More Labels

Sep 10, 2015

Yog-Vaasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-277


આ રીતે,વાસનાને અનુસરીને પ્રાપ્ત થયેલા દેહમાં "જ્ઞાનેન્દ્રિયો" પ્રગટ થાય છે,
અને તે જ્ઞાનેન્દ્રિયો-પોતપોતાના "વિષયો"ની પ્રાપ્તિ ને અનુકૂળ ક્રિયાઓ કરવા માટે -
"કર્મેન્દ્રિયો" ના સમૂહ પણ પોતાની મેળે જ પ્રગટ થાય છે.અને-
જેમ,પવન ચપળતા પામતાં -પૃથ્વી ની રજ (ધૂળ) પણ ચપળ થાય છે,
તેમ,જ્ઞાનેન્દ્રિયો-વિષય-લંપટ થતાં,કર્મેન્દ્રિયો પણ પોતાપોતાની ક્રિયાઓમાં લંપટ થાય છે.

ક્ષોભ પામેલી કર્મેન્દ્રિયો પોતપોતાની "ક્રિયા-શક્તિ" ને પ્રગટ કરતાં-ઘણાંઘણાં "કર્મો" ઉત્પન્ન કરે છે.
આ પ્રમાણે, "કર્મ નું બીજ મન જ છે" અને સાથે સાથે એમ પણ કહી શકાય કે-"મન નું બીજ એ-કર્મ છે"
જેમ,પુષ્પ અને તે પુષ્પ ની સુગંધ ની સત્તા એક જ છે,તેમ "મન અને કર્મ" ની "સત્તા" એક જ છે.
મન,દૃઢ અભ્યાસને લીધે,જે જે ભાવનાનું ગ્રહણ  કરે છે,તે તે ભાવનાને અનુસરતી,
"ઇન્દ્રિયો ના ચલન-રૂપ" વિસ્તીર્ણ શાખાઓ તે મન માંથી નીકળે છે.

મન જે વાસના માં લંપટ થયું હોય,તે વાસનાને અનુસરતાં "ફળો" ને અવશ્ય ઉત્પન્ન કરે છે.
અને તેના સ્વાદ નો અનુભવ કરીને તે (મન) તુરત જ -તેમાં બંધાઈ જાય છે.
મન જે જે વિષય નું ગ્રહણ કરે છે તે તે વિષયને જ તે સાચો માની લે છે,અને તેમ થતાં-
"પોતે પકડેલો વિષય જ કલ્યાણ-રૂપ છે,એ સિવાય બીજા કશા થી કલ્યાણ  નથી જ"
એવો મન ને નિશ્ચય થઇ જાય છે.

આ રીતે પોતપોતાના (મન ના) નિશ્ચયો  પ્રમાણે,જુદાજુદા વલણો પામેલા લોકોનાં "મન",
"ધર્મ-અર્થ-કામ-મોક્ષ" ની પ્રાપ્તિ માટે-પોતપોતાના વલણો પ્રમાણે સર્વદા જુદાજુદા યત્નો કરે છે.

"સાંખ્ય-સિદ્ધાંતો" (સાંખ્ય-દર્શન) વાળાઓનું મન નિર્મળ હોવાથી,તે મન,પ્રથમ તો,
"આત્મા ના અસંગપણામાં,અને ચૈતન્ય-માત્ર-પણામાં" (એવું કહેવામાં) બરોબર પહોંચ્યું છે.
પણ "પ્રધાન" ને  (પ્રકૃતિને) જગત નું "કારણ" ઠરાવવામાં (મન થી) તે ઠગાયું છે.
આ પ્રમાણે-તે સાંખ્ય-સિદ્ધાંત વાળાઓને  એક અંશમાં સાચા-પણ બીજા અંશમાં ખોટા હોવા છતાં,
"પોતાના મન ના ફાંટાઓથી-પોતાનું ઠરાવેલું જ સત્ય છે" એમ માની લીધું છે (એટલે કે મન જ તેનું કારણ છે)
અને તે માનવા પ્રમાણે તેમણે ગ્રંથો બનાવી લીધા પણ છે.વળી,
"સાંખ્ય-સિદ્ધાંત ને અનુસર્યા વિના કોઈનો પણ મોક્ષ થવાનો નથી" એવા નિશ્ચય થી,
"પોતે કલ્પેલા-નિયમો-રૂપી-ભ્રમો" ને પકડી બેઠેલા -તે "સાંખ્ય-સિદ્ધાંત-વાળા-લોકો" પોતાની ચાતુરી નો
પ્રકાશ કરીને બીજાઓના મનમાં પણ પોતાનો સિદ્ધાંત ઠસાવવા નું કાર્ય કરે છે.

વેદાંતી (વેદાંત-દર્શન) લોકોના મન નો નિશ્ચય છે કે-
"આ જગત બ્રહ્મ છે અને બ્રહ્મ થી જુદું બીજું કશું-અણુમાત્ર પણ નથી"
અને આવા નિશ્ચય-રૂપ વલણ પર ચડેલાં વેદાંતીઓએ   મન થી એવો નિશ્ચય કરેલો  છે કે-
"સઘળા અનર્થો ની નિવૃત્તિ અને પરમાનંદ ની પ્રાપ્તિ એ જ મોક્ષ છે"
જો કે વેદાંતી લોકો "મોક્ષ ના સ્વ-રૂપ નો નિશ્ચય" કરવામાં કંઈ પણ ભૂલ્યા નથી,
તો પણ,તે મોક્ષ જેનાથી પ્રાપ્ત થાય છે-તેવા "જ્ઞાનની પ્રાપ્તિ" માટે
"સાધનો" નો "નિર્ણય" કરવામાં અને તે નિર્ણય નો શાસ્ત્ર દ્વારા ઉપદેશ કરવાની "પ્રક્રિયાઓમાં"
તે લોકોએ (વેદાંતીઓએ) પોતપોતાના "મન ના ફાંટા" પ્રમાણે ભારે ગોથાં ખાધાં  છે.

વિજ્ઞાન-વાદી "બૌદ્ધો" પોતાના મન ના ભ્રમથી ચકચકિત એવી બુદ્ધિ થી નિર્ણય કરી બેઠા છે કે-
શમ-દમ-આદિ સાધનો થી જ મુક્તિ સાધ્ય થાય છે.
તેઓ "સર્વજ્ઞ-બુદ્ધિ-રૂપ-ધારા" માં પ્રવેશ કરવાની સ્થિતિ ને મુક્તિ કલ્પે છે.
અને એ સિવાય બીજી કોઈ રીતથી મુક્તિની પ્રાપ્તિ નથી-
એવા નિશ્ચય વાળા "બૌદ્ધો" પોતાના નિયમો ના ભ્રમો-વાળી પોતાની તે દૃષ્ટિ ને પ્રસિદ્ધ કરે છે.

"લોચ" (એટલે માથા ના વાળ પોતાને હાથે ખેંચી નાખવા) કરવાના કે ઉપવાસ કરવાના-વગેરે
અહિંસાના નિયમો પાળ્યા વિના મુક્તિની પ્રાપ્તિ થવાની જ નથી-એવી ભ્રાંતિ ને લીધે દૃઢ નિશ્ચયને
પામેલા જૈન લોકોએ "આકાશમાં ઉંચે ને ઉંચે ચડતું જવું એ જ મુક્તિ છે"
એમ પોતાના મન ના ફાંટાઓના વિચારો પોતાના ગ્રંથ દ્વારા પ્રગટ કર્યા છે.

(નોંધ-અહીં એ શંકા સ્વાભાવિક છે કે-વાલ્મીકિ ના સમયમાં બુદ્ધ અને મહાવીર ની વાત કેવી રીતે આવી?
પણ એ વાત કોઈ સંશોધકો માટે કે ચર્ચા કે વાદવિવાદ વાળા માટે જ છોડી દઈને -અને
અહીં આપણે મન ના નિર્ણય-વિશેની વાત કરીને જે સમજાવવા માગે છે તે જ આગળ સમજીશું??

રેફરન્સ-અખંડાનંદ ની પબ્લીશ કરેલી યોગ-વાસિષ્ઠ -બુક ના પાન-નંબર -૪૪૨-પર આ લખેલું છે )

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE