Nov 1, 2015

Yog-Vaasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-329


ચિત્ત (મન) જેને મિથ્યા-સંકલ્પ-રૂપે ન કરી શકે-કે-ચિત્ત જેમાં મિથ્યા-સંકલ્પ-રૂપે ગતિ ના કરી શકે,એવો કોઈ દુષ્કર અગમ્ય પદાર્થ છે જ નહિ.એવી કોઈ શક્તિ નથી કે મનમાં ના હોય-કે-ઈશ્વરમાં ના હોય !!
સર્વ-શક્તિમાન-મહા-ચૈતન્ય સદા વિદ્યમાન છે,તેને લીધે જ સર્વ પદાર્થોમાં સાચા-પણું પણ સંભવે છે અને ખોટા-પણું પણ સંભવે છે.સર્વ પદાર્થો (મન-પણ) મહા-ચૈતન્યમાં કલ્પિત હોવાને લીધે -તે મહા-ચૈતન્ય ની સત્તાથી સાચા છે અને પોત-પોતાની સત્તાથી ખોટા છે.


હે,રામ,તે મન સ્વપ્નાવસ્થામાં વાસનાથી જ બીજા શરીરને ગ્રહણ કરી લે છે,અને એવી રીતે
આ શરીર ને તેણે જ ગ્રહણ કરેલું છે -તેમ વિચારો.
મન સઘળી શક્તિઓ વાળું હોવાથી સઘળા જગત ની કલ્પના તેણે જ કરી છે,તેમ વિદ્વાનો સમજે છે.
દેવ,અસુર,નર-વગેરે સઘળા પદાર્થો સંકલ્પથી બનેલા છે અને જયારે તે સંકલ્પ શાંત થાય છે ત્યારે-
તેઓ તેલ વગરના દીવા ની જેમ શાંત થઇ જાય છે.

હે,રામ,આ જગત.એ વિચાર-વિનાના પુરુષને અનેક જન્મોમાં ભમાવે તેવું છે,માટે,
કામના,તૃષ્ણા અને કલ્પના સહિત તે જગતની ભાવનાને છોડીને નિષ્પ્રપંચ આત્મ-સ્વ-રૂપ ની જ ભાવના કરો.
જગત એક લાંબા સ્વપ્ન જેવું છે તેમ સમજો.અને તે મિથ્યા જ છે,એમ જાણીને તેમાં રુચિ રાખો જ નહિ.
સમજુ પુરુષ ઝાંઝવાના પાણી ને જાણ્યા પછી,તે માટે દોડતો જ નથી.
જે,મૂઢ બુદ્ધિ-વાળો પુરુષ,પોતાના મનો-સંકલ્પ થી ઉઠેલી,
મનો-રાજ્ય ની લક્ષ્મીને સાચી માનીને તેને અનુસર્યા કરે છે,તે પુરુષો દુઃખ ને પાત્ર જ બને છે.

જો,સાચી વસ્તુ  હાજર ન હોય તો -લોકો ભલે ખોટી વસ્તુની પ્રાપ્તિ માટે દોડે-પરંતુ,
પુરુષ સાચી વસ્તુને ત્યજી દઈને ખોટી વસ્તુ માટે દોડ કરે છે તો તે નાશ જ પામે છે.
કેવળ વાસનાઓની વિચિત્રતા ને લીધે જ આ જગત લાંબા કાળ થી દેખાયા કરે છે.
મિથ્યા જગતના પદાર્થો થી મૂર્ખ લોકો જ ઠગાય છે,તમારા જેવા તત્વવેત્તાએ તેનાથી ઠગાવું જોઈએ નહિ.
જે પુરુષ આ સંસારની ભાવનાથી સુખ મળશે-એવું માનતો હોય તો તે પુરુષને-
"અગ્નિ ની માત્ર ભાવના કરવાથી ટાઢ ઓછી થાય" એવું માનનારા પુરુષ જેવો મૂર્ખ જ સમજવો જોઈએ.

આ જગત ગંધર્વ-નગરની જેમ ખોટી રીતે વૃદ્ધિ પામેલું પ્રતીત થાય છે,એથી,આ જગતનો નાશ થઇ જાય -
તો કશી હાનિ થવાની નથી અને આ જગત વૃદ્ધિ પામે તો કશો લાભ પણ થવાનો નથી.
હે,રામ,જે પદાર્થ અત્યંત ખોટો જ છે,તેમાંથી શું જતું રહેવાનું છે? અને આમ જયારે કશી હાનિ થવાની જ નથી,તો તેના દુઃખ ગાવાનો શો પ્રસંગ છે?
સઘળા જગતને બ્રહ્મ-રૂપે ગણીને -તેને અત્યંત સત્ય માનીએ-તો પણ-જે વસ્તુ અત્યંત સત્ય છે તેમાંથી
કશું જતું નથી કે તેમાં કશું આવતું નથી,તો જગતના પદાર્થો ને માટે શા માટે સુખ-દુઃખ ધરવાં જોઈએ?

જ્ઞાની પુરુષને દુઃખ પહોંચતાં જ નથી,પણ મૂર્ખ પુરુષ તો જગત-સંબંધી ઇષ્ટ પદાર્થો ના વિનાશથી,દુઃખ પામે છે.
"જે પદાર્થ આદિમાં પણ ના હોય અને અંતમાં પણ ના હોય -તે મધ્યમાં પણ હોતો નથી જ "
આ નિયમ પ્રમાણે-જે પુરુષ જગતને ખોટું ધારે છે,તેને જગત ખોટું જ જોવામાં આવે છે.
જગત પોતાના નામ-રૂપ-વાળા અનાશોથી આદિ તથા અંતમાં નહિ હોવાથી મધ્યમાં પણ નથી જ.
અને જે પુરુષ સર્વ જગત ને સાચું ધારે છે-તેને જગત સાચું જોવામાં આવે છે.અહીં પણ ઉપર નો જ સિદ્ધાંત
કામ કરે છે કે-"જે આદિ-અંત માં સત્ય હોય તે મધ્યમા પણ સત્ય છે"
કારણકે કલ્પિત જગત પોતાના અધિષ્ઠાન-પર-બ્રહ્મ-રૂપે સત્ય છે.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE