Oct 18, 2015

Yog-Vaasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-315



જેમ,દીવાની સત્તાથી પ્રકાશ પોતાની મેળે જ થાય છે,જેમ સૂર્યની સત્તા થી દિવસ પોતાની મેળે જ થાય છે,
અને જેમ પુષ્પ ની સત્તાથી સુગંધ પોતાની મેળે જ થાય છે-
તેમ આત્મા ની સત્તાથી જગત પોતાના મેળે જ થયું છે.આ જગત આભાસ-માત્ર જ છે અને દેખાયા કરે છે,-એટલું જ છે,પણ તે બ્રહ્મ ની સત્તાથી જુદી સત્તા-વાળું નથી.

જેમ,વાયુ નું ચલન વાયુ થી ભિન્ન પણ નથી,અને અભિન્ન પણ નથી
તેમ આ જગત બ્રહ્મ થી ભિન્ન પણ નથી અને અભિન્ન પણ નથી-
પરંતુ અનિર્વચનીય (નિરૂપણ ના થઇ શકે તેવું) છે,
જગત આત્મા ના સામીપ્ય-માત્ર થી પ્રગટ થાય છે અને તેના દોષોનો આત્માને વાસ્તવિક રીતે કોઈ લેપ નથી તે છતાં,આત્મા જાણે જગત નો કર્તા-હર્તા હોય,એમ આપણા 'અજ્ઞાન' ને લીધે જ જણાય છે.

આમાં (અહીં) કેવળ (માત્ર) એટલું જ સમજવાનું છે કે-
જેમ,પુષ્પો જેવા તારાઓ આકાશમાં કોઈ વખતે પૂર્ણ રીતે પ્રગટ થાય છે,
કોઈ વખતે થોડા તો કોઈ વખતે પ્રગટ થતાં જ નથી,
તેમ, આત્મા માં આ બ્રહ્માંડો અજ્ઞાન ના સમયમાં પૂર્ણ પ્રગટ થાય છે,જ્ઞાન ની ઉત્પત્તિ ના સમયમાં
થોડાં પ્રગટ થાય છે,અને જ્ઞાનના  પૂર્ણ (પુખ્ત) સમયમાં (તે બ્રહ્માંડો) પ્રગટ થતાં જ નથી.

જે પદાર્થ,આત્મા થી જુદી સત્તા-વાળો હોય તેનો નાશ થવો સંભવે,
પણ જે પદાર્થ (જગત) આત્માની સત્તાથી જુદી સત્તાઓ વાળો ના હોય -તેનો નાશ થવો કેમ સંભવે?
માટે જો જગતને ઉત્પન્ન થયેલું માનીએ-તો-આત્મા થી જ ઉત્પન્ન થયેલું અને આત્મા ની સત્તા થી ઉત્પન્ન થયેલું માનવું જોઈએ.(પણ) વાસ્તવિક રીતે જોતાં જે પદાર્થ (અહીં બ્રહ્મ) ની સત્તા થી જુદી સત્તાવાળો
બીજો કોઈ પદાર્થ (અહીં જગત) ના હોય,તો તેની ઉત્પત્તિ માનવી એ 'અયોગ્ય' છે.
એટલા માટે જગત ની ઉત્પત્તિ થઇ જ નથી.

આમ,હોવાથી સમજવાનું એ છે કે-બીજી કોઈ સામગ્રીથી નહિ પણ,
--'સત્-ચિત્ત-સ્વ-રૂપ' ના બળ (શક્તિ) થી જ સર્વ પદાર્થો (જગત-વગેરે) નો 'દેખાવ' થાય છે,
--આવો દેખાવ થતાં જ આત્માને તે તે પદાર્થોમાં 'અભિમાન' (અહં) નો ઉદય થાય છે
--કે જે 'અભિમાન' કાળે કરીને (સમય જતાં) દૃઢ થાય છે,અને
--એ 'અભિમાન નું  દૃઢ-પણું' થતાં તરત જ 'સંસાર-રૂપી વૃક્ષ' વિસ્તીર્ણ અને ઉન્નત (ઊંચું) થાય છે.
હે,રામ,આ 'સંસાર-રૂપી-વૃક્ષ' ને 'વિવેક-રૂપી-ખડગ' થી કાપી નાખીને તમે જીવન-મુક્ત થાઓ.
(નોંધ-અહીં જો જરા ઊંડાણ થી વિચાર કરવામાં આવે તો-ટૂંકમાં માત્ર સહેલાઈથી સમજવા માટે જ -
એક જ પરમાત્મા (બ્રહ્મ) માં જે બળ (શક્તિ) બતાવી છે તેને જ 'માયાની -શક્તિ' તરીકે સમજી શકાય? ?
'એક' માં જ ભેદ (બે-દ્વૈત નો) ની કલ્પના કરીને 'અહં' ની ઉત્પત્તિ બતાવી છે.
એટલે બીજી રીતે એમ કહી શકાય કે-બે ના સતત સાતત્ય થી તેઓમાં બિંબ-પ્રતિબિંબ ની ક્રિયા થાય છે,
અને જેના લીધે 'હું' (અહં) ની ઉત્પત્તિ થાય છે,કે જે કાળે (સમયે) કરીને ગાઢ થવાથી,જગત બને છે)

(૪૦) જીવ અને ઉપાધિ નું બ્રહ્મ-પણું

રામ કહે છે કે-હે,પ્રભુ,બ્રહ્મના સ્વરૂપમાંથી આ જીવો ની ઉત્પત્તિ કેમ થઇ છે? એ ઉત્પત્તિ કેટલા પ્રમાણ વાળી છે?અને કેવા પ્રકાર ની છે તે આપ વિસ્તારથી કહો.

વસિષ્ઠ કહે છે કે-પરબ્રહ્મ ની 'ચૈતન્ય-શક્તિ' પોતાની ઇચ્છાથી 'કલ્પના' કરવા લાગતાં,
--પોતે સર્વ-શક્તિમાન હોવાને કારણે-'ભવિષ્ય ના આકારોના સ્ફૂરણ-રૂપે' ગોઠવાય છે,પછી-
--એ 'સૂક્ષ્મ સ્ફૂરણ-ચૈતન્ય-શક્તિ' ઘાટા-પણાને પ્રાપ્ત થઇ કંઈક વધારે 'કલ્પના' કરવા લાગે છે-ત્યારે
--તે 'મન-રૂપે' ગોઠવાય છે.અને આ 'મન' એ 'જીવ' ની 'ઉપાધિ-રૂપ' કહેવાય છે.
આ જ 'મન' પોતાની 'બ્રહ્મ-રૂપ-પણા'ની સ્થિતિને જાણે છોડી દેતું હોય તેવું થઈને,પોતાના 'સંકલ્પ-માત્ર'થી
જરા વારમાં જ ગંધર્વ નગર (ભ્રાંતિ થી થતું નગર) જેવા મિથ્યા દૃશ્ય (જગત)ને બનાવે છે.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE