Feb 23, 2022

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૨૦૬

વેદવતીની કથાનું રહસ્ય એવું છે કે-વેદવતી એટલે વેદને જાણનારી,વેદને ગ્રહણ કરનારી.
વેદવતી એ સાક્ષાત વેદની વાણી છે,વેદની વિદ્યા છે.રાવણ પોતે વેદ-વિદ હતો,વેદ ભણેલો હતો પણ વેદની વિદ્યા (જ્ઞાન)થી તે દૂર હતો.જ્ઞાનની  સાથે,વિવેક,નમ્રતા,નિર્લોભીપણું,
નિષ્કામતા-વગેરે ન હોય તો તે જ્ઞાન ભાર-રૂપ થઇ પડે છે,રાવણ એવા ભાર-રૂપ જ્ઞાનને લઈને ફૂલ્યો હતો,એટલે વેદ-વિધા (જ્ઞાન) તેનાથી દૂર હતી.

વિદ્યા (અહીં-વેદવતી) બળાત્કારે પ્રાપ્ત થઇ શકતી નથી,વિદ્યા અહંકારથી પ્રાપ્ત થતી નથી,વિદ્યા તો વિષ્ણુને (વિષ્ણુત્વને) વરેલી છે.ભૃગુ-ઋષિ,અહંકારથી વિષ્ણુની છાતીમાં લાત મારે છે,તો વિષ્ણુ ગુસ્સે થવાને બદલે તેમના પગ પંપાળે છે,અને કહે છે કે-મારી કઠોર છાતી પર મારવાથી તમારા પગને વાગ્યું તો નથી ને? 
અને ભૃગુના અવિવેકને પણ કૃપા માનીને તે પગની નિશાની શરીર પર ધારણ કરે છે.
આવા શ્રીવિષ્ણુ જેવા જે ગુણને કેળવે તેની પાસે જ વેદની વિદ્યા (જ્ઞાન-વેદવતી ) આવે છે.
અહીં,વેદવતી,રાવણની સામે જોતી પણ નથી,ઉલટું તેના વિનાશનું કારણ બને છે.

વિશ્વમાં કાર્ય-કારણની આ ઘટમાળ પ્રભુએ જ યોજી છે,અને “સત્ય” એ તેમના ન્યાયનો “અફર કાનુન” છે.
ધર્મ અને સત્યનો જય –તેમ- જ-અધર્મ અને અસત્યનો ક્ષય (નાશ) એ કાનુનનું સૂત્ર છે.
ભગવાન ગીતાજીમાં કહે છે કે-અસુર (રાક્ષસ) કોણ ? અસુર (રાક્ષસ) એ કોઈ માથે સિંઘડા વાળો કોઈ જુદો મનુષ્ય નથી,પણ,જે મનુષ્ય મૂઢ (અજ્ઞાની) છે તે.,એવો મૂઢ અહંકાર,લોભ,કામ,અને ક્રોધનો આશ્રય કરીને,
પોતાની અંદર રહેલા ઈશ્વર-આત્મા અને બહાર રહેલા પરમાત્માનો દ્રોહ કરે છે-
તે રાક્ષસ (અસુર) છે.અને “રાવણ” આવો અસુર (રાક્ષસ) છે.

પરમાત્મા શ્રીરામ એ અંતર્યામી અને સર્વના આત્મા છે.અને સર્વ મનુષ્યમાં વિરાજી રહ્યા છે.
આ રામ-રાવણનું યુદ્ધ આપણી અંદર અને બહાર સદાકાળ ચાલી રહ્યું છે.
આપણો રાવણ (અંદરનો અહંકાર) પણ ભણેલો છે,વેદવિદ છે,જ્ઞાની છે,વાદ-વિવાદમાં તેને કોઈ પહોંચી શકે તેમ નથી.વેદવતીનો ચોટલો પકડીને ખેંચી શકે તેવો તે જબરો પણ છે,પણ વેદવતી તેના હાથમાં આવતી નથી,સાચી વિદ્યાનું તેને દર્શન થતું નથી,ઉલટું,વિદ્યાનો શાપ એને માથે ચડે છે.

રાવણના વધનું રહસ્ય એવું છે કે-રાવણ અને કુંભકર્ણ –એ બંને,આમ તો, ભગવાનના પોતાના પાર્ષદો-જય અને વિજય હતા,(મૂળે દુષ્ટ નહોતા) પણ શાપના લીધે રાક્ષસકુળમાં જન્મ્યા હતા.
કોઈ પણ વ્યક્તિ મૂળ-રૂપે દુષ્ટ નથી જ. જીવ એ ઈશ્વરનો અંશ છે,ઈશ્વરના જે ગુણ-તે જીવના ગુણ.
પણ આ ઈશ્વરનો અંશ –જીવ- કોઈ એવી, પરિસ્થિતિમાં પડતાં આસુરી વ્યવહાર કરવા લાગે છે,
આ દુનિયામાં ખૂબ ભલા માણસો,ઘણી વખત રાતો રાત બુરા બની જતા હોવાના દાખલા જોવા મળે છે.

ભગવાન શ્રીરામે રાવણનો વધ કર્યો અને તેને સજા કરી એટલે રાતોરાત તેમનું અવતારી કાર્ય પુરુ થઇ ગયું –
તેવું નથી.કારણ રાવણ એક નથી,અને એક મરે તો બીજો પેદા થઇ જાય છે.
એટલે રામજી નું કાર્ય તો જયારે રામ-રાજ્ય ની સ્થાપના થાય છે ત્યારે જ પુરુ થાય છે.
ભગવાન રાવણનો વધ કરવામાં ઉતાવળા થતા નથી,એને સમજાવવાના ઘણા પ્રયત્ન કરે છે.
એટલે તો,રાવણને તેમાં શ્રીરામની નબળાઈ લાગે છે ને તે વધારે અક્કડ બને છે.

રાવણે અંગદને પૂછ્યું પણ હતું કે-રામ એવો બળવાન છે તો ફરીફરી સંધિની દરખાસ્ત શું કામ કરે છે?
પણ શ્રીરામ એક કુશળ ચિકિત્સક (ડોક્ટર) જેવા છે.કુશળ ડોક્ટર, જો હાથ પર ફોલ્લો થયો હોય તો આખો 
હાથ કાપી નાખે નહિ,પણ જો હાથ કાપ્યા વગર બાકીના શરીરને બચાવવું અશક્ય હોય તો જ હાથ કાપશે.
એટલે જ રાવણના વધ થી શ્રીરામજીનું કામ પતી જતું નથી.એક અપરાધીને હણવાથી –
“અપરાધ ની વૃત્તિનો” નાશ થતો નથી.
શ્રીરામનો અવતાર એ અપરાધની વૃત્તિનો નાશ કરીને રામ-રાજ્ય સ્થાપવા માટે થયો છે.

રામ-રાજ્યનો એક સિદ્ધાંત એવો છે કે-નોકરના ગુના બદલ,એને અને એના શેઠ બંનેને સજા કરવી.
પોતાના પાર્ષદોને ત્રણ વાર જન્મ લેવા પડે છે,ત્યારે ભગવાન પણ પોતે પાર્ષદો ખાતર જન્મ લે છે.
ભગવાન પોતાના માથે પણ સજા ઓઢે છે!! ગુનાની જવાબદારી એકલા ગુનેગાર પર નાખી દેવામાં 
આવે તો કામ પતી જતું નથી,વળી દુષ્ટ ગુનેગારને સજા કરી દેવાથી જ તેની દુષ્ટતાનો અંત આવતો નથી.
ઉલટું ઘણીવાર સજાથી દુષ્ટતા વકરે છે.એક માથું કાપતાં બીજાં દશ માથાં પેદા થાય છે.


PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE