Aug 21, 2014

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-૫

(૫) રામના વૈરાગ્ય નું વર્ણન
વાલ્મીકિ બોલ્યા-આ સમયે રામની પોણા-સોળ વર્ષ ની અવસ્થા થઇ હતી.
રામે થોડો સમય તો આનંદ માં ગુજાર્યો,પણ પછી,શરદ ઋતુમાં જેમ નિર્મળ તળાવ,દિવસે દિવસે,
સુકાઈ જાય છે,તેમ તે સુકાવા લાગ્યા.વિશાળ લોચન (આંખો) વાળું,શ્વેત મુખ પણ ફિક્કું પાડવા લાગ્યું.
રામ,ચિંતામાં પરવશ થઇ રહ્યા અને પદ્માસન વાળી,ગાલ પર હાથ મૂકી બેસી રહેવા લાગ્યા, સઘળાં કામો મૂકીને જાણે મૂંગા,જેવા બનવા લાગ્યા.સેવકો બહુ પ્રાર્થના કરે ત્યારે કંટાળીને રામ,દિવસનાં આવશ્યક કર્યો કરતા. તેમનું મુખ-કમળ તો કરમાયેલું જ રહેતું હતું.

ગુણ ના ગુણનિધિ-એવા આ રામને જોઈને સર્વ તેમની ચિંતા કરવા લાગ્યા,એક દિવસે દશરથ રાજાએતેમને પૂછ્યું-કે દીકરા એવી તો તારે શી ચિંતા આવી પડી છે? પણ રામે કંઈ જવાબ આપ્યો નહિ.
થોડા દિવસ પછી ફરીથી પણ દશરથે એજ પ્રશ્ન કર્યો ત્યારે રામ માત્ર એટલું જ બોલ્યા કે-હે,પિતાજી,મને કોઈ ચિંતા નથી. કે કોઈ દુઃખ નથી.

દશરથરાજા ને હવે રામની ચિંતા થવા લાગી,તેમણે,પોતાની આ ચિંતા વશિષ્ઠ આગળ રજુ કરી.અને તેમને પૂછ્યું કે-રામ,શા માટે મુંઝાય છે?એમને કઈ ચિંતા લાગી હશે?

વશિષ્ઠ મુનિએ વિચાર કરી ને જવાબ આપ્યો કે-હે,મહારાજ , તમે ખેદ કરશો નહિ,રામને ચિંતા થવામાં,
પરિણામે સુખદાયી થાય એવું કારણ છે. સત્પુરુષો,મોટા ને મહત્વના કારણ વિના,કોઈ નાના કારણથી,
ખેદ કે હર્ષ-રૂપી વિકાર ને પામતા નથી.

(૬)  વિશ્વામિત્ર નું આગમન
વાલ્મીકિ બોલ્યા-વશિષ્ઠજી,રાજા દશરથને,આ પ્રમાણે વાત કરતા હતા,અને રાજા દશરથ સંદેહ અને ખેદ થી,પોતાની ચિંતાનું કારણ જાણવા મૌન ધરીને બેઠા હતા.
રામની આવી ચેષ્ટા થી ઘરનાં સર્વ ને પણ આ રીતે જ ચિંતા ઘેરી વળી હતી.

એ જ સમયે,વિશ્વામિત્ર નામના પ્રખ્યાત મહર્ષિ,દશરથ રાજાને મળવા માટે દ્વારે આવીને ઉભા.
ધર્મના કાર્યોમાં તત્પર રહેનાર એ બુદ્ધિમાન મહર્ષિના યજ્ઞ નો રાક્ષસ-લોકો,માયાના બળથી તથા શરીરના બળથી,ભંગ કરી નાખતા હતા.તેથી યજ્ઞ ની રક્ષા કરવા માટે રાજાને મળવા ઇચ્છતા હતા.
દ્વારપાલો એ જઈને રાજાને ખબર આપી કે –વિશ્વામિત્ર મળવા પધાર્યા છે.

ત્યારે રાજાએ અને વશિષ્ઠે તેમનું સામે જઈ સ્વાગત કરી આસન પર બેસાડી પૂજન કર્યું.
અને દશરથ રાજાએ વિશ્વામિત્ર ને કહ્યું કે-
આપના આવવાથી અમારા પર અનુગ્રહ થયો છે,આપ જે કોઈ અર્થથી પધાર્યા હો તે કાર્ય મેં કર્યા જ છે એમ જ માનજો,કારણકે આપ,સર્વદા મારે માન્ય છો.માટે આપ, આપના કામના સંબંધમાં કંઈ પણ પ્રકારે સંદેહ રાખશો નહિ,આપનું જે કંઈ કામ હશે તે હું ધર્મ ની રીતિ પ્રમાણે સઘળું કરી આપીશ.
વિશ્વામિત્ર,રાજાનાં વિનય ભરેલાં વચનો સાંભળી હર્ષ પામ્યા.

(૭) વિશ્વામિત્રની રામને મોકલવાની માગણી

વાલ્મીકિ બોલ્યા-આ પ્રમાણે દશરથ રાજાનાં વચનો સાંભળી,વિશ્વામિત્ર બોલ્યા કે-
મહાવંશ માં જન્મેલા આપનું બોલવું યોગ્ય જ છે,પણ હે રાજા,મારા મનમાં રહેલું જે વચન છે,તે કરી આપવાનો નિશ્ચય રાખજો,અને તમારા ધર્મનું પાલન કરજો.
હે,પુરુષશ્રેષ્ઠ,હું સિદ્ધિને વાસ્તે યજ્ઞ કરવાનો આરંભ કરું છું,પણ ભયંકર રાક્ષસો,મને વિઘ્ન કરે છે,રંજાડે છે,
મેં ઘણી વાર યજ્ઞ માંડી જોયો,પણ ફરી-ફરી એ રાક્ષસો યજ્ઞ-ભૂમિને માંસથી અને લોહીથી છાંટી દે છે.
એ રાક્ષસોને શાપ આપવાની મારી ઈચ્છા થતી નથી,કારણકે એ કર્મ જ એવું છે જેમાં શાપ અપાય નહિ.
મારા ઘણા યજ્ઞો વીંખાઈ ગયા,હવે મારા યજ્ઞનું રક્ષણ કરવા માટે- ઇન્દ્ર ના જેવો વીર્યવાન આપનો રામ નામે જે પુત્ર છે,તે સિવાય બીજો કોઈ પુરુષ સમર્થ નથી.એટલે આપનો પુત્ર રામ મને સોંપો,
હું મારી દિવ્ય શક્તિથી તેનું રક્ષણ કરીશ,એટલે તે વાતે આપ નિસંદેહ રહેશો.

કમળ સરખાં નેત્રવાળા મહાત્મા રામને હું જાણું છું,તેમજ મહાતેજસ્વી વશિષ્ઠ અને બીજા દીર્ઘ-દ્રષ્ટાઓ પણ તેમને જાણે છે. જો,તમારા મનમાં ધર્મનું,મહત્તાનું અને યશનું રક્ષણ કરવાની ઈચ્છા હોય,તો મેં ધાર્યું છે, તે પ્રમાણે તમારે રામને મારા હાથમાં સોંપવા જોઈએ.
    INDEX PAGE
     NEXT PAGE