Jan 28, 2022

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૮૬

લંકા સુધીનો સેતુ (પુલ) બંધાઈ ગયા પછી,શ્રીરામની વિશાળ વાનર-સેના પુલ પર થઈને ચાલવા લાગી.વાનરોના હર્ષનો પાર નથી,બધા રામ-રામ કરતા જાય છે ને નાચતા-કૂદતા પુલ પર ચાલે છે.શ્રીરામ-લક્ષ્મણ, જ્યાં જ્યાં પુલ પર થઈને પસાર થાય છે-ત્યારે સમુદ્રના જળચળ પ્રાણીઓ-માછલાં,પાણીમાંથી બહાર મોં બહાર કાઢે છે,અને એકવાર જુએ છે,એટલે જોઈ જ રહે છે.વાનરો પણ આ જોઈ રહેલા પ્રાણીઓને જોઈને ખુશ થાય છે.

પ્રાણીઓ પુલના કિનારે આવીને બેસી જાય છે તો તેમને હટાવવાનો પણ કોઈ વાનર પ્રયત્ન કરતો નથી,અને કોઈ હટાવે તો કોઈ પ્રાણી ત્યાંથી હટતું જ નથી.જળચળ પ્રાણીઓનો જાણે જીવતો પુલ બની ગયો!! જે પ્રાણીઓને જોઈને વાનરો ડરે તે જ પ્રાણીઓ,આજે વાનરોને પોતાના લાગે છે,રામનો દૈવી-પ્રભાવ –જડ-ચેતન સકળ સૃષ્ટિમાં દેખાય છે,શ્રીરામને જોઈને પ્રાણીઓ વેર-ઝેર ભૂલી ગયા છે.

આને કોઈ કેવળ કવિની કલ્પના માની લે તો તે સાચું નથી,કારણ કે આજે પણ ઘણા સિદ્ધ મહાત્માઓના 
સાનિધ્યમાં હિંસક પ્રાણીઓ પણ પોતાની હિંસા-વૃત્તિ ભૂલે છે-તેવા દાખલા જોવા મળેલા છે.
તો શ્રીરામ તો પરમાત્મા છે,એમનું સામર્થ્ય તો આ સિદ્ધો કરતાં પણ અનંતગણું વધારે છે.
કેટલાક વાનરો તો મગર-મચ્છો ને જોઈને કેવળ પ્રસન્ન થઈને ના રહ્યા,પણ તેમની સાથે મૈત્રી પણ કરી દીધી,
અને એ મગર-મચ્છોની ઉપર સવાર થઈને,પુલ પર તેમની સવારીનો આનંદ લેવા માંડ્યા.

શ્રીરામ-લક્ષ્મણ આ કૌતુક જોઈને, પ્રસન્ન થઈને મલકાતા રહ્યા.પ્રાણીઓને પણ રામજીને પ્રસન્ન કરવાનું 
મન હતું ,ને તેમને મદદ કરવાનું મન હતું તે –આવાં કામ કરીને પુરુ કરતા હતા.
અને એટલે જ કેવળ પથ્થરનો જ નહિ પણ જળચળ પ્રાણીઓનો પણ પુલ બંધાયો હોય તેમ લાગતું હતું.
એટલે તો -મહર્ષિ વશિષ્ઠ ને વિશ્વામિત્રે તો શ્રીરામને જ ધર્મ-સેતુ કહ્યા છે.

સર્વ સેના સમુદ્રની પેલી પાર લંકામાં પહોંચી ગઈ અને સુવેલ પર્વત પર છાવણી નખાઈ.
આસપાસ ફળફૂલની વાડીઓ હતી.વાનરોને મજા પડી ગઈ,ફળ તોડી તોડીને ખાવા માંડ્યાં.
કોઈ રાક્ષસ મળી જાય તો પકડીને તેની પાસે નાચ નચાવવા માંડ્યા,તો કોઈના નાક-કાન કાપી નાખવા માંડ્યાં.ત્યારે કોઈ બચી ગયેલ રાક્ષસ રાવણને ખબર આપવા પહોંચી ગયો.

વાનરોએ સમુદ્ર પર પુલ બાંધીને આવી પહોંચ્યા છે –તે જાણીને રાવણને આશ્ચર્ય સાથે ગભરાટ પણ થયો.
પણ બીજી જ ક્ષણે પોતાના ગભરાટનું ભાન થતાં,તે પાછો મદથી ટટ્ટાર થઇને મહેલમાં ગયો,
મંદોદરીએ આ સમાચાર જાણીને, ફરીથી પતિને પગ પકડીને સમજાવવાનો પ્રયત્ન કર્યો.કે-
શ્રીરામને સાધારણ મનુષ્ય સમજવાની ભૂલ કરો નહિ,સાધારણ મનુષ્ય આવું અસાધારણ કામ કરી શકતો નથી.માટે તમે સીતાજીને પાછા સોંપી દો.જેથી મારું સૌભાગ્ય અચળ રહે.

પણ રાવણનો મદ ફરીથી જાગી ગયો હતો-તે કહે છે કે-તું ફોગટ બીએ છે.મારા જેવો શક્તિશાળી 
જગતમાં કોઈ નથી.અને આવી વાનર સેના તો મારી આગળ મચ્છર-સમાન છે.
રાવણ મોઢેથી આમ બોલ્યો તો ખરો,પણ એના મનનો ભય ઓછો થયો નહોતો.અને આ ભયને ભૂલવા તે 
લંકાના શિખર પરના પોતાના રંગ-મહેલ પર પહોંચી ગયો,ત્યાં દારૂ પીને નાચ-ગાનની મહેફિલ જમાવી.

આ તરફ શ્રીરામે સુવેલ પર્વત પર મુકામ કર્યો.અને ત્યાં લક્ષ્મણજીએ બિછાવેલા તૃણ-પર્ણના આસન પર 
રામ વિરાજ્યા હતા.ત્યાં દૂર પર્વત વાદળાં-વીજળી વગેરે જોઈ શ્રીરામે વિભીષણને કહ્યું કે-
ત્યાં પર્વત પર વીજળી ઝબુકે છે,વાદળાં ગાજે છે,લાગે છે કે ત્યાં,મંદમંદ વરસાદ પડે છે.
વિભીષણ અનુભવી હતો,તે જાણતો હતો કે-રાવણના રંગ-મહેલના નાચગાનનો આ અવાજ છે.
તેણે કહ્યું કે-પ્રભુ આ વીજળી નથી પણ આતો રાવણના રંગ-મહેલમાં નાચગાન ચાલે છે,જુઓ,
પેલો રાવણ દેખાય....તેના માથા ઉપરનું કાળું છત્ર તે કાળી વાદળ-ઘટા જેવું જણાય છે.
એના માથાનો મુગટ વીજળી જેવો ચમકે છે.અને નાચગાનના મૃદંગનો અવાજ વાદળ-ગર્જના જેવો લાગે છે.

PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE