Mar 12, 2022

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૨૨૨

પ્રભુએ દયા લાવીને કહ્યું કે-હે,કાક-ભુશુંડી,માગ,તું માગે તે આપું,રિદ્ધિ માગ,સિદ્ધિ માગ,જ્ઞાન માગ,વિજ્ઞાન માગ,વિવેક,વૈરાગ્ય કે મોક્ષ માગ.તને જે જોઈએ તે માગ.
કાક-ભુશુંડી,ગરુડજીને પોતાનો અનુભવ વર્ણન કરતાં કહે છે કે-હવે મારું માયાનું પડળ ખસી ગયું હતું,તેથી હું સમજી ગયો કે –પ્રભુ બધું આપવાનું કહે છે પણ ભક્તિનું નામ દેતા નથી.મને ખાતરી થઇ હતી કે ભક્તિ વિના બધાં સુખો અને બધા ગુણો નિરર્થક છે.

તેથી મેં પ્રભુને કહ્યું કે-હે પ્રભુ,આપની ભક્તિ જ શરણાગતનું કલ્પતરુ છે,દયા કરી મને એ ભક્તિ જ આપો.
ભગત કલ્પતરુ પ્રનત હિત,કૃપા સિંધુ સુખ રામ,સોઈ નિજ ભગતિ મોહિ,પ્રભુ,દેહુ દયા કરી રામ.
પ્રભુએ પ્રસન્ન થઇ કહ્યું કે-તથાસ્તુ. તેં ભક્તિ માગી એટલે જ્ઞાન-વિજ્ઞાન,વિવેક-વૈરાગ્ય, એ સર્વ એની સાથે જ તને મળી ગયું જાણ.તું મહા-ભાગ્યશાળી છે,હવે તું મારી માયાથી નહિ લેપાય.

પછી પ્રભુએ મને કહ્યું કે-તને હવે,હું મારો પોતાનો સિદ્ધાંત કહું છું તે તું સાંભળ.
આ સંસાર મારી માયાથી પેદા થયો છે,તેમાં જે ચરાચર જીવો છે તેમાં મનુષ્ય મને સૌથી પ્રિય છે.
અને તે મનુષ્યોમાં પણ મારો ભક્ત મને સૌથી પ્રિય છે.બ્રહ્મા જો ભક્તિ હીન હોય તો એવા બ્રહ્મા કરતાં,પણ 
મને ભક્તિમાન પ્રાણી,ભલે નીચ હોય તો પણ તે ભક્તિહીન બ્રહ્મા કરતાં - વધારે પ્રિય છે.પિતાને પોતાના તમામ પુત્રો પર સરખો પ્રેમ હોય છે,પરંતુ તેમાં જો કોઈ પુત્ર મન,વચન,કર્મથી પિતાને જ વળગી રહેતો હોય,અને સ્વપ્નમાં પણ બીજા નો આશ્રય ખોળતો ના હોય,તો પિતાને એ પુત્ર બધી વાતે મૂઢ હોય તો પણ પ્રાણ-પ્રિય સમ લાગવાનો.તેવી જ રીતે જે અનન્ય અને સર્વ ભાવે, મને જ ભજે છે તે મને અત્યંત પ્રિય છે.

કાક-ભુશુંડી કહે છે કે-હું મુગ્ધ બનીને પ્રભુની વાણી સાંભળી રહ્યો હતો,ત્યાં જ પ્રભુએ ફરી પોતાનું 
બાળ-કૌતુક કરવા માંડ્યું ને આંખમાં આંસુ લાવીને માને કહે છે કે-મા,મને ભૂખ લાગી છે.
હે,ગરુડજી,હે પંખીરાજ,શ્રીરામની “કૃપા” એ પાયાની ચીજ છે.એમની કૃપા વગર તેમની “પ્રભુતા”
સમજાતી નથી.અને તેમની પ્રભુતા જ્યાં સુધી ના સમજાય,ત્યાં સુધી તેમનામાં “શ્રદ્ધા” બેસતી નથી.
શ્રદ્ધા વાર “પ્રીતિ” થતી નથી,અને પ્રીતિ વગર “ભક્તિ” થતી નથી.

જળ વિના નૌકા ચાલે નહિ,ભોંય વગર વૃક્ષ ઉગે નહિ,તેમ શ્રદ્ધા વગર ભક્તિ મળે નહિ.ભક્તિ વિના શ્રીરામ (ઈશ્વર) પ્રસન્ન થાય નહિ.આમ,શ્રીરામની કૃપા વગર જીવને સ્વપ્ને પણ શાંતિ મળે નહિ,આ હું મારા જાત-અનુભવથી કહું છું.શ્રીરામ કેવળ ભાવને વશ છે,માટે મદ,માન,મમતા છોડી સદા શ્રીરામનું જ શરણું લેવું જોઈએ.આ સાંભળી,ગરુડજી એ કાક-ભુશુંડીના ચરણમાં મસ્તક નમાવ્યું ને વિનમ્ર ભાવે કહ્યું કે-હે,ગુરુદેવ,
આપની કૃપાથી મારો મોહ અને મદ નષ્ટ થયો છે,અને શ્રીરામના અનુપમ પ્રભાવનું મને દર્શન થયું છે.

કાકની ભક્તિ અને તેમનું જ્ઞાન જોઈને ગરુડજી એમના પ્રભાવ હેઠળ આવી ગયા હતા,પણ,એક પ્રશ્ન હજુ તેમને મૂંઝવતો હતો કે-આવો ભક્તિ-જીવ કાગડાના ખોળિયામાં કેવી રીતે આવ્યો?એટલે તેમણે વિનય-પૂર્વક પૂછ્યું કે-પ્રભુ,મારો અવિવેક ક્ષમા કરજો,હું આપને એક પ્રશ્ન પૂછવા માંગુ છું.કાકે કહ્યું-ખુશીથી પૂછો.
ગરુડે કહ્યું કે-આપ આવા જ્ઞાની છો,ભક્ત છો,અને આપને આવું કાગડાનું ખોળિયું કેમ મળ્યું? 
કાગડાની કાયામાં આપે શ્રીરામકથા ક્યાંથી જાણી? શિવજી કહેતા હતા કે મહા-પ્રલયમાં પણ આપનો નાશ થનાર નથી,તો તે કેવી રીતે?દેવ-મનુષ્યોનો કોળિયો કરનાર “કાળ”,તમારાથી કેમ બીવે છે?
તમારું ,શું આ તપોબળ છે કે યોગબળ છે?


PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE