Jan 30, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-65


ત્યારે વશિષ્ઠ મુનિએ પોતાનું મધુર ભાષણ બંધ કરીને કહ્યું કે-
હે, મહારાજ આજ તો આટલે સુધી જ સાંભળો,બીજું જે કહેવાનું છે તે હું કાલે પ્રાતઃકાળે કહીશ.
અને સઘળી સભા ઉઠી ને સર્વ પોતપોતાના સ્થાને ગયા.

સૂર્યનારાયણ જાણે અનુક્રમે સર્વ ને પ્રસન્ન કરવા-રૂપ નિયમ ને પાળવા ધરતા હોય તેમ
દેશાંતર માં પ્રકાશ કરવાને ગયા,ચારે બાજુ તારાઓ ના સમૂહ ને ધારણ કરનારી સંધ્યા પ્રગટ થઇ.
પક્ષીઓ પોતાના માળાઓ માં લપાઈ ગયા.
તારાઓ રૂપી હાર-વાળો અને ઉત્તમ શોભાવાળો અસ્તાચળ જાણે પોતાના જેવી જ શોભાવાળા આકાશની  
સાથે મળી ગયો,સંધ્યા દેવી લોકોએ કરેલી પૂજા નો સ્વીકાર કરીને પાછા વળ્યા,અને અંધકારો પ્રગટ થયા.
શીતળ પવન વાવા લાગ્યો.અને પોતાના તેજ-રૂપી દૂધના પ્રવાહથી ભરપૂર કરતો અને અમૃતમય
ચંદ્ર-રૂપી ક્ષીર-સાગર આકાશમાં ફેલાવા લાગ્યો. અને લોકો ઉપદેશ નું મનન કરતાં સૂઈ ગયા.

ધીરે ધીરે રાત્રિ  ગઈ ને ઘણા ઝાકળ વાળો પ્રાતઃકાળ આવ્યો.
આકાશમાં પુષ્પ-વૃષ્ટિ ની પેઠે પ્રકાશતા,તારાઓ જાણે પવનથી ઉડી ગયા હોય તેમ અદૃશ્ય થઇ ગયા.
અને આકાશમાં પોતાના પ્રકાશથી લોકો ના ચક્ષુ ઉઘાડનારા સૂર્યનારાયણ પ્રગટ થયા.

દેવલોકો અને મનુષ્ય લોકો -પ્રાતઃકાળ ની ક્રિયાઓ આટોપીને આગલા દિવસની જેમ જ સભામાં આવ્યા.
અને સઘળી સભા બેઠી.પવન થી મુક્ત થયેલું સરોવર જેમ સ્થિર થઇ જાય તેમ સભા સ્થિર થઇ ગઈ.
ત્યારે રામચંદ્રજી પોતાની મધુર વાણીથી બોલ્યા-કે-
ભગવન,મન,આ સઘળી લોક-રૂપી લતાને વિસ્તારનારુ છે,તો તેનું રૂપ કેવું છે? તે મને સ્પષ્ટ-પણે કહો.

ત્યારે વશિષ્ઠ બોલ્યા કે-હે,રામ,મન,આકાશની પેઠે શૂન્ય છે,અને જડ આકાર-વાળું છે.
તેનું નામ-માત્ર સિવાયનું બીજું કંઈ પણ રૂપ જોવામાં આવતું નથી.
હે,રામ,એ મન નું રૂપ બહાર કે હૃદયમાં ક્યાંય સ્પષ્ટ દેખાય તેવું નથી.તો પણ તે આકશની પેઠે સર્વ સ્થળોમાં
વ્યાપી રહ્યું છે.ક્ષણે ક્ષણે સંકલ્પો કરનારા એ મનમાંથી ઝાંઝવાના જળ જેવું આ જગત ઉત્પન્ન થયું છે.

પ્રત્યક્ષ અને પરોક્ષ -પદાર્થો નું ગ્રહણ કરવા જતાં વચમાં તે પદાર્થો નો જે આકાર સ્ફૂરે છે-
તે આકાર જ લોકો નું મન કહેવાય છે. બાકી મન નું બીજું કંઈ સ્વરૂપ નથી.

જે સંકલ્પ છે તે જ મન છે.જ્યાં જ્યાં સંકલ્પ ઉઠે છે,ત્યાં ત્યાં તેવા જ આકારથી મન જ ગોઠવાય છે.
સંકલ્પ અને મન ને આજ સુધી કોઈએ છૂટાં પાડ્યાં નથી.
પદાર્થો નો પ્રતિભાસ ખરો હોય કે ખોટો હોય,તો પણ તે પ્રતિભાસ મન નું જ  સ્વરૂપ છે.
અને એ મન જ -લિંગ-શરીર-વાળા "બ્રહ્મા" કહેવાય છે તેમ જ સમજો.

એ મન-રૂપી બ્રહ્મા પોતાના માં રહેલા સૂક્ષ્મ જગતને (લાંબા કાળ ના પરિચય ને લીધે)  સ્થૂળ માની લે છે-
એ જ એનું સ્ત્રષ્ટા-પણું (દૃશ્ય (જગત)પદાર્થ નું રચવા-પણું) છે.
એવી રીતે મન ના સર્જેલા -દૃશ્ય (જગત)પદાર્થ નાં પણ-અવિદ્યા,સંસૃતિ,ચિત્ત,મન,બંધ,મળ અને તમ-
એ નામો કહેવાઈ શકે છે-એમ વિદ્વાનો કહે છે. દૃશ્ય-પદાર્થ વિના બીજું કંઈ પણ મન નું પ્રત્યક્ષ રૂપ નથી.
(પરંતુ એ દૃશ્ય પદાર્થ તો ઉત્પન્ન થયો જ નથી-એ વિષે હું પાછળથી કહીશ)


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE