More Labels

Jun 25, 2019

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૨૧૮

દુષ્ટોના દિલમાં ઈર્ષાની આગ હોય છે,પારકી સંપત્તિ જોઈને એ આગ ભભૂકે છે,
પોતે પારકાની નિંદા કરે છે અને પારકી નિંદા થતી હોય તો તેમને તે સાંભળવી ગમે છે.તે દુષ્ટોને કોઈની સાથે વેર બાંધવા કોઈ કારણની જરૂર નથી પડતી,વગર કારણે તેઓ વેર બાંધે છે.સજ્જન ગમે તેટલી ભલાઈ કરે પણ દુર્જન તો બુરાઈ જ કરવાનો.દુષ્ટોનું લેવાનું જુઠ્ઠું,દેવાનું જુઠ્ઠું,ને તેમનું ભોજન પણ જુઠ્ઠું.”ઝૂઠઈ લેના,ઝૂઠઈ દેના, ઝૂઠઈ ભોજન” 


દુષ્ટો ઉપર- ઉપરથી મીઠું બોલે છે પણ તેમના હૃદયમાં હળાહળ ઝેર હોય છે.
પારકી વસ્તુ પડાવી લેવામાં જ તેમનું મન રહે છે,અતિ-લોભ જ એમનું ઓઢણ અને પાથરણ છે.
કોકનું સારું સાંભળી તેમને ટાઢ ચડી જાય છે ને કોઈ ને મુસીબતમાં જોઈ તેમને સુખ થાય છે.
ઉધઈ જેમ લાકડાને કોરી ખાય છે તેમ, તે દુષ્ટો પોતાના કુળને કોરી ખાઈને કુળનો નાશ કરે છે.
તેઓ માતા,પિતા,ગુરૂ કે બ્રાહ્મણ કોઈને માનતા નથી,દુનિયામાં માત્ર પોતે જ હોશિયાર છે તેમ સમજીને
છેવટે તો તેઓ, પોતાનો નાશ કરે છે,સાથે સાથે સાથે બીજાઓનો પણ નાશ કરે છે.

સંત અને અસંત વિશે ટૂંકમાં જો કહેવું હોય તો-એમ કહી શકાય કે-બીજાને સુખી કરે તે સંત,અને 
બીજાને દુઃખી કરે તે અસંત.જગતમાં પરોપકાર સમાન પુણ્ય નથી અને પરપીડન સમાન પાપ નથી.
ભરત,લક્ષ્મણ,શત્રુઘ્ન અને હનુમાનજી –એક ચિત્તે શ્રીરામની વાણી સાંભળી રહ્યા હતા.
દુષ્ટો નું વર્ણન સાંભળી ભરતજી કહે છે કે-આવા દુષ્ટો હોય તો સંસારમાં તેમની શી ગતિ થતી હશે? 

શ્રીરામે કહ્યું કે-હે,ભાઈ,મનુષ્ય શરીર ધરી જે લોકો બીજાને દુઃખ દે છે,તે જન્મ મરણની ચક્કીમાં પિસાયા
જ કરે છે.તેવાઓનો હું (ઈશ્વર) કાળ છું,હું વારંવાર તેમને અસુરયોનિમાં જ નાખું છું.પરિણામે જન્મે જન્મે તેઓ વધારે અધમ ગતિ ને પામે છે.સંતોનાં સત્કર્મ અને દુષ્ટોનાં દુષ્કર્મો-ના ફળ આપનારો હું છું.

મારે એક બીજી વાત પણ અહીં કહેવી છે કે-સત્કર્મ કરનાર શાણો ખરો,પણ,હું તેને ચતુર ગણતો નથી.સત્કર્મો પણ ધણી વખત બંધનરૂપ બને છે.તેથી ચતુર અને હોંશિયાર પુરુષ શુભ-અશુભ ફળ આપનારાં કર્મોથી દૂર રહે છે.તે જાણી લે છે કે-ગુણ અને દોષ સાચાં નથી,પણ માયાના રચેલા છે.
વળી ગુણ અને દોષ એ અલગ ચીજ નથી પણ એક જ છે,માયાને લીધે તે બે દેખાય છે.
તેથી સમજદાર-અને ડાહ્યો મનુષ્ય બંનેને (ગુણ અને દોષને) એક જ સમજી એ બંનેથી દૂર રહે છે.
એ નથી ગુણની સામે જોતો કે નથી દુર્ગુણની સામે જોતો.

ગુણ-દુર્ગુણ ને જોવા નહિ, શુભ-અશુભ ફળ આપનારાં કર્મોનો ત્યાગ કરવો,અને નિષ્કામ બનવું એનું નામ-“વિવેક” અને એ સિવાય નું બાકી બધું તે “અવિવેક”
વિવેક મનુષ્ય ને મુક્ત કરે છે ને અવિવેક મનુષ્ય ને બાંધે છે.
શ્રીરામ ની સંત-અસંતની સમજાવટ સાંભળી, સૌ ભરત,લક્ષ્મણ,શત્રુઘ્ન અને હનુમાનજીને આનંદ થયો.

શ્રીરામના દરબારમાં પણ ઘણીવાર જ્ઞાન ચર્ચા થતી.શ્રીરામનો દરબાર બ્રહ્મ-જિજ્ઞાસુઓ અને બ્રહ્મ-નિષ્ઠ મનુષ્યોની સભા જેવો હતો,ઘણીવાર,ઋષિ-મુનિઓ,બ્રાહ્મણો,કે નાગરિકો-શ્રીરામની સામે કોઈ પ્રશ્ન ઉપસ્થિત કરતા,અને શ્રીરામ એ વિશે માર્ગદર્શન આપતા.
આવી રીતે એકવાર દરબાર ભરાયો હતો,કે જેમાં વશિષ્ઠ અને બીજા ઘણા ઋષિ-મુનિઓ હાજર હતા.
બ્રાહ્મણો ને નગરજનોની મોટી ભીડ થઇ હતી,તે જોઈ,શ્રીરામે નગરવાસીઓ ને કહ્યું કે-
હે,નગરવાસીઓ,મારી વાત સાંભળો,હું આજ્ઞા કરીને કંઈ કહેતો નથી,માટે મનમાં કોઈ પણ જાતનો સંકોચરાખ્યા વગર મારી વાત સાંભળજો,ને જો એ સાચી લાગે તો તે પ્રમાણે વર્તજો,અને જો હું કંઈ ખોટું કહેતો હોઉં તો બેલાશક મને અટકાવજો.


PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE