May 10, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-156

કર્મે કરીને જે પદાર્થ મળે તેનું ગ્રહણ કરવું,તથા જે નાશ પામે તેનો શોક ના કરવો.
જે પુરુષ આવી રીતે રહે છે-તે જ્ઞાની ને -હાથમાં રહેલું બીલીનું ફળ કે પાસે રહેલો પર્વત જેમ પ્રત્યક્ષ
જણાય છે,તેમ જન્મ-મરણ વગેરે વિકાર થી રહિત એવું-બ્રહ્મ-પણું પણ પ્રત્યક્ષ જણાય છે.

જેવી રીતે મોટો સમુદ્ર અનેક પ્રકારના તરંગ ના ભેદ થી જણાય છે,તેવી રીતે,અજ્ઞાની મનુષ્ય ની દ્રષ્ટિએ,
અપ્રમેય આત્મા એ જ જગત-રૂપે જણાય છે,પણ  તે આત્મા નું સત્ય-જ્ઞાન થવાથી મોક્ષ-રૂપી સિદ્ધિ થાય છે,
અને તેવું જ્ઞાન ના થવાથી તે મન ને બંધનકારક થાય છે.

(૬૭) જીવ નું વ્યષ્ટિ સ્વરૂપે વર્ણન

રામ પૂછે છે કે-આ જીવ શું  પરમાત્મા નો અંશ છે? જીવ એ પરમાત્મા નું કાર્ય છે?કે એ પોતે પરમાત્મા છે?
પરમાત્મા થી એ જીવ કેવી રીતે ઉત્પન્ન થયો? અને તે કોણ છે? તે તમે મને ફરીથી કહો.

વશિષ્ઠ કહે છે કે-હે,રામ,બ્રહ્મ માં સમસ્ત "શક્તિ" રહેલી છે.અને તે સર્વ કરવાને સમર્થ છે.
જે "શક્તિ" થી તે જેવી "સ્ફુરણા" કરે છે,તેને તે પ્રાપ્ત થયેલ જુએ છે.
"સર્વાત્મા-ઈશ્વર" ની અનાદિકાળથી"ચૈતન્ય-રૂપ-સ્ફુરણા" થાય છે-તેને "જીવ" કહે છે.
આત્મા ને તેનું સ્વાભાવિક દ્વૈત-પણું -એ જ સંસારની પ્રવૃત્તિ નું મુખ્ય કારણ છે.ત્યાર પછી,
પૂર્વ સંકલ્પિત વાસનાને લીધે જન્મ-મરણનાં કારણ ઉત્પન્ન થાય છે.

રામ પૂછે છે કે-હે,મુનિશ્રેષ્ઠ,જયારે એ પ્રમાણે છે તો-દ્વૈત એટલે શું?કર્મ એટલે શું? અને કારણ એટલે શું?
વશિષ્ઠ કહે છે કે-આકાશમાંના વાયુ ની પેઠે સ્ફુરણા થવી તથા ના થવી એ બંને "ચૈતન્ય નો સ્વભાવ" છે.
જયારે તેની સ્ફુરણા થાય છે ત્યારે ઉલ્લાસ થાય છે અને જયારે નથી થતી ત્યારે તે શાંત રહે છે.
શુદ્ધ ચૈતન્ય માં સ્વાભાવિક "અવિદ્યા" ની સ્ફુરણા થાય છે-ત્યારે તેને "સ્પંદન" કહે છે.
અને એથી આ જગત દેખાય છે.પછી જયારે દૃશ્ય (જગત) ની દ્રશ્યતા શાંતિ થાય છે ત્યારે
તેને "અ-સ્પંદન" (સ્ફુરણા ના થવી) કહે છે.

શુદ્ધ ચૈતન્ય ના સ્પંદન થી "સૃષ્ટિ" ની સ્ફુરણા થાય છે અને અ-સ્પંદનથી "શાશ્વત બ્રહ્મ" ની સ્ફુરણા થાય છે.
ચૈતન્ય ના "સ્પંદન" ના જીવ (પ્રાણ ના હલન ચલન ને જીવ કહે છે)-કારણ (પોતાની અંદર રહેલાં કાર્ય પેદા થવાં-તેથી કારણ) અને કર્મ (શરીર નું હલન ચલન થવાથી કર્મ થાય છે) એવાં જુદાંજુદાં નામ છે.
અને તે સંસાર નું બીજ છે.

આ પ્રમાણે,દ્વિત્વ (બે અથવા દ્વૈત) થયેલા ચૈતન્ય ના આભાસથી,કર્મ અનુસાર,મરણ સમયના સંકલ્પને
લીધે,જે પ્રકારની વાસના થાય તેવો સૃષ્ટિમાં દેહ ઉત્પન્ન થાય છે.અને-
વિવિધ પ્રકારના ભોગવવાના પદાર્થ ઉત્પન્ન  થાય છે.
હજારો જન્મ તથા મરણનાં કારણને પામેલો જીવ ઘણા જન્મ પછી મોક્ષ ને પામે છે.
ત્યારે જ્ઞાની એક જ જન્મ માં મોક્ષ પામે છે.

ચૈતન્ય ના સ્વભાવને જેવી ઉપાધિ નો સંબંધ તેવાં તેનાં કારણો બંધાય છે,
તેથી કોઈ સમયે સ્વર્ગ-નરક-મોક્ષ કે બંધન પ્રાપ્ત થાય છે.
જેમ સુવર્ણ ના કુંડળ વગેરે પહેરેલાં હોય તેમ તે કાષ્ટસમાન આ જડ-દેહમાં જન્મ-મરણ વગેરે વિકાર રહેલા છે.
આમ ઉપરના જન્મ-મરણ ના વિકાર કુંડળની પેઠે ખોટા જ છે,તથા થતા જ નથી.
તો પણ ભ્રમને લીધે જન્મ થયો-સ્થિતિ થઇ-મરણ થયું-વગેરે વિકારનો અનુભવ થાય છે.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE