Aug 11, 2022

RajYog-Gujarati-Swami Vivekanand-રાજયોગ-સ્વામી વિવેકાનંદ-10

વિવેકાનંદ કહે છે કે-"સાધનાની દરેક પ્રક્રિયા અને તેનાથી શરીરમાં કયાં બળો ગતિમાં આવે છે ?
તે આપણે ક્રમે ક્રમે જોઈશું.
સાધના ની આ પ્રક્રિયાઓ જ્યાં સુધી તમે પોતે તેનો પ્રયોગ ના કરો,ત્યાં સુધી હું ગમે તેટલી બુદ્ધિ-પૂર્વકની દલીલો કરું,પણ તમને તે ખાતરી નહિ કરાવી શકે.

અભ્યાસને પરિણામે સાબિતી આવશે.અને-
જેવા તમે આ શક્તિ-પ્રવાહોને તમારા આખા શરીરમાં ગતિમાં આવેલા અનુભવશો,એટલે તરત તમારા
સંશયો ટળી જશે.પણ તેના માટે રોજ સખત સાધનાની જરૂર છે.રોજ ઓછામાં ઓછો બે વાર તો અભ્યાસ
કરવો જ પડે.અને તેના માટે સારો સમય સવારનો અને સાંજનો છે.ત્યારે વાતાવરણ પ્રમાણમાં શાંત હોય છે.
અને તેથી શરીરમાં પણ શાંત રહેવાનું એક વલણ આવે છે.

એ કુદરતી શાંત સ્થિતિનો લાભ ઉઠાવવો જોઈએ.અને એ વખતે સાધનામાં બેસવું જોઈએ.
જો બની શકે તો,"જ્યાં સુધી સાધના ન કરી હોય ત્યાં સુધી ખાવું જ નહિ" એવો નિયમ લો.અને
એમ કરવાથી ભૂખનું જોર જ આળસને ઉડાડી દેશે.અને શરીરમાં સુસ્તી પણ નહિ આવે.

ભારતમાં નાના બાળકોને ઉપદેશ (સંસ્કાર) આપવામાં આવે છે કે-સંધ્યા-પૂજા કર્યા વગર ખવાય જ નહિ.
થોડા સમય પછી તે સહજ થઇ જાય છે,અને તે બાળકને જ્યાં સુધી સ્નાન-અને સંધ્યા-પૂજા કરીને પરવારે
નહિ ત્યાં સુધી તેને ભૂખ જ ન લાગે.

જેઓ રાખી શકે તેવી સ્થિતિમાં હોય,તેઓ આ સાધના માટે નો જુદો રૂમ રાખે તો તે વધુ સારું.
એ ઓરડામાં સૂવું નહિ,અને તેને પવિત્ર રાખવો.નહિ-ધોઈ ને શરીર અને મન શુદ્ધ થયાં ન હોય ત્યાં સુધી
એ ઓરડામાં પ્રવેશ કરવો નહિ.એ ઓરડામાં હંમેશાં પુષ્પો રાખવાં,મનમાં સાત્વિક ભાવ જગાડે તેવાં ચિત્રો રાખવાં,સવાર-સાંજ ત્યાં ધૂપ કરવો.
એ ઓરડામાં કદી કજીયો-કંકાસ-ક્રોધ કે અપવિત્ર વિચારો ન કરવા.અને જેઓ આધ્યાત્મિક-અને પવિત્ર વિચારો વાળા હોય તેમને જ તેમાં  પ્રવેશ કરવા દેવો.અને એ રીતે ધીરે ધીરે તે ઓરડામાં પવિત્રતાનું વાતાવરણ ઉભું થશે.અને પછી જો કોઈ વાર સાધક-વ્યગ્ર,દુઃખી,શોક-ગ્રસ્ત કે સંશયમાં હોય અને તે
તે ઓરડામાં પ્રવેશ કરે તો તરત જ તેનું મન શાંત થશે.

જેઓ સાધન માટે અલગ ઓરડો રાખી શકે તેમ ન હોય તો,જ્યાં મનને અનુકૂળ અને શાંતિ મળે તેવું
સ્થળ ગમે ત્યાં પસંદ કરો.અને સીધા ટટ્ટાર બેસો.

અને સહુથી પહેલું કાર્ય-સમસ્ત સૃષ્ટિમાં ચારે દિશામાં પવિત્ર ભાવનાઓનો પ્રવાહ મોકલવાનું કરો.
"સૌ સુખી થાઓ,સૌ નિરોગી રહો,સૌ શાંતિ પામો,સૌનું કલ્યાણ થાઓ"
આ ભાવના જેટલી વધારે કરશો તેમ તમને પોતાને ફાયદો થશે.
અને  તમને જણાશે કે-આપણને પોતાને તંદુરસ્ત બનાવવાનો સહુથી સહેલો રસ્તો બીજા નિરોગી રહે -
તેવી ભાવના સેવવાનો છે.અને પોતાને સુખી કરવાનો સહેલો રસ્તો -બીજા સુખી થાય -એવી પ્રાર્થનાનો છે.

એ કર્યા પછી જેઓ ઈશ્વરમાં માનતા હોય તેમણે ઈશ્વરની પ્રાર્થના કરવી.
પૈસા,આરોગ્ય કે સ્વર્ગ માટે નહિ પણ -જ્ઞાન અને પ્રકાશ માટે પ્રાર્થના કરવી.
પછી શરીર વિષે વિચાર કરવાનો,અને એવી ભાવના કરો કે તે સબળ અને નિરોગી રહે.કારણ
શરીર એ સાધના માટે નું સારામાં સારું સાધન છે.
એવી ભાવના કરો  કે તમારું શરીર વજ્ર જેવું મજબૂત છે,અને આ શરીરની સહાયથી
તમે સંસાર-સાગરને તરી જવાના છે. બળ (શક્તિ) વગરનો મનુષ્ય કદી મુક્તિને પામી શકે નહિ.
સઘળી નબળાઈઓને ફગાવી દો-અને તમારા શરીરને કહો કે-તે સુદ્રઢ છે -
તમારા મનને કહો કે-તે મજબૂત છે-અને પોતાનામાં અખૂટ શ્રદ્ધા અને આશા રાખો."
(સ્વામી વિવેકાનંદ)


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE