Feb 22, 2022

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૨૦૫

સંત-મહાત્માઓ કહે છે કે-સૌ પ્રથમ જીવનનું લક્ષ્ય (એક સત્ય-પરમાત્મા) નક્કી કરો.ને પછી,
નક્કી કરો કે-આજથી મારું જીવન ભોગ માટે નથી,ધન ભેગું કરવા માટે નથી,પણ પરમાત્મા માટે જ છે.આટલું જ જો સમજી લેવામાં આવે તો આગળનો રસ્તો આપોઆપ સરળ થઇ જશે.પરમાત્માને સ્વામી માનો કે પિતા માનો.જો પિતા કહેતાં શરમ આવતી હોય તો-પરમાત્મા તમારો બેટો (પુત્ર) થવા પણ તૈયાર છે.પણ કોઈ પણ રીતે તેમની સાથે સંબંધ જોડો.

રાવણે શત્રુતાનો સંબંધ કર્યો હતો,છતાં તે શત્રુ શ્રીરામનાં વખાણ કરતાં તે કહેતો હતો કે-
“શ્રીરામનાં દર્શનથી મૃત્યુ મંગલમય બને છે.હું રામને શત્રુ માનું છું પણ તેઓ મને શત્રુ માનતા નથી”
સામે શ્રીરામ પણ રાવણને મહા દેદીપ્યમાન,મહાતપસ્વી,વેદવિદ અને અગ્નિહોત્રી કહી માન આપે છે.
અને રાવણ એવો હતો પણ ખરો.એણે અપૂર્વ તપસ્યા કરી હતી,એનું બળ એ તેની તપસ્યાનું બળ છે,
પણ એ બળને એના અહંકારે ચૂંથી નાખ્યું.અહંકાર,વાસનાઓ,લોભ,ક્રોધ અને કામ-એને ખેંચીને 
વિનાશની એવી ઊંડી ખીણમાં લઇ ગયો કે જ્યાંથી તે પાછો આવી શકતો નથી.
એ જાણે છે આ બધું પણ તેનું પોતાનું –પાપનું એ પગલું તે રોકી શકતો નથી.

દશરથરાજાને જેમ અંતકાળે શ્રવણ-વધનું પાપ યાદ આવે છે તેમ-રાવણને પણ તેના છેલ્લા સમયમાં “વેદવતી” યાદ આવે છે.વેદવતીની કથા એવી છે કે-એક વાર રાવણ ફરતો ફરતો હિમાલયના વનમાં જઈ ચડ્યો.ત્યાં  એણે કઠોર તપ કરતી એક રૂપવતી કન્યાને જોઈ ને તેના પર મોહી પડ્યો.તેણે તે કન્યાને પૂછ્યું કે-તારું નામ શું?તું કયા ઉદ્દેશ માટે તપ કરે છે? તપસ્વિનીએ કહ્યું કે-હું દેવતાઓના ગુરૂ બૃહસ્પતિના પુત્ર,બ્રહ્મર્ષિ કુશધ્વજની કન્યા વેદવતી છું,અને હું વિષ્ણુને પરણવા માટે તપ કરી રહી છું.

રાવણે કહ્યું કે-એ વિષ્ણુમાં શું છે?એને પરણવાની વાત છોડી,મને પરણ,હું લંકાપતિ દશાનન રાવણ છું,
અને મારા જેવો પરાક્રમી ને શક્તિશાળી આ જગતમાં કોઈ નથી.
વેદવતી કહે છે કે-અરે,અહંકારી,ચુપ રહે,સર્વ લોક જેને નમસ્કાર કરે છે તેની નિંદા કરનાર તું મૂઢ છે.
તું શક્તિશાળી કે પરાક્રમી શાનો? તું તો પામર છે.

આ સાંભળી રાવણને ગુસ્સો ચડ્યો અને વેદવતીને ઉપાડી જવા તેનો ચોટલો પકડ્યો.ને પોતાના તરફ ખેંચી.ત્યારે પોતાનો હાથ તલવારની જેમ વીંઝીને પોતાના કેશ કાપીને તે રાવણની પકડમાંથી છૂટી થઇ,તેની આંખોમાંથી અંગારા વરસતા હતા,હવે તેની નજીક જવાની રાવણની હિંમત રહી નહિ.
વેદવતી બોલી કે-હે અનાર્ય,તારા હાથનો મને સ્પર્શ થયો એટલે હવે હું જીવવા માગતી નથી,તારા દેખતાં જ હું અગ્નિમાં પ્રવેશ કરું છું,પણ એટલું લખી રાખજે કે-જે કારણથી તેં મને અહીં વનમાં સ્પર્શ કર્યો,
તે જ કારણે હું તારો વિનાશ કરવા ફરીથી પૃથ્વી પર પ્રગટ થઈશ.

રાવણને અંત સમયમાં એ વેદવતી યાદ આવે છે,અને એ વેદવતી જ સીતા-રૂપે અવતરી પોતાનો વિનાશ કરવા આવી હોય તેવું તેને લાગે છે.વાલ્મિકીજી કહે છે કે-સીતા એ જ વેદવતી છે,અને શ્રીરામ એ મનુષ્ય-રૂપે વિષ્ણુ છે.

PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE