Apr 1, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-126



અનુભવાતા "વિષયો"માં કેટલાક વિષયો-પૂર્વના વિષયો જેવા જ અનુભવમાં આવે છે,
કેટલાક પૂર્વના વિષયો કરતાં કંઈક વિલક્ષણતા-વાળા અનુભવમાં આવે છે,અને
કેટલાક વિષયો તો સાવ નવા જ અનુભવમાં આવે છે.

આ રાજાને (વિદુરથને) સઘળી પૂર્વ ની વાસના ઉત્પન્ન થવાથી, તે જ મંત્રી અને તે જ લોકો છે. વળી,
તેઓ તે જ કુળમાં જન્મેલા,તેવી જ રીતભાત વાળા,અને તેવી જ ક્રિયાઓ વાળા પ્રતીત થાય છે.
આ સઘળા લોકો-જો અધિષ્ઠાન ની દૃષ્ટિએ જોઈએ તો,એના એ જ છે,અને જો,
દેશ-કાળ-ક્રિયાઓ ની દૃષ્ટિએ જોઈએ તો-તેઓના (પૂર્વ જન્મ ના લોકો ના) જેવા છે.

"ચૈતન્ય" તો વ્યાપક અને આત્મ-સ્વ-રૂપ છે,એટલે તેની સ્થિતિ આ પ્રકારની થઇ છે.
રાજાના ચિત્તાકાશ માં "ચૈતન્યમય-વાસનાનો" ઉદય થયેલો છે.અને તે જ પ્રમાણે આ સઘળું આગળ
વધેલું છે,અને તે અધિષ્ઠાન ની સત્તાથી સાચા જેવું લાગે છે,
જેમ રાજા(વિદુરથ),મંત્રી અને લોકો તને પૂર્વના જેવા પ્રતીત થાય છે,તેમ આ મહારાણી (નવી લીલા)
પણ તારા જેવા સ્વભાવ-વાળી,તારા જેવા આચરણ વાળી,તારા જેવા કુલવાળી,અને તારા જેવા
શરીરવાળી પ્રતીત થઇ છે.આ જે નવી લીલા છે-તે રાજાની પ્રતિબિમ્બિત થયેલી વાસના જ છે.

"અધિષ્ઠાન-ચૈતન્ય-રૂપી સર્વત્ર-વ્યાપક" - અરીસામાં "વાસના" જે પ્રકારે પ્રતિબિમ્બિત થાય છે,
તે આકારે ત્યાંજ સ્પષ્ટતાથી -સ્થૂળ રૂપે નિરંતર ઉદય પામે છે.
જીવની અંદર રહેલી જે "વાસના" છે-તે જ બહાર રહેલા ચૈતન્ય-રૂપી અરીસામાં પ્રતિબિમ્બિત થાય છે.
અને બાહ્ય-સ્થૂળ-આકાર રૂપે પ્રતીત થાય છે.

આકાશ,આકાશમાં રહેલું બ્રહ્માંડ,બ્રહ્માંડની અંદર રહેલી પૃથ્વી,અને પૃથ્વીમાં રહેલા તું, હું, અને રાજા,
એ સઘળું દેખાવ માત્ર જ છે.જે છે તે વાસ્તવિક રીતે "બ્રહ્મ" જ છે.
માટે હે લીલા,તું પણ એમ જ સમજ અને એ પ્રમાણે સમજીને તું જેવી છે -તેવી નિર્મળ-નિર્વિક્ષેપ  જ રહે.

(૪૫) જીવો પોતાના સંકલ્પ પ્રમાણે ફળ પામે છે

સરસ્વતી કહે છે કે-આ તારો સ્વામી વિદુરથ યુદ્ધભૂમિ માં દેહનો ત્યાગ કરી,
તે જ અંતઃપુર ને પ્રાપ્ત થઇ  પદ્મરાજા-રૂપે થશે.

વશિષ્ઠ કહે છે કે-એ પ્રમાણે સરસ્વતીએ લીલા ને કહ્યું.તે સાંભળીને તે નગરમાં રહેનારી તે
નવી (બીજી) લીલા સરસ્વતી ની આગળ આવીને ઉભી અને હાથ જોડીને નીચે મુજબ પ્રાર્થના કરી.

(બીજી) લીલા કહે છે કે-હે,દેવી,હું સર્વદા ચૈતન્ય-રૂપ ભગવતીનું પૂજન કરું છું અને તે દેવી મને સ્વપ્નમાં
દર્શન આપે છે,જેવા મારાં એપુજ્ય દેવી છે,તેવાં જ તમે છો,તો મુજ રાંક ને કરુણા કરી વરદાન આપો.
સરસ્વતી કહે છે કે-હું તારી ભક્તિથી પ્રસન્ન છું,તને જોઈતું હોય તે તું માગી લે.

(બીજી) લીલા બોલી-આ મારો પતિ રણમાં દેહ છોડીને જ્યાં રહે ત્યાં હું આ શરીરથી જ તેની  સ્ત્રી થાઉં,
એવું હું માગું છું. સરસ્વતીએ કહ્યું કે-તું માગે છે તે પ્રમાણે જ થશે.

(પહેલી) લીલા કહે છે કે-હે,દેવી,આપના જેવા બ્રહ્મ-રૂપ,સંકલ્પથી જે ધારે તે તરત સિદ્ધ થાય છે,તે છતાં,
આપ મને એ પહાડી ગામમાં મારા એના એ સ્થૂળ શરીરથી શા માટે તેડી ગયા હતા?


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE