Sep 11, 2015

Yog-Vaasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-278


આમ,પોતાના મનના ફાંટાઓથી,જુદા જુદા સંપ્રદાયો ના વિચિત્ર આચરણો કરનાર બીજા ઘણા લોકોએ પણ
આ જ રીતે,પોતાના મનમાં આવ્યા તેવા શાસ્ત્ર-વિચારો કલ્પી કાઢયા છે.
જાણે કે-નિશ્ચળ પાણીમાં કોઈ પણ નિમિત્ત વિના જ -પરપોટા ઓના સમુહો ઉઠયા હોય,
તેમ,સર્વ કોઈના મન ના નિરર્થક નિશ્ચયો ને લીધે,અનેક પ્રકારના "આડંબરો-વાળા-સંપ્રદાયો" ચાલેલા છે.
હે,રામ,જેમ સઘળા પ્રકાર ના મણિ ઓનું ઉત્પત્તિ-સ્થાન સમુદ્ર છે-તેમ-આવા સંપ્રદાયો નું ઉત્પત્તિ-સ્થાન "મન" છે.અરે,સંપ્રદાયો સિવાય પણ,સઘળા પ્રકારની વિચિત્રતાઓ નું  કારણ પણ "મન ની કલ્પના" જ છે.

વાસ્તવિક રીતે જોવા જાઓ તો,લીંબડો કડવો નથી,શેરડી મીઠી નથી ,ચંદ્ર શીતળ નથી, કે અગ્નિ ગરમ નથી,તે છતાં,જે વસ્તુ પર જેવી કલ્પનાઓ નો "લાંબા સમય સુધી અભ્યાસ" કરવામાં આવે છે,
તે વસ્તુ તેવા પ્રકાર ની જ અનુભવ માં આવે છે.અને એટલે જ લીંબડો કડવો,શેરડી મીઠી,
ચંદ્ર શીતળ અને અગ્નિ ગરમ છે એમ પ્રતીત થાય છે.

"મોક્ષ" એ તો અકૃત્રિમ આનંદ છે.સાવધાન મનુષ્યોએ તે મોક્ષ ને માટે પોતાના મન ને તન્મય કરી દેવું જોઈએ.જેથી જ તે મોક્ષ ની પ્રાપ્તિ થાય છે.મન,તુચ્છ દૃશ્ય (જગત) ને છોકરાંની જેમ હાથમાં લઇ લઈને રમાડે છે.તે મન જો એ દૃશ્ય ને છોડી દે તો-દૃશ્ય ના સંસર્ગ થી થનારાં સુખ-દુઃખ થી તે ખેંચાતું જ નથી.

દૃશ્ય (જગત) રૂપ વિસ્તીર્ણ બંધન અપવિત્ર છે,ખોટું છે,મોહ ઉપજાવનારું છે અને પ્રતીતિ-માત્ર છે.
તેની ભાવના જ કરો નહિ.જે દૃશ્ય (જગત) છે તે જ -"માયા" છે અને તે જ "અવિદ્યા"  (અજ્ઞાન) છે.
માટે તેની ભાવના -બહુ ભયંકર પુરવાર થાય છે.
"મન નું દૃશ્ય માં જે એકાગ્ર-પણું રહે છે" તે જ મન માં "મોહ" ઉપજાવવાની "શક્તિ" છે,એમ સમજો.
આમ છે,એટલે માટે જ "દૃશ્ય-રૂપ" જે ખોટો અને મહા-મેલો કાદવ છે તેને ધોઈ જ નાખો.
મન માં જે સ્વાભાવિક રીતે "દૃશ્ય-પણું" જોવામાં આવે છે,
એ જ સંસાર-રૂપી મદિરા છે,અને તે જ અવિદ્યા (માયા) છે-એમ વિદ્વાન લોકો કહે છે.

જેમ,આંખ આગળ આવેલાં પડળ થી આંખે આંધળો થયેલ મનુષ્ય,સૂર્ય ના તેજ ને જોઈ શકતો નથી,
તેમ,"દૃશ્યમય-પણા-રૂપ- અવિદ્યા" (માયા) થી હણાયેલો જીવ કલ્યાણ પામતો નથી.
હે,મહાબુદ્ધિમાન,એ અવિદ્યા -આકાશના વૃક્ષ ની પેઠે (આકાશમાં વૃક્ષ હોઈ શકે નહિ) સંકલ્પ માંથી,પોતાની
મેળે જ ઉત્પન્ન થાય છે.તે ભાવના નો નાશ કરવાનું સાધન કેવળ-"સંકલ્પ નો ત્યાગ" જ છે.
જયારે દ્વૈત (પુરુષ અને પ્રકૃતિ) ની ભાવના  ક્ષીણ થાય છે,ત્યારે સદવિચાર પોતાની મેળે જ પ્રફુલ્લિત થાય છે.અને તે સદવિચાર થી કોઈ પણ પદાર્થો માં આસક્તિ રહેતી નથી.

અસત્ય વિચાર નાશ પામે -અને-સત્ય વિચાર પ્રાપ્ત થાય, તો નિર્વિકલ્પ ચૈતન્ય અને નિર્મળ-સ્વરૂપ
તે "બ્રહ્મ" ની પ્રાપ્તિ થાય છે.કે જે બ્રહ્મ ની અંદર જગત,માયા,વિષ-જન્ય સુખ કે દુઃખ-
કંઈ પણ જોવામાં આવતું નથી.પણ માત્ર "કેવળ-પણું" જ જોવામાં આવે છે.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE