Aug 12, 2022

RajYog-Gujarati-Swami Vivekanand-રાજયોગ-સ્વામી વિવેકાનંદ-11

પ્રાણાયામ વિશે ઘણા બધા લોકો એમ ધારે છે
(વિચારે છે) કે -પ્રાણાયામ એટલે "શ્વાસ વિશે કંઈક"
પણ,ખરી રીતે તો તેમ નથી,શ્વાસને તો પ્રાણાયામ સાથે ઘણી જ થોડી નિસ્બત છે.અને તે જે કંઈ પણ થોડી નિસ્બત છે -તે એ છે કે-"શ્વાસ-ક્રિયા" એ -જે અનેક "ક્રિયા"ઓ દ્વારા આપણે ખરો પ્રાણાયામ કરીએ છીએ-તેમાંની એક "ક્રિયા" છે.પ્રાણાયામનો ખરો અર્થ છે-"પ્રાણ" પર નો કાબૂ.

અહીં આપણે "પ્રાણ" એટલે શું? અને તેના પરનો "કાબૂ" એટલે શું ? તે સમજવાનો પ્રયત્ન કરીએ.
ભારતીય દર્શન-શાસ્ત્ર પ્રમાણે -સમગ્ર વિશ્વ-એ (મુખ્ય) બે તત્વોનું બનેલું છે.તેમાંના એક મૂળ તત્વને તેઓ
"આકાશ" કહે છે.(અને જે "પ્રાણ" ની "શક્તિ"વડે આકાશ "વિશ્વ-રૂપે" બને છે તે) "પ્રાણ"  "બીજું તત્વ" છે)
આકાશ "સર્વ-વ્યાપી" છે, સર્વમાં ઓતપ્રોત થઈને રહેલું છે.અને તે આકાશ,એ સર્વની "સત્તા-રૂપ" છે.

જે કોઈ વસ્તુ "સંયોજન" ના "પરિણામ-રૂપ" છે-તે આકાશમાંથી ઉત્પન્ન થયેલું છે.
આકાશ-તત્વ જ "હવા(વાયુ)-રૂપે" થઇ રહેલ છે,આકાશ જ "સૂર્ય(તેજ)-રૂપે" બને છે,
આકાશ જ "પ્રવાહી (જળ) રૂપે" થઇ રહેલ છે,અને આકાશ જ "ઘન-પદાર્થો (પૃથ્વી) રૂપે" થઇ રહેલ છે.
આ રીતે આકાશ જ સૂર્ય,ચંદ્ર,પૃથ્વી,તારાઓ બને છે અને આકાશ જ માનવ-શરીર,પ્રાણી,વનસ્પતિ-
વગેરે વગેરે- જે જે આપણી નજરે ચડે છે -અને જેનો અનુભવ કરી શકીએ છીએ-તે-એકે એક આકાર બને છે.
દરેકે દરેક પદાર્થ (વસ્તુ) -કે જે અસ્તિત્વ ધરાવે છે,તે દરેકે દરેક -વસ્તુરૂપે આકાશ જ બની રહેલ છે.

પણ આ આકાશનો ઇન્દ્રિયો વડે સામાન્ય-રીતે  અનુભવ થઇ શકતો નથી.
કારણ કે તે એટલું બધું સૂક્ષ્મ છે કે તે સર્વ પ્રકારના સામાન્ય અનુભવોથી પર છે.પણ,
તે જયારે આકાર ધરે છે ત્યારે તે આકારને જોઈ શકાય કે અનુભવી શકાય.
સૃષ્ટિના આરંભ માં કેવળ આ "આકાશ" જ  હોય છે. અને "કલ્પ" (સમય(કાળ)નું માપ) ને અંતે,
સઘળું (ઘન પદાર્થો-પ્રવાહી પદાર્થો-વાયુઓ વગેરે સર્વ) એ જ આકાશમાં લય પામી જાય છે.
અને ફરીથી પાછી સૃષ્ટિ એ આકાશમાંથી જ ઉત્પન્ન થાય છે.

હવે પ્રશ્ન થાય કે-કઈ "શક્તિ" વડે આ આકાશ "વિશ્વ-રૂપે" બને છે?
તો તેનો જવાબ છે-"પ્રાણની શક્તિ વડે" આ આકાશ વિશ્વ-રૂપે બને છે.

જેવી રીતે,ઉપર બતાવ્યું તેમ-આકાશ આ વિશ્વનું અનંત,સર્વ-વ્યાપી-ઉપાદાન "કારણ" છે,
તેવી રીતે, "પ્રાણ" (શક્તિ) આ વિશ્વ ની અનંત,સર્વ-વ્યાપી "સર્જન-શક્તિ" છે.
જેમ,કલ્પ ના પ્રારંભ અને કલ્પ ના અંતે-સર્વ કંઈ આકાશ-રૂપ થઇ જાય છે-
તેમ,વિશ્વનાં જે બળો (શક્તિ) છે તે સઘળાં કલ્પ ના આરંભે અને
અંતે-"પ્રાણ" (શક્તિ)માં પાછાં સમાઈ જાય છે.

કલ્પ ની (સૃષ્ટિના આરંભનો સમય)  શરૂઆતમાં -
જેને આપણે "શક્તિ" (બળ) કહીએ છે તે સર્વ કંઈ આ "પ્રાણ" (શક્તિ)માંથી ઉત્પન્ન થાય છે.

આ પ્રાણ જ  ગતિ-રૂપે,ચુંબક-શક્તિ રૂપે,ગુરુત્વાકર્ષણ-રૂપે.શરીરની ક્રિયાઓ-રૂપે,
જ્ઞાન-તંતુઓના પ્રવાહ-રૂપે,વિચાર-શક્તિ-રૂપે ----પ્રગટ થાય છે.
વિચારથી માંડીને છેક નીચામાં નીચી કોટિના બળ -સુધીનું સર્વ કંઈ "પ્રાણ" (શક્તિ) નો જ પ્રકાર છે.

આમ,વિશ્વની અંદરના સર્વ બળો (શક્તિ)-પછી તે માનસિક હોય કે શારીરિક હોય-
તે સર્વનો જયારે મૂળ અવસ્થામાં લય થઇ જાય છે ત્યારે તેનો સરવાળો-એ "પ્રાણ" છે.

જયારે કંઈ પણ (સત્ કે અસત્) નહોતું અને જયારે અંધકારને ય અંધકાર આવરી રહ્યો હતો,
ત્યારે શેનું અસ્તિત્વ હતું? તો કહે છે કે-
ત્યારે "આકાશ" નું "ગતિ-રહિત- અવસ્થા"માં અસ્તિત્વ હતું.
"પ્રાણ" ની "સ્થૂળ-ભૌતિક-ગતિ" બંધ થઇ ગઈ હતી તેમ છતાં પણ
તેનું ય "અસ્તિત્વ" તો ત્યાં (આકાશમાં) હોય છે જ.

જે શક્તિઓ અત્યારે વિશ્વમાં ક્રિયા કરી રહી છે,તે કલ્પ ને અંતે શાંત પડી જાય છે અને સુપ્ત (અવ્યક્ત)
સ્થિતિમાં આવી જાય છે.અને ફરીથી કલ્પ ના આરંભે તે જાગી ઉઠે છે અને
"આકાશ" પર "આઘાત" કરે છે.!!!!
અને એ આકાશમાંથી વિવિધ આકારો ઉત્પન્ન થાય છે,અને જેમ જેમ આકાશ પરિવર્તન પામતું જાય છે,
તેમ તેમ આ "પ્રાણ" (શક્તિ) પણ પરિવર્તન પામીને "શક્તિ"ના વિવિધ પ્રકારો રૂપે પ્રગટ થાય છે.
આ "પ્રાણ" વિશેનું "જ્ઞાન" અને તેના પર "કાબૂ -કે- નિયમન " એ જ "પ્રાણાયામ" નો ખરેખરો અર્થ છે.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE