More Labels

Sep 4, 2014

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-૧૯

(૨૭) પદાર્થો ના દોષો નું વર્ણન

રામ બોલ્યા-આ જગત નું સ્વરૂપ “પરિણામે” અત્યંત અપ્રિય છે,છતાં તે ઉપરથી મનમોહક છે.
પણ,તે (જગત) માં એવો કોઈ પદાર્થ કે કોઈ એવું તત્વ નથી કે જેથી મન ને અત્યંત વિશ્રાંતિ મળે.

બાલ્યાવસ્થા રમત-ગમતમાં,યુવાવસ્થા ભોગો ભોગવવામાં પસાર થઈ જાય છે,ને વિષય-વાસનામાં
ફસાયેલો મનુષ્ય છેવટે વૃદ્ધાવસ્થા માં જર્જરિત થઇ જાય છે.
આમ એકે અવસ્થામાં જીવ પરમાત્મા માટે પુરુષાર્થ કરતો નથી,ને પરિતાપ (દુઃખ) જ પામ્યા કરે છે.

કદી,દુઃખનો સમય (કે મૃત્યુ ) પ્રાપ્ત થાય તો તેવે સમયે- પણ ખેદ અને મોહ ને દૂર રાખનારા,
સંપત્તિના સમયમાં મનમાં કોઈ પણ જાતનું અભિમાન નહિ ધરનારા,અને
તૃષ્ણા,આશા,અને લાલચ (અધિક ધન-સ્ત્રી –વગેરે) નહિ રાખનાર,
અત્યંત શુદ્ધ અંતઃકરણ વાળા મહાત્માઓ આ સમયમાં અત્યંત દુર્લભ છે.

જેઓ “દેહ અને ઇન્દ્રિયો-રૂપી” સમુદ્રના અત્યંત શક્તિશાળી,
”મન-રૂપી” તરંગો ને તરીને –પાર કરી જાય છે,તેમને જ હું શૂરવીર માનું છું.
કારણકે-કોઈ પણ “ક્રિયા” તેના પરિણામે “કલેશ-વગરના-ફળ” વગરની જોવામાં આવતી નથી.
અત્યંત મહેનત કરી,શત્રુઓને પરાજિત કરી (તે શત્રુની),અને,ચારે બાજુથી લક્ષ્મી પ્રાપ્ત થયા પછી,
જયારે સંસાર-સંબંધી સુખો ભોગવવા લાગીએ છીએ-
ત્યાં તો કોણ જાણે ક્યાંથી અચાનક મૃત્યુ ચાલ્યું આવે છે.
વિનય-વિવેક થી લક્ષ્મી ને અનાશક્તિથી ભોગવી,ધૈર્યથી આત્મા-પરમાત્મા નો વિચાર કરનારા,
પુરુષાર્થી મહાત્માઓ આ સમયમાં અત્યંત દુર્લભ છે.

જેઓમાં દોષ નથી એવા કયા વિચારો છે? જેઓમાં દુઃખની બળતરા નથી,એવા કયા માર્ગો છે?
જેઓમાં જીવન ની ક્ષણ-ભંગુરતા નથી,એવી કઈ પ્રજા છે? જેઓમાં છળ નથી એવી કઈ ક્રિયાઓ છે?

અનેક વિભાગોવાળા (મહાકલ્પ.કલ્પ,યુગ-વગેરે) કાળ (સમય) ના સમૂહમાં –
લાંબા અને ટૂંકા જીવન નો વિચાર કરવો ખોટો છે.
કારણ સો વર્ષ નું જીવન મહાકલ્પ ના સમય આગળ તો ક્ષણ-માત્ર જ છે.

જો જોવામાં આવે તો,સર્વ જગ્યાએ –
પર્વતો,પથ્થરના જ છે,પૃથ્વી માટીની જ છે,વૃક્ષો લાકડાનાં જ છે,અને પ્રાણીઓ માંસ નાં જ બનેલા છે.
પણ આ સર્વમાં પુરુષોએ –કેવળ નામ-રૂપના –જુદાજુદા સંકેતો આપેલા છે.
વાસ્તવિક રીતે તો તે સર્વે પંચ-મહાભૂત ના વિકાર-રૂપે જ છે, તે કોઈ નવા નથી.
પૃથ્વી,જળ,તેજ,વાયુ અને આકાશ-એ પંચમહાભૂતો ના અંશોના સમુદાય ને-
અવિવેકી પુરુષો,પોતાની “બુદ્ધિ”થી “ઘટ-પટ” આદિ પદાર્થો  માને છે.પણ,
જો વિવેકથી પૃથ્થકરણ કરવામાં આવે તો,આ જગત,પંચમહાભૂતો થી જુદું હોય તેમ જણાતું નથી.

હે,મુનિ,આ સંસાર (જગત)  -વિદ્વાન લોકોના મન (ચિત્ત) ને પણ આશ્ચર્ય આપનાર છે,ચમત્કારિક છે,
તો પછી,સાધારણ મનુષ્ય ને તો તેનું રહસ્ય સ્વપ્નમાં પણ કદી જાણવામાં આવતું નથી.
ખરે,તો સંસાર અને સંસારની કલ્પના,એ મિથ્યા છે.
છતાં એ સંસારનું એટલું બધું મહત્વ થઈ ગયું છે કે-તેના લોભ અને મોહ ને લીધે દુઃખી થયેલા,
લોકો ના મનમાં,બાલ્યાવસ્થા જઈને ઉત્તરાવસ્થા આવવા છતાં પણ,
પરમાત્મા ના નિરૂપણ ની વાત ઉદય પામતી નથી.(પરમાત્મા વિષે કોઈ ને વિચાર આવતો નથી)

હમણાં ના માણસો,પોતાના શરીર ના પોષણને માટે જ વિષય,વિનય તથા ધન નો ઉપયોગ કરી,
તેનો વ્યર્થ નાશ કરી નાખે છે.વળી,વિષય વાસનાઓ માં આસક્ત થઈને,અનેક પ્રકારની કુટિલતા
ભરેલી,કુશળતામાં તત્પર રહે છે.આવામાં -સજ્જન તો સ્વપનમાં પણ મળવો મુશ્કેલ છે.

સઘળી ક્રિયાઓ અવશ્ય દુઃખ ઉત્પન્ન કરે તેવી જ છે,તો મારે આ જીવિત-રૂપ (જીવનની) દશા
શી રીતે કાઢવી (વ્યતીત કરવી) તે હું જાણતો નથી.      INDEX PAGE
     NEXT PAGE