Mar 31, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-125



જાગ્રતના અને સ્વપ્નના સઘળા પદાર્થો ખોટા જ છે.પણ,જો,
સ્વપ્ન ના પદાર્થો ઉત્તર-કાળમાં (પછીના સમયમાં) જોવામાં આવતા નથી,માટે તે એકલા જ ખોટા છે,
એમ તું માનતી હોય તો,જાગ્રત ના પદાર્થો પણ ઉત્તર-કાળમાં (પછી ના સમયમાં) રહેતા નથી જ,એટલે,
સ્વપ્ન ના પદાર્થો કરતાં જગ્રતના પદાર્થો માં શી અધિકતા (કે ફરક) છે? વળી,
સ્વપ્નમાં જાગ્રતના પદાર્થો રહેતા નથી અને જાગ્રતમાં સ્વપ્નના પદાર્થો રહેતા નથી.

જેમ,જન્મ ના સમયમાં મરણ અસત્ય છે,અને મરણના સમયમાં જન્મ અસત્ય છે,
તેમ,જાગ્રતના સમયમાં સ્વપ્ન અસત્ય છે અને સ્વપ્ન ના સમયમાં જાગ્રત અસત્ય છે.

મહાપ્રલયમાં,યુગોમાં,અને આજ સુધી પણ જેનો કદી અભાવ થયો નથી,એવું તો એક "બ્રહ્મ" જ છે.અને,
તે બ્રહ્મ જ જગત-રૂપે ભાસે છે.એટલે કે  તેમાં "સૃષ્ટિ" નામની ભ્રાન્તિઓ પ્રતીત થાય છે.
માટે વાસ્તવિક રીતે વિચાર કરતાં સૃષ્ટિઓ છે જ નહિ.
જેમ,સમુદ્રમાં તરંગો (મોજાં) ઉત્પન્ન થઇ પાછાં તે સમુદ્રમાં જ લય પામે છે,તેમ,બ્રહ્મ માં આ સૃષ્ટિઓ
ઉત્પન્ન થઈને બ્રહ્મ માં જ લય પામે છે.તો પછી આ જગત પર શો વિશ્વાસ રાખવો?

આ પ્રમાણે સમજવું એ જ ઉત્તમ સ્થિતિ છે,અને એ સ્થિતિ પ્રાપ્ત થાય ત્યારે જગત-સંબંધી કોઈ ભ્રાંતિ
રહેતી નથી.જન્મ-મરણ-મોહ -વગેરે જે પ્રતીત થાય છે તે-અજ્ઞાન થી જ પ્રતીત થાય છે.
કારણકે બ્રહ્મ-જ્ઞાન થી એ સર્વે નો બાધ થતા-એ સઘળું નષ્ટ થઇ જાય છે.
આ જે દૃશ્ય (જગત) છે-તે સત્ય નથી,અસત્ય નથી કે ઉભય-રૂપ પણ નથી,જે છે તે બ્રહ્મ જ છે.

આકાશમાં,પરમાણુમાં કે કોઈ પદાર્થ ના ગર્ભમાં-પણ -જ્યાં સુધી "જીવ" હોય છે
ત્યાં સુધી જગતની પ્રતીતિ થાય છે.
જેમ,અગ્નિ પોતાની સ્વ-રૂપ-ભૂત "ઉષ્ણતા"ને પોતાનામાં અનુક્રમે ઉદય પામેલી માની લે છે,તેમ,આ
શુદ્ધ ચૈતન્ય-રૂપ "આત્મા" પોતાનાથી અભિન્ન એવા જગતને પોતાનામાં અનુક્રમે ઉદય પામેલું  માને છે.
આ સાકાર જણાતા જગતને નિરાકાર સમજવા માટે તારે હમણાં,એમ,સમજવું કે-

અવયવ-રહિત "બ્રહ્મ"માં -આવિર્ભાવ-તિરોભાવ,ગ્રહણ-ત્યાગ,સ્થૂળ-સૂક્ષ્મ.ચર-અચર-વગેરે વિભાગો
અજ્ઞાનથી જ કલ્પાયેલા છે.પણ, તેઓ આત્માથી અભિન્ન છે,તેઓ અવયવો છે જ નહિ.તે બ્રહ્મનું જ રૂપ છે.

આ જગત રજ્જુમાં થયેલા સર્પ ના ભ્રમની પેઠે સત્ય કહી શકાતું નથી,અને અસત્ય પણ કહી શકાતું નથી.
માટે તે "અનિર્વચનીય" છે.તે ખોટું છે છતાં અનુભવમાં આવે છે,માટે સત્ય છે અને-
તેની પરીક્ષા કરી જોતાં તે રહેતું નથી માટે તે-અસત્ય છે.
"જીવ" માયાની ઉપાધિ-વાળો ચૈતન્ય-રૂપ હોવાને લીધે,"બ્રહ્મ" જ છે,પણ વાસનાઓના દૃઢ,
અનુભવને લીધે તે "જીવ-પણા " ને પામેલ છે.હમણાં એટલું સમજવું જ બસ છે.

પરમ ચૈતન્ય આકાશમાં સ્ફૂરિત થયેલા આ જગતને -અધિષ્ઠાનથી સત્ય માનીએ તો-પણ ભલે,
અને તેની પોતાની સત્તાથી અસત્ય માનીએ તો પણ ભલે,પરંતુ હાલ તો એટલું સમજવાનું છે કે-
જીવ-પોતાની ઈચ્છાને અનુસરતા વિષયો ના અનુભવ થી તેને રંગી લે છે.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE