More Labels

Jun 27, 2019

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૨૨૦

શિવજી કહે છે કે-હે,પાર્વતી,કાક-ભુશુંડી એવી સરસ કથા કરે છે કે-મને પણ એકવાર એ કથા સાંભળવાનો લોભ થયો,ને હંસનું રૂપ ધારણ કરીને મેં પણ એ કથા સાંભળી,ભગવાન વિષ્ણુનો ગરુડ પણ એ કાકના મુખેથી કથા સાંભળી ધન્ય થઇ ગયો...!!
પાર્વતીજીને આ વાત સાંભળી ભારે આશ્ચર્ય થયું,તેમણે કહ્યું-કાગડો અને તે હરિભક્ત? નવાઈની વાત!!

હજારો મનુષ્યોમાં કોઈ એક ધર્માત્મા હોય છે,હજારો ધર્માત્મામાં કોઈ એક વૈરાગ્યવાન હોય છે,હજારો વૈરાગ્યવાનમાં કોઈ એક જ્ઞાનવાન હોય છે,હજારો જ્ઞાનવાનમાં કોઈ એક જીવનમુક્ત હોય છે.અને હજારો જીવનમુક્તમાં કોઈ એક બ્રહ્મલીન હોય છે,ને આવા બ્રહ્મલીનમાં યે દુર્લભ હરિ-ભક્ત (રામ-ભક્ત) હોય છે.
આવી વિરલ રામ-ભક્તિ એ કાગડો શી રીતે પામ્યો? અને ગરુડ તો સદા શ્રીહરિ પાસે રહેનારો,તો,
શ્રીહરિની કથા સાંભળવા,તેણે કાગડાની પાસે શું કામ જવું પડ્યું?

ત્યારે શિવજી કહે છે કે-યુદ્ધમાં એક વખત ઇન્દ્ર્જીતે શ્રીરામને નાગપાશથી બાંધ્યા હતા,ત્યારે ગરુડે દોડી જઈને એમને એ બંધનમાંથી મુક્ત કર્યા હતા.તે પછી ગરુડ ને થયું કે-પરમાત્મા રામ-રૂપે અવતરેલા કહેવાય છે પણ તે રામમાં મને કોઈ પ્રભાવ દેખાતો નથી.એક રાક્ષસ તેમને નાગપાશથી બાંધી શકે છે,અને 
એ નાગપાશમાંથી, મારી મદદ વગર એ છૂટી શકતા પણ નથી.

ગરુડે પોતાની આ શંકા નારદજીને કહી,નારદજી સમજી ગયા કે-હું એકવાર પ્રભુની માયામાં લપટાયેલો તેમ,આ ભાઈ,પણ લપટાયા છે.એટલે તેમણે હસી ને કહ્યું કે-જા,બ્રહ્માજીને પુછ.
બ્રહ્માજી એ ગરુડની વાત સાંભળી ને મનમાં ને મનમાં કહે છે કે-ભગવાનની માયા બહુ જબરી છે,એમાં હું પણ લપટાઉં છું તો બિચારા આ ગરુડનું તો શું ગજું? તેમને ગરુડની દયા આવી અને કહ્યું કે-શ્રીરામનો મહિમા મહાદેવજી જાણે,જા,તેમને જઈને પૂછ.

શિવજી કહે છે કે-તે પછી ગરુડ મારી પાસે આવ્યો,ત્યારે મેં તેને કહ્યું કે-તું હરિકથા સાંભળ,તેનાથી તારી 
શંકાનું સમાધાન તને મળી જશે.સત્સંગ વગર હરિકથા નથી,અને હરિકથા વગર મોહનાશ નથી.
માટે તું નિલગીરી પર્વત જા,ત્યાં,કાક-ભુશુંડી હરિકથા કરે છે,તેનો તું સત્સંગ કર ને હરિકથા સાંભળ,
એ તારી પંખી જાતિનો છે એટલે તને બરોબર સમજાવી શકશે.
ગરુડનો અહમ અહીં ફરી ટકરાયો ને કહે છે કે-હું,પંખીરાજ ગરુડ અને કાગડાને ગુરૂ કરું?
શિવજી કહે છે કે-એ સિવાય બીજો કશો ઉપાય નથી.

નિલગીરી પર્વત પર,ઝાડના નીચે,કાક-ભુશુંડી કથાનો આરંભ કરતા હતા,તે જ વખતે ગરુડજીએ જઈ તેમને વંદન કર્યા ને પ્રાર્થના કરી કે –મને રામ-કથા સંભળાવો.
કાક ભુશુંડીએ શ્રીરામના જન્મથી માંડીને તેમના રાજ્યાભિષેક સુધીની કથા એવી સુંદર રીતે કહી અને 
એમાં શ્રીરામાવતારની મર્યાદાઓ એટલી સરસ રીતે સમજાવી કે-કે ગરુડજીની બધી શંકાઓનું સમાધાન થઇ ગયું.અને શ્રીરામનો પૂર્ણ “ભાવ” સમજાયો,તે બોલી ઉઠયા કે-હવે મને હરિકથાનો મહિમા સમજાયો,

જે તડકાથી હેરાન થાય છે તેને જ વુક્ષની છાયાનું મહત્વ સમજાય છે.
ત્યારે કાકે કહ્યું કે-પ્રભુની માયાએ કોને આંધળા નથી કર્યા?તૃષ્ણાએ કોને પાગલ નથી બનાવ્યા? 
ક્રોધે કોનું હૃદય નથી બાળ્યું?લોભે કોની ફજેતી નથી કરી?લક્ષ્મીના મદે કોને ફાંકો નથી કર્યો?
સત્તાએ કોને બહેરો નથી કર્યો?યૌવનના તાપે કોને નથી બહેકાવ્યો? મમતાએ કોના જશનો નાશ નથી કર્યો?મત્સરે કોને કલંક નથી લગાડ્યું? મોહના વાવાઝોડાએ કોને નથી હચમચાવ્યો?ચિંતાની નાગણ કોને નથી ડંશી? ધનેષણા,પુત્રેષણા અને લોકેષણાએ કોની બુદ્ધિને મલિન નથી કરી?

આ બધી માયાની સેના છે,અને એણે સંસારને ચારે તરફથી ઘેરી લીધો છે,તેમ છતાં તે માયા પોતે તો,
શ્રીરામની દાસી છે,અને શ્રીરામના ઈશારે તે નાચે છે,ને જગતને નચાવે છે.
શ્રીરામની કૃપા થતા જ એ માયા છૂટી જાય છે.


PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE