Mar 4, 2022

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૨૧૪

વૈશાખ સુદ પાંચમના દિવસે શ્રીરામે અયોધ્યામાં પુનઃપ્રવેશ કર્યો,અને સાતમના દિવસે અયોધ્યાના રાજસિંહાસન પર તેમનો રાજ્યાભિષેક થયો.
સૌ પ્રથમ શ્રીરામે ભરત અને લક્ષ્મણની જટા ઉતારી અને ત્રણે ભાઈઓને પોતાના હાથે સ્નાન કરાવ્યાં.અને પછી પોતે પણ જટા ઉતારી સ્નાન કર્યું.પોતે ભાઈઓની સેવા કરે છે પણ ભાઈઓની સેવા લીધી નહિ.શ્રીરામ કહે છે કે-રાજાથી સેવા કરાય,સેવા લેવાય નહી. શ્રીરામ આવા ઉચ્ચ આદર્શ સાથે શરૂઆત કરે છે!!

સ્નાન પછી શ્રીરામને, શત્રુઘ્ને શણગાર્યા,અને સીતાજીને, કૈકેયીએ શણગાર્યા.વશિષ્ઠમુનિએ શ્રીરામ અને સીતાજીને રાજ-સિંહાસન પર બેસાડ્યા.સીતાજી,શ્રીરામની ડાબી બાજુએ,વિષ્ણુની પડખે લક્ષ્મી શોભે તેમ શોભી રહ્યાં.સૌ પ્રથમ વશિષ્ઠમુનિએ શ્રીરામને રાજ તિલક કર્યું,ને તેમના મસ્તક પર ઇક્ષ્વાકુવંશનો રાજમુગટ મુક્યો.ચારેકોર “સિયાવર રામચંદ્ર કી જે” નો ઘોષ ગાજી રહ્યો.

પછી સર્વ ઋષિ-મુનિઓ અને બ્રાહ્મણોએ વિધિ કર્યો.કૌશલ્યા અને માતાઓએ હર્ષથી સીતારામની આરતી ઉતારી,આકાશમાં ગંધર્વો ગીત ગાવા લાગ્યા,ને દેવો પુષ્પ વરસાવવા લાગ્યા,દુંદુભિ-નગારાં વાગ્યાં,
ભરતજી છત્ર ધરી ઉભા રહ્યા,લક્ષ્મણજી ચમાર ઢોળવા લાગ્યા,ને શત્રુઘ્ન પંખો નાખવા લાગ્યા.
હનુમાનજી ચરણ આગળ બેસી ગયા.તુલસીદાસજી કહે છે કે-આ શોભા અને સુખનું કોઈ વર્ણન કરી શકે તેમ નથી.એનો રસ અને આનંદ તો,કેવળ એક શિવજી જ જાણે છે.-“સો રસ જાન મહેશ”

રાજ્યાભિષેક પ્રસંગે,બ્રાહ્મણોને,યાચકોને,દીન-દરિદ્રને પુષ્કળ ધન આપવામાં આવ્યું,
યાચકો –અયાચક (ફરી માંગવું ના પડે તેવા) બની ગયા તો દીન-દરિદ્ર, શ્રીમંત બની ગયા.
શ્રીરામે અંગદ,સુગ્રીવ વગેરેને મહામુલી ભેટો આપી.અને સીતાજીને પણ એક મણિ-મુકતાનો હાર પહેરાવ્યો,સીતાજીએ તે હાર પોતાની ડોકમાંથી કાઢીને સભા પ્રતિ જોઈ રહ્યા છે,ત્યારે શ્રીરામ તેમના 
મનનો ભાવ સમજી ગયા અને કહ્યું કે-તમે જેના પર પ્રસન્ન હો.તેને આ હાર ખુશીથી આપો.

આ સાંભળી,સીતાજીની પ્રસન્નતાનો પાર ના રહ્યો,ને તેમણે તે હાર,રામજી ચરણ આગળ બેઠેલા,
હનુમાનજીની ડોકમાં પહેરાવી દીધો.આખી સભામાં જયજયકાર થઇ રહ્યો.
શ્રીરામના રાજયાભિષેક સાથે જાણે હનુમાનજીનો પદાભિષેક થઇ ગયો..!
શ્રીરામની સાથે હનુમાનજીનો જય પણ ગાજી રહ્યો.

એક એવી કથા છે કે-જયારે સીતાજીએ હનુમાનજીને હાર પહેરાવ્યો,ત્યારે હનુમાનજી એ હારને 
ફેરવી ફેરવીને જોઈ રહ્યા,પછી હારના એક એક મોતીને દાંતથી તોડી-તોડીને જોઈ ને ફેંકી દેવા લાગ્યા.
ત્યારે શ્રીરામે એ જોઈ પૂછ્યું કે-અરે આ શું કરો છો? હનુમાનજી કહે છે કે-હું તો જોઉં છું કે 
આમાં મારા રામ ક્યાં છે?જેમાં મારા રામ ના હોય તેની મારે મન કોઈ કિંમત નથી.એ ચીજ મારા કામની નહિ.

આ સાંભળી શ્રીરામ એકદમ સિંહાસન પરથી ઉભા થઈને હનુમાનજીને ભેટી પડ્યા.ને બોલ્યા કે-
હે.કપિવર,જ્યાં સુધી જગત રહેશે,ત્યાં સુધી પૃથ્વી પર મારી કથા રહેશે,અને જ્યાં સુધી મારી કથા રહેશે,ત્યાં સુધી તમારી કીર્તિ અને તમારા “પ્રાણ” રહેશે. તમે અજર-અમર થશો.તમે મારા પર અસંખ્ય ઉપકારો કર્યા છે,તેમાંના એક એક ઉપકારના બદલામાં હું મારા પ્રાણ દઉં તો પણ,તમારું ઋણ વાળી શકાય તેમ નથી,તો બધા ઉપકારોનું ઋણ કેવી રીતે વાળી શકું?પ્રતિ-ઉપકારથી ઋણ વળે છે,પણ હું તો,તમારો ઋણી જ રહીશ.
તમારું ઋણ પ્રતિ-ઉપકાર થી વળે તેવું નથી.સભામાં ફરીથી જયજયકાર વ્યાપી રહ્યો.



PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE