જે મનુષ્ય પોતાના મનને -મગજમાંના ઇન્દ્રિયોના કેન્દ્રો સાથે -પોતાની ઇચ્છાનુસાર જોડવામાં કે તેમનામાંથી હટાવી લેવામાં સફળ થયો છે-તે "પ્રત્યાહાર" માં સફળ થયો છે એમ જાણવું.પ્રત્યાહાર નો અર્થ છે કે-"પાછું વાળવું" મન ની બહિર્મુખી શક્તિઓને બહાર જતી અટકાવવીને અને તેને પાછી વાળીને,તે મનને ઇન્દ્રિયોની ગુલામીમાંથી,જયારે આપણે મુક્ત કરી શકીશું,ત્યારે જ આપણે સાચા સ્વાતંત્ર્ય તરફ પગલું લીધું ગણાશે,ત્યારે જ આપણે સાચા ચારિત્ર્યવાન કહેવાઈશું,નહિતર તો આપણે માત્ર જડ યંત્રથી વધુ કશું નથી.
મનને કાબૂમાં રાખવું તે અતિશય કઠણ છે.
મનને "હડકાયા વાંદરા" જોડે સરખાવવામાં આવ્યું છે.એ બરાબર જ છે.
એક વાંદરો કે જે બીજા બધા વાંદરાઓની જેમ જ ચંચળ હતો,એટલું બસ ના હોય તેમ તેને કોઈએ દારુ
પાયો,એટલે તે વધુ ચંચળ બન્યો,ત્યાર પછી તેને એક વીંછી કરડ્યો,એટલે તેની ચંચળતાની સ્થિતિ
ટોચે પહોંચી,અને પછી છેલ્લે બાકી રહી ગયું હોય તેમ તેનામાં ભૂતનો સંચાર થયો.
એટલે વાંદરો હડકાયો થયો,પછી તો તેની કાબૂ બહારની ચંચળતાને કઈ ભાષા વર્ણવી શકે?
આ જ રીતે,માણસનું મન કે જે સ્વભાવે નિરંતર ચંચળ વાંદરા જેવું છે,તે-
"ઈચ્છાઓ-રૂપી" દારુ ઢીંચીને જયારે ઇચ્છાઓ તેના પર કબજો જમાવે ત્યારે -તેને -
બીજાઓની ફતેહ જોઈને થતી "ઈર્ષ્યા-રૂપી" વીંછીનો ડંખ થાય, અને
છેલ્લે "અભિમાન-રૂપી" ભૂત તેના પર સવાર થઇ જાય,એટલે પોતાને સર્વ-શ્રેષ્ઠ માનવા માંડે.
આવા મનને કાબૂમાં લેવું એ કેટલું કઠણ ????
આ મનને કાબૂમાં લેવાનો પહેલો પાઠ એ છે કે-
થોડો સમય માત્ર બેસી રહેવું અને મનને દોડવા દેવું,અને તે મનને જોયા કરવું. (વિપાસના)
કહેવત છે કે-જ્ઞાન એ શક્તિ છે.એટલે-જ્યાં સુધી એ જાણવામાં (જ્ઞાન) ના આવે કે -
આ ચંચળ મન શું શું કરે છે,ત્યાં સુધી એણે કાબૂમાં લઇ શકાય નહિ.
માટે મન પરની લગામ છૂટી મૂકી દઈને,માત્ર તે મનને
જોવામાં જ આવે તો-આશ્ચર્ય થાય તેવા -ઘણા તો ધૃણા-જનક વિચારો તે કરતું હોય તેમ જોવામાં આવશે.
આપણને આશ્ચર્ય થાય કે આપણે આવા -ધૃણા-જનક વિચારો પણ કરી શકીએ છીએ.
પણ આમ છતાં પણ તે મનને માત્ર જોવાથી જ ધીરે ધીરે અને દિવસે-દિવસે તે મનના ઉછાળા -
ઓછા અને ઓછા ઉગ્ર થતા જાય છે.અને વધુ શાંત થતું જણાય છે.
થોડાક મહિનાઓ આ રીતે ધીરજ-પૂર્વક અભ્યાસ કરવાથી,વિચારો ધીમે ધીમે ઘટીને-
છેવટે મન પૂરેપૂરું કાબૂમાં આવે છે.ગીતામાં પણ કહ્યું છે-કે -અભ્યાસથી મન પર કાબૂ કરી શકાય છે.
મનુષ્ય શરીર એ એક એન્જીન (યંત્ર) જેવું છે,તેને ઈંધણ આપો એટલે તે દોડવાનું જ.
આપણી દૃષ્ટિ આગળ જેવી કોઈ વસ્તુઓ આવે એટલે તે આપણને તે દેખાવાની જ .
પણ મનુષ્યે પોતે જડ-યંત્ર નથી એ સાબિત કરવા માટે દર્શાવી આપવું જોઈએ કે-પોતે કોઈ વસ્તુના તાબામાં નથી.મન પરનો આ કાબૂ અને તેને કેન્દ્રો (મગજનાં) સાથે જોડવા ન દેવું તે-"પ્રત્યાહાર"
આ એક જબરદસ્ત કાર્ય છે ને તે એક દિવસમાં થાય તેવું નથી,પણ કેવળ ધીરજ-પૂર્વક,વર્ષોના વર્ષો
સુધીના અભ્યાસ પછી જ તેમાં સફળતા મળે છે.
કેટલાક સમય સુધી પ્રત્યાહારનો અભ્યાસ કર્યા પછી,ત્યાર પછીનું રાજયોગનું પગથિયું -તે "ધારણા" છે.
"ધારણા" એટલે મનને અમુક સ્થળ પર ચોંટાડી રાખવું.
એટલે કે-શરીરના બીજા બધા ભાગોને બાદ કરીને અમુક ભાગનો જ -મનને અનુભવ કરાવવો.
દાખલા તરીકે-શરીરના બીજા ભાગોને બાદ કરીને -એક માત્ર "હાથ" નો જ અનુભવ મનને થવા દેવો.
અને આમ જયારે ચિત્ત અમુક એક સ્થળે મર્યાદિત કરીને રોકી રાખવામાં આવે ત્યારે તે "ધારણા" કહેવાય.