Mar 11, 2022

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૨૨૧

હે,ગરુડજી,શ્રીરામે ભક્તોને માટે મનુષ્ય-દેહ લીધો છે.આ બધી તેમની લીલા (માયા) છે.
શ્રીરામ એ કુશળ નટ (અભિનેતા-નાટ્ય-કલાકાર) છે,જેવો વેશ લીધો છે તેવો જ ભાવ તે બતાવે છે,તેથી જોનારા મોહે છે,ને નાટક ને સાચું માની લે છે.પણ શ્રીરામ પોતે સ્વસ્થ છે.અલિપ્ત છે.જેને આંખે કમળો થયો છે તે ચંદ્રમાને પીળો કહેશે,અને જેને દિશા-ભ્રમ થયો છે તે સૂરજને પશ્ચિમમાં ઉગ્યો છે તેમ કહેશે,નૌકામાં બેઠેલો માણસ પોતે સ્થિર છે ને જગત ચાલે છે તેમ કહેશે,અને ફૂદડી ફરતો બાળક,ઘર ફરે છે તેમ કહેશે.પણ આ બધા જેમ ખોટા છે –તેમ-શ્રીરામ માયા-વશ છે તેવું કહેનારા પણ ખોટા જ છે.

પોતે કામ,ક્રોધ,લોભ અને અભિમાનને વશ છે તેથી તે શ્રીરામની લીલાને સમજી શકતા નથી.અને પોતાનું અજ્ઞાન શ્રીરામમાં આરોપિત કરે છે.હે,ગરુડજી,હું પણ એકવાર આવી જ રીતે મોહિત થયો હતો. ગરુડજી કહે છે કે -મને તે વૃતાંત કહો.કાક-ભુશુંડી કહે છે કે-“અભિમાન” એ જન્મમરણ અને દુઃખમાત્રનું કારણ છે. તેથી પોતાના ભક્તમાં જયારે અભિમાન આવે ત્યારે શ્રીરામ કઠોર થઈને પણ તે અભિમાનનો નાશ કરે છે.
જેમ બાળકના શરીર પર ગુમડું થયું હોય તો માતા કઠોર હૃદય કરીને ગુમડું ચીરી નાખે છે,ત્યારે બાળક દુઃખ ની ચીસો પાડે છે,પણ તે વખતે માતા તેના દુઃખને ગણતી નથી,તેમ,શ્રીરામ કૃપા કરીને ભક્તના અભિમાનને દૂર કરે છે.મારું અભિમાન પણ શ્રીરામે,કૃપા કરીને આ રીતે જ દૂર કર્યું હતું.

કાક-ભુશુંડી પોતાના સ્વાનુભવની વાત હવે ગરુડજીને કહે છે.કે-જયારે શ્રીરામે મનુષ્ય શરીર ધર્યું,ત્યારે હું અયોધ્યા ગયો હતો ને તેમની બાળલીલાનાં દર્શન કરતો હતો.એક દિવસ કૌશલ્યાએ શ્રીરામને માલપુડો ખાવા આપ્યો અને મેં જોયું તો બાળ-શ્રીરામ તે બેઠા બેઠા શાંતિથી ખાતા હતા.એ જોઈને -મને પણ કંઈ પ્રસાદ મળે-તે લોભે હું તેમની નજીક ગયો,ત્યારે મને જોઈને શ્રીરામ ઉભા થઇ કિલકિલાટ કરતા મને પકડવા દોડે છે,એટલે હું ભાગું છું,ત્યારે તે મને માલપુડો દેખાડે છે,અને જો હું તેમની નજીક જાઉં તો તેઓ ખુશ થાય અને ભાગી જાઉં તો રડે છે.હું તેમના પગને પકડવા જાઉં તો,એ ખીલ ખીલ કરતા હસે છે ને વળી મારી સામે જુએ છે.ને મને પકડવા આવે છે.આ જોઈ મને થયું કે-આ તો સામાન્ય માનવ-બાળક છે, પ્રભુ આવા ના હોય.

આ સાંભળી ગરુડે કહ્યું કે-ઓહ, તમને પણ એવું થયેલું?
કાક-ભુશુંડી કહે છે કે-એમાં નવાઈ પામવા જેવું કશું નથી,શ્રીરામ (ઈશ્વર) તો અખંડ જ્ઞાન-સ્વરૂપ છે,સ્વતંત્ર છે,પણ જીવ પરાધીન છે,માયાધીન છે,સત્યમાં તો,જીવ-ઈશ્વરનો આ ભેદ માયાએ કરેલો છે.
અને,જ્યાં સુધી એ તે (માયા) દૂર ના થાય ત્યાં સુધી તે (જીવ-ઈશ્વર નો ભેદ) રહે છે.
જીવ માયામાં બંધાય (ફસાય) જ છે.અને,લાખ ઉપાય કરો પણ શ્રીરામની (ઈશ્વરની) કૃપા વિના માયા હટતી નથી.જેમ,બધા પર્વતો મશાલની જેમ સળગે –પણ સૂર્યના ઉદય વગર રાત હટતી નથી,
તેમ,શ્રીરામની કૃપા વિના જીવ (મનુષ્ય) નો કલેશ હટતો નથી.

શ્રીરામને સામાન્ય માનવ-બાળ સમજી તેમના હાથની લાલ હથેળીઓ અને પગની લાલ-લાલ પાનીઓ 
જોઈ ને પણ મારું મન લોભાયું,પણ હવે શ્રીરામે મને પકડવા પોતાનો એક હાથ લાંબો કર્યો,
એટલે પકડાઈ જવાની બીકે હું ત્યાંથી નાઠો અને આકાશમાં ઉડવા લાગ્યો.પણ શ્રીરામનો લંબાયેલો હાથ 
મને મારી પાસે જ દેખાતો હતો,મેં ઉડી ઉડીને આખું આકાશ માથે કર્યું,તેમ છતાં તેમનો હાથ માત્ર 
બે આંગળ જ દૂર મને દેખાતો હતો.છેવટે હું થાક્યો અને મારી આંખો બંધ કરી દીધી.

પછી આંખો ઉઘાડીને જોઉં તો,હું અયોધ્યામાં હતો.મને જોઈ ને શ્રીરામ મોં ફાડીને હસવા લાગ્યા.
મને એમના મુખમાં અનંત બ્રહ્માંડોના દર્શન થયા,ને તે બ્રહ્માંડોમાં હું ઉતરી,જાણે ખોવાઈ ગયો.
મેં જોયું તો,એક નહિ,બે પાંચ નહિ પણ –અનંત બ્રહ્માંડમાં અસંખ્ય તારાઓ.ચંદ્ર,સૂરજ,પર્વતો,મહાસાગરો,
અગણિત દેવો,ઋષિ-મુનિઓ,બ્રહ્મા,શંકર-વગેરે ત્યાં દેખાયા.બે પળમાં અનેક કલ્પો જાણે વીતી ગયા.

હું ભાનમાં આવી જોઉં છું તો મને શ્રીરામની બાળલીલા દેખાય છે.મારી સમજમાં કશું આવતું નહોતું,
હું વ્યાકુળ થઇ ગયો,ને મને કંઈ ભાન રહ્યું નહિ.ને જમીન પર પડી ગયો.
પછી પ્રભુએ મને ખોળામાં લઇ મારા મસ્તક પર હાથ મુક્યો,ને તે જ ઘડીએ મારું બધું દુઃખ હરાઈ ગયું,
ને મેં અપૂર્વ આનંદનો અનુભવ કર્યો.પ્રભુની ભક્ત-વત્સલતા જોઈ મારી આંખમાંથી અશ્રુ આવ્યાં.


PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE