More Labels

Aug 12, 2014

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૨૨૩

કાક-ભુશુંડી આંખ બંધ કરીને થોડીવાર ઊંડા વિચારમાં ડૂબી ગયા,
થોડીવારે આંખ ઉઘાડી તેમણે ગરુડજી ને કહ્યું કે-હે પંખીરાજ,ગરુડ,તમારા પ્રશ્નો સાંભળી મને મારા અનેક જન્મો યાદ આવી ગયા,હું તમને બધી વાત કહું છું તે તમે સાંભળો.

હે,ગરુડજી,જેમ,રેશમનો કીડો રેશમ પેદા કરે છે,તેથી લોકો એ અપવિત્ર કીડાને.સૂગ વગર પ્રેમ થી પાળે છે, તેમ,મેં આ કાગ-દેહે શ્રીરામની ભક્તિ મેળવી છે,તેથી આ શરીર પર મને વધારે પ્રેમ છે,
જે શરીર થી શ્રીરામની ભક્તિ થાય તે જ શરીર પવિત્ર અને સુંદર કહેવાય.

મારું મરણ મારી ઈચ્છા અનુસાર છે,મોક્ષની મને ઈચ્છા નથી,મારે તો શ્રીરામનું ભજન કરવું છે,અને
શરીર વગર ઈશ્વરનું ભજન થતું નથી એટલે હું આ કાગ-શરીર રાખી રહ્યો છું.

હે ગરુડજી,મેં અનેક જન્મો લીધા છે,જગતમાં કોઈ એવી યોનિ નથી,જેમાં મેં જન્મ લીધો ન હોય!
મેં સર્વ કર્મો પણ કરી જોયાં છે.પણ આ કાગ-જન્મ માં જેવો હું સુખી થયો તેવો કોઈ જન્મ માં થયો નથી.પૂર્વના એક કલ્પમાં જયારે પૃથ્વી પર કળિયુગ ચાલતો હતો,ત્યારે મનુષ્યના શરીરમાં મારો જન્મ થયો હતો.

આ સાંભળી ગરુડજી એ પૂછ્યું-પ્રભુ,કળિયુગ નો કાળ અતિ કઠિન હોય છે નહીં??

કાક-ભુશુંડી કહે છે કે-હા,બહુ જ કઠિન.કળિયુગ માં સદ-ગ્રંથો લુપ્ત થાય છે,
પાપ,ધર્મ ની ઉપર ચડી બેસે છે,અને લોભ, શુભ કર્મ પર સવાર થઇ જાય છે.
વેદો ની આજ્ઞા કોઈ માનતું નથી,બ્રાહ્મણો વેદ ને વેચનારા થાય છે,જેને જે ગમે તે રસ્તે ચાલે છે,
સત્ય ના અનુભવ વગરના અને માત્ર પુસ્તકો વાંચીને બની ગયેલા જ્ઞાની ને,
લોકો પંડિતો અને ગુરૂ કહે છે.જે દંભ અને આડંબર કરે તે સાધુ-સંત કહેવાય છે.

કળિયુગમાં પારકું ધન પડાવી લેનાર બુદ્ધિશાળી ગણાય છે,જુઠ્ઠું બોલનારો ગુણવાન ગણાય છે,
આચારહીન જ્ઞાની ગણાય છે,ને માત્ર નખ-જટા વધારીને,ડોળ કરનારો - તપસ્વી ગણાય છે.
અમંગળ(ગંદો) વેશ તથા ભક્ષ્ય-અભક્ષ્ય –બધું ખાનારો યોગી ને સિદ્ધ ગણાય છે.બધા એને પૂજે છે.
લબાડ (અજ્ઞાની-આચારવિહીન) મનુષ્ય વક્તા ગણાય છે.
ને તેવા અજ્ઞાનીઓ,જ્ઞાનીને,જ્ઞાનનો ઉપદેશ કરે છે.

સત્ય-જ્ઞાન ની ઠેકડી થાય છે,શિષ્ય બહેરો અને ગુરૂ આંધળો હોય છે,
શિષ્ય ગુરુનો ઉપદેશ સાંભળતો નથી (બહેરો છે) અને ગુરૂને જ્ઞાન-દૃષ્ટિ નથી. (આંધળો છે)
ગુરૂ ઉપદેશના બદલામાં શિષ્ય નું ધન હરે છે,ને તેમ છતાં પણ તેને સન્માર્ગે ચડાવતો નથી.

સન્યાસીઓ ધન ભેગું કરી મોટીમોટી  ઈમારતો,આશ્રમો અને મંદિરો બંધાવે છે,
ગૃહસ્થ ગરીબ અને ગૃહસ્થો પર નભનારા સન્યાસીઓ ધનવાન છે,
રાજા, પ્રજા ને વગર અપરાધે દંડ કરી ને ધન ભેગું કરતા રહે છે,જેની પાસે ધન હોય તે કુળવાન
ગણાય છે,મા-બાપો ને સત્ય ધર્મ ની ખબર નથી એટલે છોકરાં ને પણ પેટ ભરવાનો ધર્મ શીખવે છે.
બ્રાહ્મણો વેદ-વિહીન છે,ને લોકો બ્રાહ્મણો ને વેદ-વિદ્યાથી નહિ પણ માત્ર જનોઈ થી ઓળખે છે,
ઉઘાડા શરીર વાળો તપસ્વી અને ધર્મ-શાસ્ત્ર ને નહિ માનનારો હરિભક્ત કહેવાય છે.

થોડાંક ગુણો વાળા માં તેમના ગુણો નો દોષ જોનારા જ બધા છે,સાચો ગુણવાન શોધ્યો જડતો નથી.
અપકાર કરનારો ચતુર ગણાય છે,કૂડ-કપટ,દંભને પાખંડ ની કળિયુગ માં બોલબાલા છે.
જપ,તપ,યજ્ઞ,વ્રત,અને દાન પણ તામસી ભાવથી થાય છે.એટલે વાદળાં ગાજે છે પણ વરસતાં નથી,
ધન વવાય છે પણ ઉગતું નથી,જ્યાં જુઓ ત્યાં સ્ત્રી-પુરુષોમાં, અહમ-બુદ્ધિ ને કઠોરતા દેખાય છે.
સ્ત્રીઓમાં પણ કોમળતા જોવા મળતી નથી.

જીવન કેવું ક્ષણ-ભંગુર અને ઝડપથી બદલાય છે,તે કળિયુગ માં જ જોવા મળે છે,છતાં મનુષ્ય એવો ઘમંડ રાખી ને ફરે છે કે-લાખો વરસે પણ તે મરવાનો નથી જ.રોગો નો કોઈ પાર નથી,પણ જીવવાની આશાએ મનુષ્ય દવાઓ ને વાઢ-કાપ કરાવી માર્યો માર્યો ફરે છે.
કળિયુગમાં ભાઈ-એ બહેન નું કે પિતા એ પુત્રનું –વગેરે કોઈ સામસામે બીજા ના દુઃખ નું વિચારતાં નથી.ક્યાંય સંતોષ અને શાંતિ જોવા મળતી નથી.જ્યાં ત્યાં ઈર્ષા-લાલચ દેખાય છે.સમભાવ જવલ્લે જ જોવા મળે છે.સૌ પોતપોતાના શરીર ને પોષનારા સ્વાર્થી અને પારકાની નિંદા કરનારા છે.PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE