Aug 6, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-242


આ પ્રમાણે-વાસના ન્યૂન થવાથી-અસંસક્તિ –ને લીધે-અસત્ય વસ્તુમાં ભાવના ઓછી થાય છે.
તેથી,તે મનુષ્ય સમાધિમાં હોય,વ્યવહાર કરતો હોય કે-અસત્ય સંસાર ની વસ્તુમાં રહેલો હોય-છતાં પણ-
(આત્મામાં મન ઓછું થવાથી-અને નિરંતર અભ્યાસ ને લીધે) તેમાં તેની વાસના હોતી નથી.
તે સંસારિક વસ્તુઓને દેખતો જ નથી,તેનું સ્મરણ કરતો નથી,કે તેનું સેવન કરતો નથી.
પણ,સૂઈને ઉઠેલા બાળક ની પેઠે-સ્નાન-ભોજન વગેરે “કર્તવ્ય-કર્મ” કરે છે.
તેવા મનુષ્ય નું ચિત્ત અત્યંત સૂક્ષ્મ બ્રહ્મ-રસ માં લીન થઇ ગયેલું હોવાથી,
પદાર્થ-ભાવની” નામની જ્ઞાન ની છઠ્ઠી ભૂમિકા માં આવે છે.
ઉપર પ્રમાણે પરબ્રહ્મ માં ચિત્ત લીન થવાથી-તે કર્તવ્ય-કર્મ કરે છે-
તો પણ ક્રમ-પૂર્વક તેની ભાવના નો ત્યાગ કરે છે.
તેથી તે “તુર્યગા” નામની સાતમી યોગ-ભૂમિકામાં આવે છે.અને તે “જીવનમુક્ત” કહેવાય છે.

આવી જીવન-મુક્તની દશા પ્રાપ્ત થાય બાદ-તેને પ્રાપ્ત થયેલી વસ્તુથી આનંદ થતો નથી કે-
અપ્રાપ્ત વસ્તુને માટે શોક થતો નથી.કેવળ-શંકા-માત્ર નો ત્યાગ કરીને –
જે સમયે જેની પ્રાપ્તિ થાય તેને તે અનુસરીને રહે છે.
હે,રામચંદ્રજી.તમે પણ જે જાણવાની વસ્તુ છે તેને જાણી લીધી છે.
તથા સર્વ ભાવમાંથી તમારી વાસના પણ ઓછી થયેલી છે,
માટે તમે શરીર થી બહાર (સમાધિમાં) રહો કે શરીરમાં (લોક-વ્યવહારમાં) રહો-
પણ હર્ષ-શોક પામો નહિ-કારણકે-તમારું નિર્મળ આત્મા નું સ્વ-રૂપ છે.

હે,રામ, તમે આત્મા-રૂપ,સ્વયંપ્રકાશ,નિર્મળ,સર્વ સ્થળે રહેનારા અને સર્વદા ઉદય-વાળા છો,
માટે સુખ-દુઃખ-જન્મ-મરણ તમને કેમ ઘટે?
તમે બંધુ રહિત છો તે છતાં બંધુ ના દુઃખ માટે શોક શા માટે?
અદ્વિતીય પણે રહ્યા પછી-આત્માને વળી બંધુ કોણ?
દેશ-કાળ ને લીધે માત્ર દેહમાં પરમાણુ નો સમૂહ જોવામાં આવે છે.પણ,આત્મા ને ઉદય કે લય નથી.
તમે અવિનાશી છો, છતાં,”હું નાશ પામું છું”એમ ધારીને ખેદ શા માટે?
કારણકે-મૃત્યુ રહિત અને સ્વચ્છ સ્થાનક રૂપ આત્માનો વિનાશ છે જ નહિ.

જેવી રીતે એક ઘડાનો નાશ થતાં ઘટાકાશ નો નાશ થતો નથી,
તેવી રીતે,શરીરનો નાશ થવાથી આત્મા નો નાશ થતો નથી.
જેવી રીતે મૃગજળ નો નાશ થવાથી તડકા નો નાશ થતો નથી,
તેમ દેહનો નાશ થવાથી આત્મા નો નાશ થતો નથી.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE