Nov 15, 2015

Yog-Vaasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-343


આત્મ-તત્વ-રૂપી ચૈતન્ય,એક અંશમાં માયાને લીધે,પોતાથી જુદા જેવા-જગત ને ધારવા લાગતાં(મન-રૂપ થતાં)
(જેમ બીજ અંકુર-પણાને પામે છે-તેમ)  સંકલ્પ-પણાને પ્રાપ્ત થાય છે.
એ સંકલ્પમાંથી બીજો સંકલ્પ પોતાની મેળે તરત જ થાય છે અને પોતાની મેળે તે તરત જ વધવા લાગે છે,
તેથી દુઃખ જ થાય છે (સુખ નહિ).આ -જે  સંકલ્પ છે તે જ સંસાર છે.
તે સંકલ્પ ખોટી રીતે (ઝાંઝવાનાં જળ નિ જેમ) ભ્રાંતિની પેઠે ઉત્પન્ન થયો છે.અને તે ખોટો હોવા છતાં વૃદ્ધિ પામે છે.

હે,પુત્ર,આમ,તારા સ્વ-રૂપમાં -તે ખોટો સંકલ્પ પોતાની મેળે જ ઉદય પામ્યો છે.
તારો જન્મ થયો છે,એ પણ ખોટું છે અને તારું દેહ-રૂપે વર્તમાન-પણું પણ ખોટું છે.
જો મારો ઉપદેશ યથાર્થ રીતે તારા મનમાં ઠસી જાય તો-સઘળું અસત્ય નાશ પામી જાય.
અજ્ઞાન ને લીધે "જે પૂર્ણાત્મા છે તે હું જ છું અને મારા સુખ-દુઃખ-મય જન્મ આદિ ભાવો મિથ્યા જ છે"
એવો વિશ્વાસ તને થતો નથી,અને તે જ અજ્ઞાન ને લીધે તું પરિતાપ (દુઃખ) પામે છે.

તને જન્મ-આદિ નો સંબંધ નહિ હોવા છતાં,પણ તું ભ્રાંતિથી જન્મ્યો છે.
પણ,પૂર્ણ બ્રહ્મ નો તો જન્મ થવો જ કેમ સંભવે?
તું પોતાની મેળે જ સંકલ્પ ને લીધે જ નિરર્થક જડ-રૂપ થઇ ગયો છે. તું કલ્પના જ કર નહિ,અને આ સ્થિતિમાં
સંકલ્પ અને પૂર્વનાં સુખ-દુઃખ -વગેરેનું સ્મરણ છોડી દે.આટલું કરવાથી જ બ્રહ્મ-પદ પામવાની યોગ્યતા આવે છે.સંકલ્પ નો ક્ષય થવાથી સંસાર-સંબંધી ભયો પ્રાપ્ત થતા નથી અને
તે સંકલ્પ,પૂર્વનાં સુખ-દુઃખ નું સ્મરણ નહિ કરવાથી પોતાની મેળે જ નાશ પામે છે.

જેને સંકલ્પનો નાશ કરવાની ઈચ્છા હોય-તેણે પૂર્વનાં સુખ-દુઃખ નું સ્મરણ કરવું નહિ,એટલે
આમ કરવા માત્રથી આંખના પલકારામાં જ તે (સંકલ્પ) હણાઈ જાય છે.અને
પોતાનામાં પૂર્ણાનંદ-પણાના ચિંતન-માત્રથી પોતાનું ભૂલાઈ ગયેલું સ્વ-રૂપ ઉપસ્થિત થાય છે.

હે,પુત્ર,જે વસ્તુ કષ્ટ-સાધ્ય હોય તેને પણ જો પ્રયત્ન થી પ્રાપ્ત કરી લેવામાં આવતું હોય છે-તો-
તારું સ્વ-રૂપ ઉપસ્થિત કરી લેવું એ બહુ મોટી વાત નથી.કારણકે તે સ્વરૂપ ક્યાંય ગયું જ નથી,કે
નથી -તે સ્વરૂપ કોઈ વિકૃતિને પ્રાપ્ત થયેલું.

હે,પુત્ર,સંકલ્પ ને છોડી દેવાના "સંકલ્પ' થી સંકલ્પને-અને-સ્વ-રૂપ ના મનન થી મન ને  કાપી નાખીને -
તું પોતાના સ્વ-રૂપમાં જ રહે.આટલું કરવામાં વળી શું અશકયતા છે? (આ અશક્ય નથી)
સંકલ્પ શાંત થઇ જાય તો આ સંસાર-રૂપી દુઃખ મૂળ સહિત શાંત થઇ જાય છે.

જે સંકલ્પ છે તે જ મન છે, તે જ જીવ છે,તે જ ચિત્ત છે,તે જ બુદ્ધિ છે,તે જ વાસના છે.માત્ર નામથી જુદાઈ છે.
પણ અર્થથી કોઈ જુદાઈ નથી.એટલા માટે સંકલ્પને જ કાપી નાખ,બીજી ચિંતા કર નહિ.
આ સઘળું જગત -એ ખોટા સંકલ્પે જ કરેલું છે અને પોતે ખોટું જ છે,માટે તે ખોટું જણાયા પછી,
તે જગતમાં પ્રીતિ રહેવાનો અવકાશ જ નથી.
'જગત સાચું છે' એવી વાસના ન રહે,તો પછી જગતમાં પ્રીતિ કેવી રીતે રહે?
વાસના ના ક્ષયથી જ મુક્તિ પ્રાપ્ત થાય છે,અને મુક્તિ પ્રાપ્ત થયા પછી બીજું કંઈ પામવાનું રહેતું નથી.

આમ છે -એટલે ક્રમે ક્રમે જગત નો અનાદર કરીને,સઘળા જગતને ખોટું જ જાણવું.
દ્રશ્યો (જગત) નો અનાદર થાય-તો પછી "હું દેહ છું" એવું અનુસંધાન છૂટી જાય અને
આમ થાય -તો-દેહના સુખ-દુઃખથી પોતાને લેપ (અસર કે આસક્તિ) થાય નહિ.

એવી જ રીતે દેહના સંબંધ-વાળાં સ્ત્રી-પુત્રો પણ મિથ્યા જ છે એવો નિર્ણય થવાથી,તેમના પર સ્નેહ (આસક્તિ) ની પ્રવૃત્તિ પણ થતી નથી.આમ આસ્થા (આસક્તિ) નીકળી જાય-એટલે હર્ષ-ક્રોધ-જન્મ-મરણ થતાં નથી.મન જ પોતે ચૈતન્યમાં પ્રતિબિંબ થી જીવ થઈને આ સઘળા ખોટા માનસિક નગર જેવા,
ભૂત-ભવિષ્ય-વર્તમાન જગતને સુખ-દુઃખ-આદિના વિભ્રમોથી પરિવર્તન પમાડે છે.અને ધમાલ કર્યા કરે છે.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE