Jan 21, 2022

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-લંકાકાંડ-૧૮૧

લંકાકાંડ
તુલસીદાસજી કહે છે કે-રામની કૃપાથી શું નથી થતું? તુચ્છ ગણાતો વાનર,જે “રાક્ષસ” એવા નામનો ઉચ્ચાર થતાં બી ને ભાગે,અને જે રાક્ષસનો ખોરાક ગણાય,તે આજે રાક્ષસોના રાજા રાવણની સામે લડવા નીકળે છે.વાનરોના ઉત્સાહનો પાર નથી,તેમની બધી ચંચળતા રણ-મેદાનમાં જવા અધીરી બની ગઈ છે.કોઈ કોઈ તો એવા કુદકા ને છલાંગો મારતા ચાલે છે કે-જાણે આકાશ-માર્ગે ઉડતા જતા હોય.વૃક્ષો અને પથ્થરો તેમનાં શસ્ત્રો બની ગયા છે ને બધા એક સાથે પોકાર પાડતા જાય છે કે-સિયાવર રામચંદ્રકી જય.અને કૂચકદમ કરતી રામજીની વિરાટ વાનર સેના સમુદ્ર કિનારે પહોંચી.

બીજી બાજુ,હનુમાનજી લંકાને આગ લગાડી ગયા ત્યારથી લંકાવાસીઓની ઊંઘ ઉડી ગઈ હતી.
તેમનામાં એવી ખરેખરી બીક પેસી ગઈ હતી કે-જેનો દૂત આવો બળીયો છે તે પોતે તો કેવો હશે?
એકલો દૂત જો,લંકાને બાળી ગયો,તો શ્રીરામ આવશે તો કેટલી ને કેવી ખૂવારી થશે?
લોકોના આ ફફડાટની વાતો મંદોદરી (રાવણની પત્ની) ના કાને આવી,આમેય તેના પોતાના મનમાં પણ આવો ફફડાટ હતો,તેણે ઘણીવાર રાવણને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો,અને હવે ફરી એકવાર રાવણને પ્રાર્થના કરી કહ્યું કે-હે,નાથ,કૃપા કરી સીતાને પાછી મોકલી દો,ને રામની સાથે સુલેહ કરો.શ્રીરામ પ્રાણીમાત્ર ના હિતકારી છે,
તે તમારું પણ હિત કરશે.નહિ તો રામનાં બાણ,જેમ સાપ દેડકાંને ગળી જાય તેમ આખા રાજ-કુળને ગળી જશે.

આ સાંભળી રાવણ ખડખડ હસીને બોલ્યો-તુ પણ બીજી સ્ત્રીઓ જેવી જ બીકણ છે,અરે આતો ખુશ થવાની વાત છે,રાક્ષસોને વાનરોનો ખોરાક સામે ચડીને મળશે.તેઓ પણ લહેર કરશે.
આમ કહી તે રાજસભામાં ગયો.ને મંદોદરીએ કપાળ ફૂટ્યું.”આજે વિધાતા રૂઠ્યો છે”

રાવણ રાજસભામાં બેઠો હતો,ત્યારે ખબર આવી કે-રામની સેના સમુદ્ર કિનારે આવી પહોંચી છે.
એ સાંભળી રાવણે સભાસદોને પૂછ્યું-કે તમારી શું સલાહ છે?
સભાસદો ગર્વથી ફુલાઈ ગયા,તેમને થયું કે આજે રાવણ આપણી સલાહ માગે છે!!!
બધા ખુશામતિયાઓએ કહ્યું કે-લડી લેવાનું,એ વાનર-સેનાથી શું વળવાનું છે?

ત્યારે ત્યાં વિભીષણ (રાવણનો ભાઈ) હાજર હતો,તેનાથી રહેવાણું નહિ,તેણે ઉભા થઇ કહ્યું કે-
રાજા રાવણ વગર વિચાર્યે સીતા-હરણનું એક ખોટું કામ કરી આવ્યો છે,ત્યારે તમે બધા પણ વગર વિચાર્યે 
તેને શું કામ ટેકો આપો છે? હે, રાવણ,મારા ભાઈ તમે સીતાજીને પાછા સોંપી દો,
શ્રીરામ એ સામાન્ય માનવી નથી એ તો “નર ભૂપાલા” પૃથ્વીને પાળનાર ચારે ભુવનના ઈશ્વર છે.
“તાત રામ નહિ નર ભૂપાલા,ભુવનેશ્વર કાલહું કર કાલા”
માટે માન,મોહ,મદ ત્યજીને કોશલાધીશને ભજ. “પરિહરી માન,મોહ,મદ,ભજહું કોશલાધીશ”

પછી તેણે રાવણના પગ પકડીને વિનંતી કરી કે-હું કરગરીને કહું છું કે,સીતાજીને પાછા સોંપી દો જેનાથી,સર્વ નું અહિત થતું અટકી જશે,સુબુદ્ધિ એ જ સંપત્તિ છે,કુબુદ્ધિ એ જ વિપત્તિ છે.
આ સાંભળી રાવણના ગુસ્સાનો પર રહ્યો નહિ,તેણે કહ્યું-અરે,શઠ,મારું ધાન ખાઈને મારો જીવાડ્યો,એવો તું,ભલે મારો ભાઈ પણ તું શત્રુના પક્ષની તરફદારી કરે છે? ઝેરી સાપ સાથે વસવું સારું પણ તારા જેવાની સાથે વસવું ખોટું.હે દુષ્ટ,તને ફિટકાર છે,તું મારા નગરમાં રહેવાને લાયક નથી,જા,દુશ્મન ભેગો જઈને રહે.
આમ કહી રાવણે વિભીષણને એક લાત લગાવી દીધી.

PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE