More Labels

Jul 2, 2019

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૨૨૫

કાકભુશુંડી પોતાના જન્મોનું વર્ણન કરતાં ગરુડજીને કહે છે કે-એક દિવસ હું મંદિરમાં શિવજીના મંત્ર જપતો હતો,તેવામાં મારા ગુરૂ આવ્યા,પણ તેમના પ્રત્યે મારા મનમાં રોષ હોવાને લીધે મેં તેમને બોલાવ્યા નહિ કે પ્રણામ પણ ના કર્યા.ગુરૂ તો દયાળુ હતા,તેમના દિલમાં રાગ-દ્વેષ હતો નહિ,તે કંઈ બોલ્યા નહિ પણ શિવજીથી સહન ના થયું.તે જ વખતે આકાશવાણી થઇ કે-હે,મૂર્ખ,તુ અહમને વશ થઇ ગુરુને માન આપતો નથી અને અજગરની જેમ બેસી રહે છે,તો તું અજગર થઇ પડ.


ભયંકર શાપ સાંભળી મારા ગુરુએ એકદમ હાથ જોડી રુદ્રાષ્ટક ગાઈ શંકરને પ્રાર્થના કરી,કે જેથી શિવજી પ્રસન્ન થયા,ને મોલ્યા –હે બ્રાહ્મણ વરદાન માંગ. મારા ગુરૂએ કહ્યું કે- મારા શિષ્ય પર કૃપા કરો.
ત્યારે શિવજીએ કહ્યું કે-તારા આ શિષ્યને –મરતી વખતે જે અસહ્ય દુઃખ થાય છે તે થશે નહિ,અનેદરેક જન્મમાં તેને પૂર્વજન્મ નું જ્ઞાન કાયમ રહેશે.
પછી શિવજીએ મને કહ્યું કે-“હરિ (વિષ્ણુ) અને હર (શિવજી) માં ભેદ રાખતો નહિ,સંત-બ્રાહ્મણનું અપમાન કરતો નહિ,જા તારો ઉદ્ધાર થશે” આમ ગુરૂ-કૃપાને લીધે મારા પર પ્રભુ-કૃપા ઉતરી.

પછી,હું વિંધ્યાચળમાં સર્પ થઈને જન્મ્યો,ને સર્પનું ખોળિયું છોડવાનો સમય આવ્યો ત્યારે હું તેને વિના કષ્ટે છોડી શક્યો. અને આ રીતે મેં ઘણાં શરીર ધારણ કર્યાં ને છોડ્યાં પણ મારું જ્ઞાન ગયું નહિ,પશુ-પંખી કે મનુષ્યના શરીરમાં પણ હું શ્રીહરિનું નામ-સ્મરણ ચાલુ જ રાખતો.છેવટે મને બ્રાહ્મણનું શરીર મળ્યું,મેં નક્કી કર્યું કે હવે છેતરાવું નથી,તેથી મેં ઋષિ-મુનિઓના આશ્રમમાં ફરી સત્સંગ કરવા માંડ્યો.મારું મન હવે શ્રીરામના ચરણોમાં લાગ્યું હતું.

એકવાર હું સુમેરુ પર્વત પર આવ્યો,ત્યાં મને લોમશમુનિનાં દર્શન થયાં.તેમના ચરણમાં માથું મૂકી મેં પ્રાર્થના કરી કે-મને સગુણ બ્રહ્મનું સ્વ-રૂપ સમજાવો.ત્યારે તેમણે મને સગુણ-બ્રહ્મ શ્રીરામના ગુણોની કેટલીક વાતો કહી,અને પછી મને અધિકારી સમજી,નિર્ગુણ બ્રહ્મનો ઉપદેશ કહેવા માંડ્યો. અનેક રીતે વર્ણન કર્યા છતાં મારા મગજમાં નિર્ગુણ બ્રહ્મ વિશે કશું ઉતર્યું નહિ,એટલે મેં કહ્યું કે-પ્રભુ,મને સગુણ બ્રહ્મની ઉપાસના વિશે કહો.મારું મન કેવળ રામ-ભક્તિમાં જ રમે છે,મને શ્રીરામનાં દર્શન કરાવો.તે પછી હું તમારો નિર્ગુણ બ્રહ્મનો ઉપદેશ સાંભળીશ.મારી હઠ જોઈને મુનિએ કહ્યું કે-હે,વત્સ,નિર્ગુણ બ્રહ્મનું જ્ઞાન એ જ સગુણ બ્રહ્મનું જ્ઞાન છે.

છતાં મારા મનમાં એવી,દૃઢ-હરિભક્તિ હતી,કે મેં સામું સગુણ બ્રહ્મનું પ્રતિપાદન કર્યું,અને ભક્તિના આવેશમાં મુનિવરની આગળ રાખવો જોઈતો વિનય ભૂલી ગયો.ફરીથી લોમશમુનિએ મને નિર્ગુણ બ્રહ્મ વિશે સમજાવવાનો પ્રયત્ન કર્યો,મુનિ નિર્ગુણ બ્રહ્મ પર અડગ હતા,અને હું ભક્તિમાર્ગ પર અડગ હતો.મેં સામી દલીલો ઝીંકવા માંડી,ને મુનિની વાત હું કાને ધરતો નહોતો.
વારંવાર આવું થયું એટલે -જેમ અતિ-ઘર્ષણ થાય તો ચંદનના લાકડામાંથી પણ અગ્નિ પ્રગટે છે,
તેમ કદી પણ ક્રોધ નહિ કરનારા મુનિને પણ ક્રોધ ચડ્યો,અને મુનિએ કહ્યું કે-
હે મૂઢ,મારાં સત્ય વચન પર તું વિશ્વાસ ના કરતાં સામો દુરાગ્રહ કરે છે,તો તું કાગડો થા.

હું તરત કાગડો થયો ને મુનિનો શાપ મેં આનંદ-પૂર્વક માથે ચડાવ્યો.ને મુનિનાં ચરણમાં મેં માથું નમાવ્યું.
શ્રીરામની ભક્તિ ખાતર હું ગમે તે સહેવા તૈયાર હતો.મારું ધૈર્ય અને વિનમ્રતા જોઈ લોમેશ-મુનિને હવે પસ્તાવો થવા લાગ્યો.તેથી તેમણે પાસે બેસાડી મને રામ-મંત્ર આપ્યો અને બાળ-સ્વરૂપ શ્રીરામચંદ્રનું કેવી રીતે ધ્યાન કરવું તે બતાવ્યું.તે પછી અતિ-સ્નેહથી તેમણે મને રામ-કથા સંભળાવી.રામ-કથા સાંભળી મને અપાર આનંદ થયો.મુનિએ મને આશીર્વાદ આપ્યા કે-તું શ્રીરામને પ્રિય થા,તને સ્વેચ્છા-મૃત્યુ પ્રાપ્ત થાઓ,તું ઇચ્છાનુસાર રૂપ ધરનાર થાઓ,તને કોઈ દુઃખ ના થાઓ,ને તું જે વખતે જે ઈચ્છા કરે તે શ્રીહરિની દયાથી પાર પડો.તે જ વખતે આકાશવાણી થઇ કે-હે,મુનિવર,તમારું વચન સત્ય થાઓ,કાક મન,વચન,કર્મથી મારો ભક્ત છે.મારા આનંદનો પાર ના રહ્યો,મેં ફરીફરી મુનિવરના ચરણમાં મસ્તક નમાવ્યું.

શ્રીરામની કૃપાથી આવું દુર્લભ વરદાન પ્રાપ્ત કરીને હું આ આશ્રમમાં અહીં આવીને રહ્યો.
અહીં રોજ રઘુનાથના ગુણ ગાઉં છું ને ગવડાવું છું. મને મારા આ કાક-શરીર પ્રત્યે ઘણો ભાવ છે,
કારણકે જે શરીરથી મને શ્રીરામચરણમાં પ્રેમ થયો ને શ્રીરામની કૃપા થઇ દર્શન થયાં,તે શરીર છોડવાનું મને મન જ થતું નથી,હું કાક છું ને કાક જ રહેવા માગું છું.હઠ કરી ભક્તિમાર્ગ પર અડગ રહ્યો તો લોમશમુનિએ કાક બનાવ્યો ને દુર્લભ વરદાન પામ્યો.ભક્તિ નો આવો મહિમા છે,અને આવો ભક્તિનો મહિમા જાણ્યા પછી પણ જે લોક તેને સેવતા નથી,તે મૂર્ખ છે,અને કામધેનું પાસે દૂધ માગવાને બદલે આકડા પાસે દૂધ માગે છે.PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE