સાક્ષાત્કાર એ જ સાચો ધર્મ છે,બીજું બધું તો તે સાક્ષાત્કારને માટેની તૈયારી છે.જેમ કે વ્યાખ્યાનો સાંભળવાં,ગ્રંથો વાંચવા,અથવા દલીલો કે ચર્ચાઓ કરવી-વગેરે....આ બધાં સાક્ષાત્કારની ભૂમિકા તૈયાર કરવા જેવું છે,એ કંઈ ધર્મ નથી.એટલે કે-બૌદ્ધિક સ્વીકાર કે અસ્વીકાર-એ ધર્મ નથી.
યોગ-શાસ્ત્રનો મુખ્યમાં મુખ્ય વિચાર એ છે કે-
જે પ્રમાણે આપણે ઇન્દ્રિય-ગ્રાહ્ય વસ્તુઓ સાથે સીધા સંબંધમાં આવીએ છીએ -તેવી જ રીતે-
ધર્મ (સાક્ષાત્કાર)ની સાથે પણ સીધો સંબંધ,તેનો સાક્ષાત અનુભવ, એ-
જે ઇન્દ્રિયોનો વિષયો સાથેના સંબંધ છે,તેના કરતાં પણ વધુ ગાઢ રીતે થઇ શકે છે.
ઈશ્વરને સ્થૂળ આંખ વડે જોઈ શકાય નહિ,હાથ વડે અડી શકાય નહિ,અને,
આપણે જાણીએ છીએ કે -ઇન્દ્રિયોની મર્યાદાથી પર આપણે તે ઈશ્વર વિષે તર્ક પણ ચલાવી શકતા નથી.
બુદ્ધિ આપણને અમુક એક મર્યાદાએ તદ્દન અનિશ્ચિત દશામાં મૂકી દે છે.
દુનિયા જેમ હજારો વર્ષથી કરતી આવી છે,તેમ આપણે ભલે આખી જિંદગી તર્ક કર્યા કરીએ,
પણ પરિણામ એ આવવાનું છે કે-આપણને જણાશે કે-
ધર્મના સત્યોને સાચાં-કે-ખોટાં ઠરાવવાને આપણે અસમર્થ છીએ.
જે કંઈ આપણે "પ્રત્યક્ષ" જોઈએ છીએ તેને આધાર તરીકે લઈને આપણે તર્ક ચલાવીએ છીએ.
તેથી એ તો દેખીતું જ છે કે-તર્કને આ "પ્રત્યક્ષ"ની સીમામાં જ દોડવું પડે છે.
એ સીમાને ઓળંગીને એ કદી આગળ જઈ શકે નહિ.
પણ "સાક્ષાત્કાર"નું સઘળું ક્ષેત્ર -એ "ઇન્દ્રિય-જન્ય" જ્ઞાનથી પર રહેલું છે.
યોગ-શાસ્ત્ર કહે છે કે-મનુષ્ય પોતાના "ઇન્દ્રિય-જન્ય" અનુભવો અને જ્ઞાનની પેલે પાર જઈ શકે છે.
અને પોતાની "બુદ્ધિ"થી પણ પેલે પાર જઈ શકે છે.
દરેકે-દરેક મનુષ્ય ની અંદર પોતાની બુદ્ધિને પણ વટાવી જવાની "શક્તિ" રહેલી છે.
અને યોગની સાધના વડે એ "શક્તિ" ને જગાવી શકાય છે.
અને ત્યારે મનુષ્ય બુદ્ધિની સાધારણ મર્યાદાને વટાવી (ઓળંગી) જાય છે,અને
બુદ્ધિ ના સમગ્ર ક્ષેત્રની પેલે પાર રહેલ "સત્ય" નો પ્રત્યક્ષ અનુભવ કરે છે.
- तज्जः संस्कारो न्यसंस्कारप्रतिबन्धी (૫૦)
આ સમાધિમાંથી ઉત્પન્ન થયેલો "સંસ્કાર" એ બીજા સંસ્કારોને રોકી દે છે. (૫૦)
આગળના સૂત્રમાં આપણે જોયું કે-"અતીન્દ્રિય-અવસ્થા" (સાક્ષાત્કાર) એ પહોંચવાનો એક માત્ર માર્ગ
સમાધિ જ છે.અને સાથે સાથે એ પણ જોયું કે-મનને સમાધિ અવસ્થા પ્રાપ્ત કરતાં અટકાવનારા છે-
"ભૂતકાળના સંસ્કારો"
આપણે અનુભવ્યું હોય છે કે-જયારે મન ને એકાગ્ર કરવાનો પ્રયાસ કરીએ ત્યારે,તે મનના વિચારો
ભટકતા હોય છે.ઈશ્વર નું ચિંતન કરવાનો પ્રયાસ કરતા હોઈએ ત્યારે જ આ "સંસ્કારો" પ્રબળ બને છે.
બીજી કોઈ વખતે તે (સંસ્કારો) જેટલા પ્રબળ નહોતા,તેટલા જયારે તે દૂર કરવાનો પ્રયાસ કરીએ ત્યારે
તો તે વધુ ને વધુ પ્રબળ થઈને ઉઠવાના જ, મનમાં ઉભરાવાના જ.
કારણકે જયારે આપણે તેને દબાવીએ છીએ ત્યારે તે સંસ્કારો પોતાના પુરા બળથી તેનો પ્રતિકાર કરે છે.
જો કે બીજે વખતે તે એટલો પ્રતિકાર કરતા નથી.