નાડીશુદ્ધિ વિષે આપણે વિચાર્યું. હવે આવે છે "પ્રાણાયામ"
જેવી રીતે કોઈ મોટા એન્જીન (યન્ત્ર) માં મુખ્ય ચક્ર (ગતિસાધક-ચક્ર)પ્રથમ ફરે છે અને તેની સાથે જોડાયેલાં
અસંખ્ય ચક્રો વાટે,તે ગતિસાધક ચક્ર ની ગતિ નાનામાં નાની યંત્ર-રચના સુધી પહોંચે છે.
અને આમ નાજુક-માં નાજુક ભાગોમાં પણ ગતિ આવી જાય છે,
તેવી જ રીતે,આ શરીર માં શ્વાસ એ "ગતિ-સાધક-મુખ્ય" ચક્ર ની સમાન છે.અને તે શરીર ના દરેક ભાગને
"ચાલક-શક્તિ" પૂરી પાડે છે અને તેમને નિયમિત રાખે છે.
એકવાર એક રાજાએ તેના પ્રધાન ને કોઈ કારણોસર -શિક્ષા-રૂપે,એક ખૂબ ઉંચા મિનારા પર પૂરી દેવાની સજા કરી.અને રાજાની આજ્ઞા પ્રમાણે તે પ્રધાન ને પૂરી દેવામાં આવ્યો.
પ્રધાન ની પત્ની પતિવ્રતા હતી,તે રાત્રે મિનારા પાસે ગઈ અને નીચેથી ઉભા રહી અને પ્રધાન ને પૂછ્યું કે-
મારા થી કંઈ બની શકે તેમ છે? હું કોઈ મદદ કરી શકું?
ત્યારે પ્રધાને કહ્યું કે-એક લાંબુ દોરડું,તેટલીજ લાંબી પાકી મજબૂત દોરી,તેટલી જ લાંબી રેશમ ની દોરી,
એક જીવડું અને થોડું મધ -આટલું આવતી કાલે રાતે લઇ આવજે.
પ્રધાન ના કહેવા મુજબ તેની પત્ની બધી વસ્તુઓ લઇ ને આવી,ત્યારે પ્રધાને ઉપરથી જ કહ્યું કે-
પેલી રેશમ ની (વજન માં એકદન હલકી) દોરી જીવડા સાથે બરોબર બાંધી દે,
પછી તે જીવડાના શિંગડા પર મધનું ટીપું લગાવી દે,
અને પછી તે જીવડાનું મોઢું -ઉપરની બાજુએ કરીને મિનારાની દિવાલ પર છુટું મૂકી દે,
પત્ની એ જેવું પ્રધાને કહ્યું -તેમ કર્યું અને જોયું તો જીવડું,શિંગડા પર લગાડેલી મધ ની ગંધે-ગંધે
ધીરે ધીરે મિનારાની ઉપર જવા માંડ્યું,ને છેવટે પ્રધાન જ્યાં મિનારાની ટોચ પર હતો ત્યાં પહોંચી ગયું,
ત્યારે પ્રધાને તેણે પકડી લીધું,અને તે જીવડા ની સાથે બંધાયેલ રેશમનો દોરો હાથમાં લઇ લીધો.
પછી તેણે પત્ની ને કહ્યું કે-તે રેશમ ના દોરા જોડે-પાકી દોરીને બાંધવા કહ્યું અને જયારે પાકો દોરો
તેના હાથમાં આવી ગયો એટલે તે પાકા દોરાની સાથે દોરડું બાંધવાનું કહ્યું,અને પ્રધાન પાસે દોરડું
આવી ગયું પછી બાકીનું કામ તો સહેલું હતું,દોરડાથી પ્રધાન નીચે ઉતરી ને ભાગી ગયો.(મુક્ત થયો)
ઉપરના દ્રષ્ટાંત પ્રમાણે -આપના આ શરીરમાં "શ્વાસ-ગતિ" એ રેશમી દોરા જેવી છે,
તેને પકડી ને તેના પર કાબૂ મેળવવાથી,"જ્ઞાનતંતુઓ ના પ્રવાહ-રૂપી" પાકો દોરો આપણા હાથમાં આવે છે,
કે જેના વડે છેલ્લે "પ્રાણ-શક્તિ રૂપી" દોરડું આપણા હાથમાં આવે છે,તેના પર કાબૂ મેળવી ને
આપણે છેવટે મુક્ત થઈએ છીએ.
આપણાં પોતાનાં શરીર વિશે આપણે કંઈ પણ જાણતા નથી,અને જાણી શકતા પણ નથી..
વધુમાં વધુ તો આપણે એક મડદું લઈને તેણે ચીરીને અંદર શું છે તે જોઈ શકીએ,અથવા તો,
કોઈ જીવતું પ્રાણી લઇ ને તેને ચીરીને તેના શરીરમાં શું છે તે જાણી શકીએ,
પણ તેમ છતાં યે -આપણે આપણા -"પોતાના-શરીર" વિશે તો જાણી શકીએ જ નહિ.
આમ,આપણે આપણા શરીર વિશે બહુ ઓછું જાણીએ છીએ કારણકે-
આપણું ધ્યાન -એ શરીરમાં ચાલી રહેલી સૂક્ષ્મ પ્રક્રિયાઓ ને પકડી શકે તેટલું એકાગ્ર નથી.
મન જયારે વધુ માં વધુ સૂક્ષ્મ બને અને શરીરમાં ઊંડે ઉતરે-અનુભવે- ત્યારેજ શરીર વિશે જાણી શકાય.
મનના સૂક્ષ્મ અનુભવોને પકડવા આપણે સૌ પ્રથમ સ્થૂળ અનુભવો થી શરૂઆત કરવી પડે.
આ શરીર-રૂપી યંત્ર ને જે "ગતિ" આપનાર છે તેને પકડવાનો છે.
અને તે છે "પ્રાણ" કે જેનું સૌથી પ્રગટ સ્વરૂપ છે-"શ્વાસ"
આ શ્વાસ સાથે ધીમે ધીમે શરીરમાં પ્રવેશ કરી,સમગ્ર શરીરમાં ચાલી રહેલા-જ્ઞાનતંતુ ના પ્રવાહો વિશે
(એટલે કે સૂક્ષ્મ બળો વિશે ) જાણી શકાય છે,અને જેવા તેમને પારખીને તેમનો અનુભવ થવા લાગે,
કે તરત જ તેમના (સૂક્ષ્મ બળો) ઉપર અને શરીર પર કાબૂ મળવા લાગે છે.
મન,પણ આ સૂક્ષ્મ બળ (જુદા જુદા નાડીપ્રવાહો) વડે ગતિમાં મુકાતું હોવાથી,મન પર પણ કાબૂ મળે છે.
પ્રાણ-એ શક્તિ છે.અને યોગીએ તે શક્તિ મેળવવાની છે,અને તેનો પ્રારંભ થાય છે-
પ્રાણાયામ થી એટલે કે પ્રાણ-શક્તિ ના કાબૂથી.