Jan 27, 2022

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૮૫

આ શરીર પંચ-તત્વનું (આકાશ.અગ્નિ,પૃથ્વી,જળ,વાયુ) બનેલું છે.
પંચ-તત્વો ભેગા મળી શરીર તો “એક” જ બનેલું છે.અને પંચતત્વો પણ 
“એક” જ તત્વના બનેલા છે.એક એક તત્વના એક એક દેવ છે-પણ 
તે બધા –પણ-એક જ તત્વ માંથી બનેલા હોઈ ને- એક જ છે.


પૃથ્વી-તત્વના દેવ-ગણેશ છે,ગણપતિ વિઘ્ન-હર્તા છે.
જળ-તત્વના દેવ શિવજી છે,તે જ્ઞાન અર્પે છે.
તેજ (અગ્નિ) તત્વના દેવ સૂર્ય છે,તે આરોગ્ય બક્ષે છે.
વાયુ તત્વનાં દેવી માતાજી છે,જે બુદ્ધિ અને ધન બક્ષે છે.
આકાશ તત્વના દેવ વિષ્ણુ છે,જે પ્રેમ બક્ષે છે.

જેમ આ પાંચે તત્વો મળીને એક શરીર બને છે,તેમ આ આ પાંચે સ્વરૂપો એક તત્વમાંથી જુદા થયા છે 
ને એક જ છે.મનુષ્યને જેમાં પ્રીતિ હોય તે દેવનું સ્મરણ,ચિંતન કે પૂજન કરે પણ ભેદબુદ્ધિ ના રાખવી જોઈએ.

રામનામથી સાગરમાં પથ્થરો તર્યા પણ આપણે સંસાર સાગરમાં તરતા નથી(સંસારમાં ડૂબી જઈએ છીએ!) કારણકે આપણને સંસારમાં ડૂબવામાં પ્રેમ છે અને તરવામાં પ્રેમ નથી.
જેમ,વાનરોમાં શ્રીરામ પ્રત્યે એકનિષ્ઠ ભક્તિ છે,અડગ શ્રદ્ધા છે,અને તેમનાં મન નિર્મળ અને નિષ્કપટ છે,
તેમ, તેવો આ ભક્તિભાવનો ગુણ જો મનુષ્યમાં આવે તો –એ તારે અને તરે.
રામ ના “નામ” નો મહિમા જે એકવાર સમજી જાય પછી તેને કંઈ સમજવાનું રહેતું નથી.

નારદજીએ હનુમાનજીને “રામ-નામ” નો મંત્ર આપતાં કહ્યું હતું કે-
બોલો, “ॐ શ્રીરામ જયરામ જયજય રામ”
આ મંત્રમાં “ॐ” એ વિશ્વ-રૂપ પરમાત્માનું સ્વ-રૂપ છે.
“શ્રીરામ” એ (તે પરમાત્માને) સંબોધન છે-તેમના નામનો પોકાર છે.
“જયરામ” એ સ્તુતિ છે.અને “જયજયરામ” એ પૂર્ણ સમર્પણ છે.
એટલે આ મંત્ર કરતી વખતે –દરેક શબ્દે-એવો ભાવ કરવાનો છે કે-
“હે, ॐ સ્વરૂપ શ્રીરામ,હું આપની સ્તુતિ કરું છું,આપનો જય ગાઉં છું,આપના શરણે આવ્યો છું”

હરેક જુદા જુદા મંત્ર-પણ આમ જ સમર્પણ-અને શરણના મંત્ર છે.(મંત્ર પ્રભુને પામવાનું “એક” સાધન છે)
“શ્રીકૃષ્ણ શરણં મમ” “ॐ નમો ભગવતે વાસુદેવાય” “ॐ નમઃ શિવાય” –વગેરે મંત્ર,
ભક્તના મનને પ્રભુ-ચરણમાં સમર્પિત કરવાનું સાધન છે.મંત્ર દ્વારા લક્ષ્યને જલ્દી પહોંચી શકાય છે.

મહારાજા દશરથ,જયારે રાજકુમાર હતા,ત્યારે,તેમનાથી ભૂલથી શ્રવણનો વધ થયેલો,જેનાથી તેમના મનને 
ખૂબ અશાંતિ થયેલી અને પ્રાયશ્ચિત કરવા તે વશિષ્ઠના આશ્રમે ગયા,ત્યારે વશિષ્ઠ આશ્રમમાં નહોતા,
એટલે એમના પુત્ર વામદેવ પાસે તેમણે પ્રાયશ્ચિત વિધિ કરાવી.
વામદેવે કહ્યું કે “ત્રણ વાર રામ-નામ બોલો” અને રાજા ત્રણ-વાર રામ-નામ બોલ્યા,
ને એમના મનનો ભાર હળવો થઈ ગયો,ને ચિત્તને શાંતિ થતાં ઘેર પાછા ફર્યા.

થોડા વખત પછી વશિષ્ઠ આશ્રમમાં પાછા આવ્યા ત્યારે પુત્ર વામદેવે પિતાને પ્રાયશ્ચિતની વાત કરી.
ત્યારે વશિષ્ઠે કહ્યું કે-હે,પુત્ર,રામ-નામ તો એકવાર લેવાય તોયે કોટિ-કોટિ પાપોનો નાશ થાય છે 
તો તેં ત્રણવાર કેમ લેવડાવ્યું? શું તને રામ-નામમાં શ્રદ્ધા નથી ? તારું આ કૃત્ય નિષાદ જાતિને યોગ્ય છે,
ઋષિપુત્રને યોગ્ય નથી,માટે તું નિષાદ થશે.વામદેવ પછી નિષાદ-રાજા ગુહ તરીકે અવતરેલા.
ગુહ જન્મમાં તેમની રામ-નામમાં અચળ શ્રદ્ધા છે,અને રામજીની અપૂર્વ-સેવા તેમણે બજાવી છે.

“રામ-નામનો “માત્ર-એકવાર જ” ઉચ્ચાર કરવાથી માનવી તરી જાય છે.”
એટલી શ્રદ્ધા મનુષ્યમાં પેદા ના થાય ત્યાં સુધી-રામ-ભક્તિ સંપૂર્ણ થતી નથી.
અને ભક્તિ સંપૂર્ણ ના થાય,ત્યાં સુધી જીવન-મરણનું દુઃખ લલાટમાં (પ્રારબ્ધમાં) લખાયેલું જ રહે છે.
“રા” બોલતાં (મોં પહોળું થાય છે) અને પાપ બહાર નીકળી જાય છે.અને 
“મ” બોલતાં (મોં બંધ થાય છે) ને પાપનો પુનઃપ્રવેશ અટકી જાય છે.
આવી “રામ-નામમાં શ્રદ્ધા” વાનરોએ સિદ્ધ કરી,એટલે તેમના હાથે નાંખેલા પથરા તરે છે,
અને આપણામાં આવી “શ્રદ્ધા” નથી,એટલે આપણી કાગળની નૌકાઓ પણ ડૂબી જાય છે.

PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE