નિજ જન જાનિ તાહિ અપનાવા, પ્રભુ સુભાવ કપિ કુલ મન ભાવા.
એવા પરમ કૃપાળુ પ્રભુને છોડી જે
મનુષ્ય બીજાને ભજે છે , તે શિગડાં - પૂંછડાં
વિનાનો પશુ જ છે. પોતાનો સેવક જાણી વિભીષણને શ્રી રામે અપનાવ્યો ! પ્રભુનો સ્વભાવ
વાનરકુળ ના મનને (બહુ ) ગમ્યો.
પુનિ સર્બગ્ય સર્બ ઉર બાસી, સર્બરૂપ સબ રહિત ઉદાસી.
બોલે બચન નીતિ પ્રતિપાલક, કારન મનુજ દનુજ કુલ ઘાલક.
પછી સર્વ જાણનારા , સર્વના
હૃદયમાં વસનારા, સર્વ સ્વરૂપ, સર્વ થી
રહિત , ઉદાસીન , કારણ વશાત મનુષ્ય
બનેલા અને રાક્ષસોના કુળનો નાશ કરનારા શ્રી રામચંદ્રજી નીતિ નું રક્ષણ કરનાર વચન
બોલ્યા
સુનુ કપીસ લંકાપતિ બીરા, કેહિ બિધિ તરિઅ જલધિ ગંભીરા.
સંકુલ મકર ઉરગ ઝષ જાતી, અતિ અગાધ દુસ્તર સબ ભાતી .
હે વીર વાનરરાજ સુગ્રીવ અને લંકાપતિ વિભીષણ
! સાંભળો. આ ગંભીર ( ઊંડા ) સમુદ્રને કયા પ્રકારે તરવો અનેક
જાતિના મગર, સર્પો તથા
માછલાં થી ભરેલો આ ઘણો અગાધ સમુદ્ર પાર કરવો સર્વ પ્રકારે
મુશ્કેલ છે.
કહ લંકેસ સુનહુ રઘુનાયક, કોટિ સિંધુ સોષક તવ સાયક.
જદ્યપિ તદપિ નીતિ અસિ ગાઈ, બિનય કરિઅ સાગર સન જાઈ.
વિભીષણે કહ્યું : હે રઘુનાથજી ! સાંભળો.
જો કે આપનું એક જ બાણ કરોડો સમુદ્રને સુકવનારુ છે , તો પણ
આવી નીતિ કહેવાઈ છે કે, પ્રથમ સમુદ્ર
પાસે જઈ વિનય કરવો.(તેની પ્રાર્થ ના કરવી ).
(દોહા)
પ્રભુ તુમ્હાર કુલગુર જલધિ કહિહિ ઉપાય બિચારિ.
બિનુ પ્રયાસ સાગર તરિહિ સકલ ભાલુ કપિ ધારિ.(૫૦)
હે પ્રભો ! સમુદ્ર આપનો કુલગુરુ (પૂર્વજ)છે.તે
વિચારીને ઉપાય કહેશે.પછી રીંછો અને વાનરોની સકલ સેના વિના પ્રયાસે સમુદ્ર તરી
જશે.(૫૦)
ચોપાઈ
સખા કહી તુમ્હ નીકિ ઉપાઈ, કરિઅ દૈવ જૌં હોઇ સહાઈ.
મંત્ર ન યહ લછિમન મન ભાવા, રામ બચન સુનિ અતિ દુખ પાવા.
(શ્રી રામે કહ્યું :) હે મિત્ર ! તમે ઠીક
ઉપાય કહ્યો. જો દૈવ સહાય
થાય તો તે જ કરીએ . લક્ષ્મણજી ના મનને એ સલાહ ગમી નહિ.શ્રી રામચંદ્રજી ના વચન
સાંભળી તે ઘણું દુઃખ પામ્યા.
નાથ દૈવ કર કવન ભરોસા, સોષિઅ સિંધુ કરિઅ મન રોસા.
કાદર મન કહુએક અધારા, દૈવ દૈવ આલસી પુકારા.
(લક્ષ્મણ જી એ કહ્યું :
)હે નાથ ! દૈવ નો શો ભરોસો? મનમાં ક્રોધ કરી સમુદ્રને સુકવી નાખો. દૈવ તો કાયર ના મનનો એક આધાર છે. આળસુ (લોકો) દૈવ દૈવ પોકારે છે.