Mar 6, 2022

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૨૧૬

વનમાં જવાની વાત પર જો શ્રીરામે જનતાના મત લીધા હોત તો –
મંથરા ને કૈકેયી ના બે મત સિવાયના બધા મત તેમને ગાદીએ બેસવાના મળત!!
પણ સાચે તો -રામરાજ્યમાં –એ બે મત પણ વિરુદ્ધમાં ના હોવા જોઈએ.
અરે,માનો કે-સર્વ સંમતિ હોય,ને કદાચ કૈકેયીને મંથરા કહે કે –રામ તમે ગાદી પર બેસો,
તો યે રામરાજ્ય ન થાય..!! રામ રાજ્યમાં કોઈ સત્તાના સ્વામી નથી.
રામરાજ્ય કોઈ વ્યક્તિની ભલાઈ કે બુરાઈ પર આધાર રાખતું નથી,પણ રામ-રાજ્ય એ “ધર્મ” નું રાજ્ય છે.”ત્યાગ” નું રાજ્ય છે.બીજાનું દુઃખ પોતાને માથે ઉપાડી લઇને પોતાનું સુખ વહેંચવાનું રાજ્ય છે.

શ્રીરામ પોતે સિંહાસન (રાજ્ય) પાસે જતા નથી પણ સિંહાસન (રાજ્ય) તેમની પાસે આવે છે.
શ્રીરામ કહે છે કે-ભરતનું નામ મારા કરતાં પણ વધારે કલ્યાણકારી છે,ભરત મૂર્તિમાન “પ્રેમ” છે.અને પ્રેમથી મનુષ્યના હૃદયનું પરિવર્તન થઇ શકે છે.અને મનુષ્યોના હૃદય-પરિવર્તન વગર રામરાજ્ય થતું નથી.
એકલા શ્રીરામ,રામરાજ્ય બનાવી શકતા નથી,સાથે ભરત (ભરતનો પ્રેમ) જોઈએ.ઈશ્વર અને પ્રેમ –એ બેનું મિલન થાય ત્યારે રામરાજ્ય સ્થપાય.ભરત પોતાના,પ્રેમ-મય અને ત્યાગના જીવન દ્વારા રામ-નીતિને સમાજમાં પ્રત્યક્ષ કરે છે,અને લોકોના હૃદયનું પરિવર્તન કરે છે,ત્યારે રામરાજ્ય થાય છે.

રામરાજ્યમાં પશુ-પંખીઓ પણ વેર-ભાવ ભૂલી ગયા હતાં.વનમાં પશુઓ નિર્ભય થઈને ફરતાં.
બધાં અરણ્યો-એ અભયારણ્યો બની ગયા હતાં.વૃક્ષો ફળથી લચી પડતાં હતાં,પક્ષીઓ મધુર કલરવ 
કરતાં હતાં ને શીતલ,મંદ અને સુગંધી પવન વાતો હતો.(શુદ્ધ પર્યાવરણ!!) 
રામરાજ્યમાં ધરતી ધાન્યથી ભરપૂર હતી,માંગ્યા મેહ વરસતા,નદી-સરોવરો નિર્મળ જળથી છલકાતાં 
રહેતાં,પર્વતો હીરા-માણેકની ખાણો પ્રગટ કરતા,સમુદ્ર રત્નો ઠાલવતો,ચંદ્ર અમૃતમય કિરણોથી 
પૃથ્વીનેપ્રસન્ન રાખતો અને સૂર્ય જરૂર જેટલો જ તપતો!!

રામરાજ્યમાં કોઈ દુઃખી નહોતું,પણ બે જણા પોતાના ધંધા માટે પસ્તાતા હતા-વૈદ્યો ને વકીલો.
લોકો માંદા પડતા નહોતા અને મરવા-કાળે, બહુ સંતોષથી,સુખથી,શાંતિથી પ્રાણ ત્યજતા હતા,
તેથી વૈદ્યોની તેમને બહુ ગરજ નહોતી.કે વૈદ્યોની જરૂર નહોતી.
તેવું જ વકીલોનું હતું,લોકો ન્યાય-નીતિથી ચાલતા હતા,એટલે કજિયા થતા જ નહોતા.
આથી જ રામરાજ્યમાં વૈદ્ય ને વકીલોનો ધંધો હલકો ગણાતો હતો.

પૃથ્વી પર ચોમેર શ્રીરામનો યશ ફેલાયો હતો,શ્રીરામનું નામ સાંભળતાં જ લોકો તેમને પગે લાગતા હતા,ને શ્રીરામના જ ગુણ ગાતા. પૃથ્વી પર આવો યુગ કદી આવ્યો નહોતો.
શ્રીરામ સર્વમાં રહેલા છે,ને તે સર્વને આનંદ આપે છે,આખી સૃષ્ટિ રામની કીર્તિ-રૂપ છે.
સુખ,માન સંયોગ વગેરે શબ્દોના વિરોધી શબ્દો-જેમકે-દુઃખ,અપમાન,વિયોગ-વગેરે જોવા મળે છે,
પણ જગતમાં એક “આનંદ” એ શબ્દ એવો છે કે-જેનો કોઈ વિરોધી શબ્દ જોવા મળતો નથી.
કારણ કે આનંદ એ પરમાત્માનું સ્વરૂપ છે.


જગતને આનંદ શ્રીરામ આપે છે,અને શ્રીરામને આનંદ સીતાજી આપે છે.
સીતાજી એ કોઈ સ્ત્રી નથી પણ આહ્લાદિકા-“શક્તિ” છે.
જેમ સૂર્ય અને સૂર્ય-પ્રકાશ અભિન્ન છે તેમ શ્રીરામ અને સીતા અભિન્ન છે.
પરમાત્માની “દયા” અને કૃપા”-ની શક્તિ” નું જ બીજું નામ સીતાજી છે.


PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE