More Labels

Aug 8, 2014

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૨૧૯

શ્રીરામ કહે છે –બધા શાસ્ત્રો કહે છે કે આ મનુષ્ય શરીર દેવોને પણ દુર્લભ છે.મહાભાગ્યથી તે મળે છે.આ શરીર એ મોક્ષ નું દ્વાર છે,માનવ શરીર ધારણ કર્યા પછી,જેણે એનો સદુપયોગ ના કર્યો,એ પરલોકમાં દુઃખ પામે છે ,ને તેને પાછળથી માથું પછાડી ને પસ્તાવા નો વારો આવે છે.

આ શરીર વિષય-ભોગ ભોગવવા માટે નથી મળ્યું.આ સંસાર ના ભોગો ક્ષણિક છે.દુઃખ ના દેનારા છે.
અરે,સ્વર્ગ ના ભોગો પણ ક્ષણિક અને અંતે તો,તે પણ, દુઃખો ને દેનારા જ છે.
એટલે મનુષ્ય શરીર મેળવી જે લોકો વિષય-ભોગમાં મન જોડે છે,તેઓ અમૃત ને બદલે વિષ લે છે.પારસમણિ ને છોડી ને જે ચણોઠી લે,તો તેને કોણ બુદ્ધિશાળી કહેશે?

સંસાર તો સાગર છે,ને મનુષ્ય નું શરીર એ સંસાર તરવા માટેના વહાણ જેવું છે.ને
મારી કૃપા (ઈશ્વરની કૃપા) એ--તે વહાણ નો અનુકૂળ પવન છે.
અત્યંત દુર્લભ ચીજ (માનવ-શરીર) આટલી સુલભ થવા છતાં,જો મનુષ્ય સંસાર-સાગર તરે નહિ તો,એના જેવો કૃતઘ્ન કોણ?એના જેવો આત્મ-ઘાતી કોણ?
માટે હે,નગરજનો,જો આ લોકમાં અને પરલોકમાં સુખ ઇચ્છતા હો તો મારાં આ વચન પર વિચાર કરજો.

પછી શ્રીરામે,જ્ઞાન અને ભક્તિ ની વાત કરતાં કહ્યું કે-
જ્ઞાન દુર્લભ છે,તેની પ્રાપ્તિ ઘણી કઠિન છે,ઘણાં કષ્ટે જ્ઞાન પ્રાપ્ત થાય,તો પણ ભક્તિ વગર તે નિરર્થક છે,ભક્તિ સ્વતંત્ર અને સર્વ સુખો ની ખાણ છે,અને સત્સંગ વગર મનુષ્ય ભક્તિ પામતો નથી.
આ સત્સંગ.પુણ્ય કર્યાં હોય તો જ પ્રાપ્ત થાય છે.
ભક્તિમાં જોઈએ માત્ર સરળ સ્વભાવ અને શ્રદ્ધા.
મનુષ્ય પોતાને ઈશ્વરનો ભક્ત કહેવડાવે અને બીજા કોઈ ની આશા કરે તો તેનો અર્થ એ થયો કે-
તેને ઈશ્વર પર જોઈએ એવી શ્રદ્ધા નથી.ભક્તિ માં શ્રદ્ધા નો અભાવ ચાલે જ નહિ.

શ્રીરામ કહે છે-કે-ટૂંકમાં કહું તો-જેને કોઈ સાથે વેર નથી,લડાઈ-ઝગડો  નથી,જે કોઈની આશા રાખતો નથી,જેને કોઈનો ભય નથી,તેને દશે દિશાઓ સદા સુખમય છે.
જે ફળ ની આશા સિવાય અનાસક્તપણે કર્મ કરનારો છે,જે ઘરની મમતા વગરનો (અનિકેત) છે,
જે અમાની છે,જે નિષ્પાપ છે,અક્રોધી છે,જેને સત્સંગ માં પ્રીતિ છે,જેને મન સ્વર્ગ અને મોક્ષ સુધીના તમામ પદાર્થો તરણા સમાન છે,જે મદ,મોહ અને મમતાથી રહિત છે,અને જે મત્પારાયણ છે-
તે જ ખરો સુખી છે અને તે જ પરમાનંદ ને પામે છે.

શ્રીરામના મુખેથી આ ઉપદેશ-વચનો સાંભળી સભાસદો અને નગરજનો પ્રસન્ન થઇ ગયા,અને,તેમણે
ગગન-ભેદી ઘોષ કર્યો “સિયાવર રામચંદ્ર કી જે”
બધા કહેવા લાગ્યા કે-હે શ્રીરામ,તમે જ આમારું તન,મન અને ધન છો.તમે જ અમારા માત-પિતા,
ગુરૂ અને ભાઈ છે.અને તમે અમને પ્રાણથી યે પ્રિય છો.

મુનિ વશિષ્ઠજી એ ઉભા થઇ ને કહ્યું કે-હે રામ,પુરોહિત થવું મને જરાયે પસંદ નથી,પુરોહિત થવું એ ઘણું
નિંદ્ય અને દૂષિત કર્મ છે.પણ બ્રહ્માજી ના અતિશય આગ્રહ થી મેં રઘુકુલ નું પુરોહિત-પણું સ્વીકાર્યું હતું.
પણ આજે મને હવે તેનો કોઈ રંજ નથી,કારણ કે યજ્ઞ,યાગ,વ્રત,દાન-વગેરે કશાથી યે ન મળે તેવું
ફળ આજે મને પ્રાપ્ત થયું છે.
જેમ,મેલ વડે મેલ ધોવાથી મેલ જતો નથી કે પાણી વલોવવાથી ઘી મળતું નથી,
તેમ બીજા લાખ ઉપાય કરે તો પણ અંતરનો મળ દૂર થતો નથી,એ તો માત્ર પ્રેમ-ભક્તિ થી જ થાય છે.

હે,પ્રભુ,હું આપની પાસે એટલું જ માંગુ કે-આપનાં ચરણ-કમળમાં મારો પ્રેમ જન્મ-જન્માંતરે પણ ઓછો થાય નહિ,એવો મને વર આપો.

ભગવાન શંકર પાર્વતી જી ને રામ-કથા સંભળાવતાં કહે છે કે-
હે પાર્વતી,શ્રીરામ અનંત છે,તેમના ગુણો અનંત છે,તેમના જન્મ,કર્મ અને નામ પણ અનંત છે,જળ ના કણો અને પૃથ્વી ના રજકણો ગણી શકાશે પણ રઘુપતિ ના ચરિત નો મહિમા ગાતાં,તેનો પાર નહિ આવે.

પાર્વતી જી પણ અત્યંત પ્રેમ-પૂર્વક રામકથા સાંભળી રહ્યાં છે.
ત્યારે શ્રીશંકરે –કથા પુરી કરતાં કહ્યું કે-હે પાર્વતી,પંખીઓમાં પણ શ્રીરામકથા ખૂબ પ્રિય છે.
ભુશુંડી નામે એક કાક (કાગડો) શ્રીરામ-કથાના પૂર્ણ-પ્રેમી છે.સુમેરુ પર્વતની ઉત્તરે,નીલગીરી ના શિખર પર તે કાક-ભુશુંડી રહે છે.ને એક પીપળા ના ઝાડ નીચે બેસી રામ-નામ નો જપ ને ધ્યાન કરે છે.
એના મુખથી રામ-કથા સાંભળવા ઘણાં પંખીઓ આવે છે,તળાવના હંસો પણ કાન માંડી તે સાંભળે છે.PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE