More Labels

Aug 6, 2014

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૨૧૭

નિર્વિશિષ્ટ (નિરાકાર) બ્રહ્મ ની કોઈ પૂજા કરી શકતું નથી,
પૂજા તો “શક્તિ-વિશિષ્ઠ” (સાકાર) બ્રહ્મ ની જ થાય છે.
મહાત્માઓ કહે છે કે-પાણીમાં રહેલા માછલા ને પાણી ની ઠંડક મળે છે,પણ તેને પાણી પીવા,પાણી ની બહાર આવવું પડે છે,પાણી માં રહેવા છતાં માછલી “પ્યાસી” રહે છે,
એમ (નિરાકાર) બ્રહ્મ-રસ માં મગ્ન બનેલા મહાત્માઓની
હાલત “પાનીમેં મીન (માછલી) પિયાસી” જેવી છે.તેમને અગાધ શાંતિ મળે છે પણ આનંદ મેળવવા માટે બ્રહ્મ-રસમાં થી બહાર નીકળી ભક્તિરસ માં આવવું પડે છે.ભક્તિરસ પીવો પડે છે.

જ્ઞાની જો ભક્તિ ને હસી કાઢે તો તે ભક્તિને નહિ પણ પોતાના જ્ઞાન ને જ હસે છે.
કારણકે જ્યાં સુધી દેહ-દશા નું ભાન રહે ત્યાં સુધી જ્ઞાની પણ જો ભક્તિને છોડે તો,તેનું પતન થાય છે.
ભક્તિ ના ટેકા વગર જ્ઞાન-એ અભિમાન બની જાય છે,તેવી જ રીતે
જ્ઞાન ના ટેકા વગર ભક્તિ સંકુચિત થઇ જાય છે,
પરમાનંદ માટે- જ્ઞાન,ભક્તિ સાથે વૈરાગ્ય પણ એટલો જ આવશ્યક છે.

રામરાજ્યમાં ચારે ભાઈઓ હળી-મળીને રહેતા હતા,સાથે જમતા અને સાથે જ સર્વ કાર્ય કરતા.
છેલ્લા ઘણા વખત થી ત્રણે ભાઈઓના મનમાં કંઈક પ્રશ્નો ઉઠતા,અને શ્રીરામજી ને તે પ્રશ્નો પૂછવાનું
મન તેમને થયા કરતું,પણ તેઓ પૂછી શકતા નહોતા.
એક વખત બધા સાથે બેઠા હતા ત્યારે સર્વે ભાઈઓ એ હનુમાનજીની સામે જોયું ને ઈશારાથી હનુમાનજી ને કહ્યું કે-“અમારા વતી તમે જ એ પ્રશ્ન પૂછો.” હનુમાનજી સર્વ નું હૃદય બની ગયા હતા,
શ્રીરામે હનુમાનજી સામે જોયું અને તે સમજી ગયા કે-તે કંઈક પૂછવા માગે છે.
તેથી તેમણે જ હનુમાનજી ને પૂછ્યું કે-હનુમાન શું છે?

હનુમાનજી એ હાથ જોડી કહ્યું કે-પ્રભુ,ભરતજી કંઈક પૂછવા માગે છે,પણ પૂછી શકતા નથી.
શ્રીરામે કહ્યું કે-ભરતમાં ને મારામાં કંઈ જુદાઈ નથી. “ભરત હિ મોહિ કછુ અંતર કાહુ?”
ભરતજી માં હવે હિંમત આવી ને તેમણે પૂછી નાખ્યું કે-
હે,પ્રભુ,સંત કોને કહેવો?  ને અસંત કોને કહેવો? તેની હજુ મારા મનમાં પુરી ગડ (સમજ) પડતી નથી,
માટે આપ, જ એ સમજાવો.

ભરતજી નું જીવન એવું સરળ અને નિર્દોષ છે કે-એમને જગતમાં કંઈ અનિષ્ટ હોઈ શકે,કોઈ અસત્ હોઈ શકે,એવો ખ્યાલ જ આવતો નથી,તો પછી તે સંત કે અસંત ને ઓળખે કેવી રીતે?
એમને તો બધાય સંત લાગે છે,એટલે જ શ્રીરામને પૂછે છે કે-અસંત ને ઓળખવો કઈ રીતે?

ત્યારે શ્રીરામ તેમણે સંતો નાં લક્ષણો જણાવે છે ને કહે છે કે-ભાઈ,સંત એ ચંદન જેવા, અને અસંત, કુહાડી જેવા છે,કુહાડીનો સ્વભાવ કાપવાનો છે,તે ચંદન ને કાપે છે,જયારે ચંદન નો સ્વભાવ સુવાસિત કરવાનો છે,તે પોતાને કાપનાર કુહાડીને પણ સુવાસિત કરે છે.
ચંદનનો આવો ગુણ છે એટલે તે દેવો ના તિલક માં વપરાય છે,દેવો ને માથે ચડે છે,ને પ્રિય થઇ પડે છે,જયારે કુહાડી કાપે છે તો તેના પાના ને શિક્ષા મળે છે,તેને અગ્નિમાં તપાવી ને ટીપવામાં આવે છે.

બીજાઓના દુઃખ જોઈને સંતોને દુઃખ થાય છે,ને બીજાઓના સુખ જોઈ ને તે સુખી થાય છે.
સંતો સદા,સર્વત્ર,સર્વમાં સમ-ભાવ રાખે છે.તેમણે કોઈ શત્રુ નથી,કોઈ મિત્ર નથી,
તેમને નથી લોભ,ક્રોધ,મદ કે ભય.તેમનાં ચિત્ત બહુ કોમળ હોય છે,તેઓ દીન પર દયા કરે છે,ને
સર્વ ને માન આપે છે,પણ પોતે માન લેતા નથી.તેમને કોઈ કામના નથી,
વળી - સ્વભાવે,તેઓ, શીતળ,સરળ,નમ્ર અને પ્રસન્ન હોય છે.

સંતો નિંદા-સ્તુતિ ને સમાન ગણે છે,કોઈ એમની સ્તુતિ કરે તો તે ખુશ થતા નથી,અને નિંદા કરે તો નાખુશ થતા નથી.જે મળ્યું છે તેનાથી તેમને સંતોષ છે,આ કેમ મળ્યું?ને પેલું કેમ ન મળ્યું?
એવો પ્રશ્ન જ તેમના મનમાં ઉઠતો નથી.

હે,ભરત,આ થઇ સજ્જનો ની વાત,હવે દુર્જનો લક્ષણો વિશે સાંભળ.
હરાયું (રખડી ખાતું) ઢોર,સારા ઢોર ને બગાડે,તેમ દુર્જનો નો સંગ સજ્જનોને પણ અસરકારક હોય છે.PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE