More Labels

Sep 19, 2014

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-૩૪

(૭) પુરુષાર્થ નાં વખાણ 

વશિષ્ઠ બોલ્યા-રોગો (વ્યાધિઓ) વિનાના અને થોડી માનસિક પીડાઓ (આધિઓ) વાળા,
મનુષ્ય-દેહ ને પ્રાપ્ત થઈને,સમજુ પુરુષે ચિત્ત (મન) નું એવી રીતે સમાધાન કરવું કે-
તેથી તેને ફરીવાર જન્મ લેવો (મનુષ્ય-દેહ ધારણ કરવો) પડે નહિ.
જે મનુષ્ય પુરુષાર્થ થી દૈવ ને હઠાવવાનો પ્રયત્ન કરે છે,તેના આ લોકમાં અને પરલોકમાં સર્વ મનોરથો પૂર્ણ થાય છે.પરંતુ જે લોકો દૈવ પર આધાર રાખીને બેસી રહે છે,પુરુષાર્થ છોડી દે છે,તે તો પોતાના શત્રુઓ છે.

જયારે પુરુષાર્થ ના વિષય નું સ્ફુરણ (પ્રેરણા) થાય ,તો,તે પ્રમાણે મનની ગતિ થાય છે.અનેમનની ગતિ પ્રમાણે ઇન્દ્રિયો ની પ્રવૃત્તિ થાય છે,અને ઇન્દ્રિયોની પ્રવૃત્તિ પ્રમાણે ફળભોગની પ્રાપ્તિ થાય છે.
હે,રામચંદ્ર,દીનતા,દરિદ્રતા-વગેરે દુઃખોથી પીડાયેલા મોટામોટા પુરુષો પણ પોતાના પુરુષાર્થ થી જ,ઇન્દ્ર સમાન થયા છે.તો કેટલાક,પુરુષો વૈભવ નો ઉપયોગ કરી,પોતાના પુરુષાર્થ થી જ નરકમાં ગયા છે.
સંપત્તિ હોય, વિપત્તિ હોય,કે એવી કોઈ હજાર દશાઓ હોય,પ્રાણીઓ પોતાના પુરુષાર્થ થી જ તે તરી જાય છે.

શાસ્ત્રથી,ગુરુથી કે પોતાનાથી-એમ ત્રણ પ્રકારે સિદ્ધિઓ મળે છે,
અને એ ત્રણે પુરુષાર્થ ની જ સિદ્ધિઓ છે.એમની કોઈ દૈવ (પ્રારબ્ધ થી મળેલી) ની સિદ્ધિઓ નથી.
અશુભ (ખરાબ) માર્ગો માં લાગેલા ચિત્તને પ્રયત્નપૂર્વક (પુરુષાર્થથી)
શુભ (સારા) માર્ગ માં ઉતારવું તે જ –સઘળાં શાસ્ત્રો નું તાત્પર્ય (સારાંશ) છે.

ગુરુઓ પણ શિષ્ય ને એ જ આદેશ કરે છે કે-હે,પુત્રો,જે સર્વોત્કૃષ્ટ (બ્રહ્મ) છે,જે વાસ્તવિક સત્ય છે,
અને જે નિત્ય છે,તેને પામવા માટે જ પ્રયત્ન-પૂર્વક આચરણ કરો.

વશિષ્ઠ કહે છે કે-હું પણ દૈવ થી નહિ,પણ પુરુષાર્થ થી જ ફળ પામ્યો છું.પુરુષાર્થ થી જ સિદ્ધી મળે છે.
દૈવ તો કેવળ દુઃખમાં રડતા અને અલ્પ-બુદ્ધિવાળા લોકો નાં આંસુ લુછવા માટે જ છે.
બાકી,બુદ્ધિમાન પુરુષો તો સર્વદા પુરુષાર્થ નું જ આચરણ કરે છે.

જે જમે છે તે તૃપ્ત થાય છે,પણ જે જમતો નથી (જમવાનો પુરુષાર્થ કરતો નથી) તે તૃપ્ત થતો નથી,
જે પગ ને ચલાવે છે તે ચાલે છે,પણ જે પગ ચલાવતો નથી તે ચાલતો નથી,
જે જીભ ચલાવે તે બોલે છે,પણ જે જીભ ચલાવતો નથી,તે બોલતો નથી.
આમ મનુષ્યો માં પુરુષાર્થ જ સફળ છે,બુદ્ધિમાન પુરુષો પુરુષાર્થથી જ અનેક સંકટો ને તરી જાય છે.

આ જગતમાં હાથ-પગ જોડીને બેસી રહેવાથી કોઈને ય ફળ સાંપડતું નથી,
હે,રામ, શુભ પુરુષાર્થ નું ફળ શુભ અને અશુભ પુરુષાર્થ થી અશુભ ફળ આવે છે,
તો હવે તમારી જેવી ઈચ્છા હોય તે પ્રમાણે તમે કરો.

મહાત્માઓ ના સમાગમથી અને ઉત્તમ શાસ્ત્રો ના શ્રવણથી તીવ્ર થયેલી બુદ્ધિ વડે,”તત્વ-બોધ “
થાય છે,અને પોતાની મેળે જ નિશ્ચય કરી શકાય છે કે-“શરીર ના ચલન-રૂપ સાધન થી” જ
સ્વાર્થ (સ્વ-અર્થ—પરમ-અર્થ) સિદ્ધ થાય છે.
અજ્ઞાનથી થયેલી વિષમતા દૂર થઇ સમતા મળે,તેથી જે અપાર આનંદ થાય છે,તે જ પરમાર્થ છે.

અને, બાલ્યાવસ્થા થી જ જો પ્રયત્ન-પૂર્વક શાસ્ત્રોનો અને સત્સંગ કર્યો હોય તો તેના ગુણોથી,
હિતકારી એવો સ્વાર્થ (સ્વ-અર્થ)  સિદ્ધ થાય છે.
બ્રહ્માંડ માં વિષ્ણુએ દૈત્યો ને જીત્યા,અને લોકોમાં મર્યાદા નું સ્થાપન કર્યું,ને જગત ની રચના કરી,
એ સઘળું પુરુષાર્થ થી જ થયું છે,દૈવ (પ્રારબ્ધ) થી નહિ.

હે,રઘુનાથ,આ જગતમાં આમ પુરુષાર્થ જ મુખ્ય કારણ છે,તો તમે એવો પુરુષાર્થ કરો,કે જેથી,
તમને ઝાડ કે સર્પ ની (વગેરે) યોનિ પ્રાપ્ત ના થતાં પરમ-પદ ને પામો.     INDEX PAGE
      NEXT PAGE