Aug 8, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-244


આ સંસારમાં જે ચિત્ર-વિચિત્ર દુઃખો જોવામાં આવે છે-તે બધાં દેહને છે,પણ અગ્રાહ્ય એવા આત્માને નથી.
ચૈતન્ય તો મન ના માર્ગ નું અતિક્રમણ કરીને શૂન્ય ની પેઠે રહેલું છે.તેને સુખ-દુઃખ-રૂપે કેમ વ્યાપ્ત થાય?

આ દેહ-પિંજર નો નાશ થયા પછી,દેહમાં રહેનારો આત્મા,દેહનાં અભિમાન ને ત્યાગ કરીને પોતાના મૂળ-સ્થાનક પરમાત્મા માં જ લય પામે છે.પણ દેહને વાસનાનો અભ્યાસ હોવાથી તેની મુક્તિ થતી નથી.
હે,રામ,જો આ "જીવ-રૂપી આત્મ-તત્વ" (શરીર) મિથ્યા હોય,
તો પછી આ દેહ-પીંજરનો નાશ થવાથી,કોનો નાશ થાય છે?તથા કોના માટે તમે ખેદ કરો છો?
માટે સત્ય એવા બ્રહ્મ નું ચિંતન કરો,મોહની ભાવના કરો નહિ.

ઈચ્છારહિત તથા નિર્મળ આકૃતિ વાળા આત્માને કંઈ પણ ઈચ્છા થતી નથી.
જેમ,દર્પણ ને અને પ્રતિબિંબને ઈચ્છા ના હોવા છતાં પણ પરસ્પર તેઓનો સંબંધ થાય છે-
તેમ,આત્મા તથા આ જગતનો –આ જગતમાં ઈચ્છા વિના જ સંબંધ થાય છે.અને
તેને લીધે જ ભેદ-અભેદ ની વ્યવસ્થા કરવામાં આવે છે.
સૂર્યોદય થી જેમ,જગતની ક્રિયાનો પ્રારંભ થાય છે,
તેમ ચૈતન્ય ની સત્તા-માત્ર થી આ જગતની ઉત્પત્તિ થાય છે.

હે,રામ, આમ,(અત્યાર સુધીના) મારા ઉપદેશ પ્રમાણે જગત ની સ્થિતિના આકારની નિવૃત્તિ કરાઈ છે,
માટે તમારા ચિત્તમાં પણ આ જગત આકાશ-રૂપ (શૂન્ય) છે એમ (હવે) તમારા સમજવામાં આવ્યું હશે.

જેમ દિવાની સત્તાથી,પ્રકાશ થવો એ સ્વાભાવિક છે,તેમ,જગતની સ્થિતિ એ ચૈતન્ય નો સ્વભાવ છે.
જેમ,આકાશ શૂન્ય છે પણ તે મનોહર શ્યામતા ઉત્પન્ન કરે છે,
તેમ,મન પોતાના અનેક પ્રકાર ના વિકલ્પથી,આ જગતને ઉત્પન્ન કરે છે.
સંકલ્પ-વિકલ્પ નો ક્ષય થયા પછી,ચિત્ત ગળી (ક્ષય થઇ) જાય છે,અને તેથી,
સંસારનો મોહ મટી જાય છે.અને મોહ મટવાથી,જન્મ-મરણ રહિત એક ચૈતન્ય રૂપ જ જણાય છે.
આમ,પ્રથમ કર્માંત્મક (કર્મો કરનાર) “મન” નો ઉદય થાય છે.
પછી તે મનના સંકલ્પને લીધે,બ્રહ્મા-મનુ વગેરે સ્ત્રષ્ટા –શરીર રૂપે થાય છે.
પછી જેમ,મુગ્ધ બાળક ભૂતની કલ્પના કરે-તેમ મનથી  અનેક પ્રકારના જગતનો વિસ્તાર થાય છે.

પછી મહાસાગરમાં તેની સત્તાથી જેમ જળના તરંગો દેખાય છે,
તેમ તે અસત્-રૂપ મન પોતે પોતાના અધિષ્ઠાન-રૂપ ચૈતન્યમાં
ચૈતન્ય-માત્ર ની સત્તા-માત્ર થી જગત-રૂપી મહાન શરીર ધારણ કરીને સ્ફૂરે છે.
અને તે અસત્ હોવા છતાં સત્ હોય તેમ દેખાય છે.અને વારંવાર ઉત્પન્ન થઈને લય પામે છે.

ઉત્પત્તિ-પ્રકરણ-સમાપ્ત


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE